કે. એલ. રાહુલ, કૃણાલ પંડ્યા અને નિકોલસ પૂરન બાદ આ ટીમનો ચોથો કૅપ્ટન
રિષભ પંતને કૅપ્ટનની જર્સી સોંપી મેન્ટર ઝહીર ખાન અને માલિક સંજીવ ગોએન્કાએ
IPL મેગા ઑક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સે રિષભ પંતને ૨૭ કરોડ રૂપિયામાં ખરીદીને આ ટુર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોંઘો પ્લેયર બનાવ્યો છે. હવે આ જ ફૅન્ચાઇઝીએ તેને કૅપ્ટન્સી સોંપીને સૌથી મોંઘો કૅપ્ટન પણ બનાવી દીધો છે. ગઈ કાલે કલકત્તામાં આ ટીમના માલિક સંજીવ ગોએન્કા અને મેન્ટર ઝહીર ખાને સ્પેશ્યલ જર્સી આપીને રિષભ પંતને કૅપ્ટન્સી સોંપવાની જાહેરાત કરી હતી.
આ કાર્યક્રમમાં રિષભ પંતે કહ્યું હતું કે ‘હું મારું ૨૦૦ ટકા આપીશ. આ મારું તમને વચન છે. હું આ વિશ્વાસ પર ખરો ઊતરવાનો પ્રયત્ન કરીશ. હું નવી શરૂઆત અને નવી ઊર્જા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું આ ટીમથી ખુશ છું. અમારી પાસે યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. ટીમે જ્યાં હોવી જોઈએ ત્યાં પહોંચી નથી, પરંતુ હવે સફર એ છે કે આ ટીમને નવી ઊંચાઈઓ પર કેવી રીતે લઈ જવી.’
ADVERTISEMENT
2021માં પહેલી વાર દિલ્હી કૅપિટલ્સનું નેતૃત્વ સંભાળનાર રિષભ પંત લખનઉ સુપર જાયન્ટ્સનો ચોથો કૅપ્ટન છે. તેના પહેલાં કે. એલ. રાહુલ (૩૭ મૅચ), કૃણાલ પંડ્યા (૬ મૅચ) અને નિકોલસ પૂરન (એક મૅચ) આ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે.