ગુજરાત અને કલકત્તાના ત્રણ-ત્રણ બૅટર્સે ૫૦થી વધુ રન કર્યા
ગઈ કાલે કૅમરન ગ્રીન, જૉસ બટલર, અંગક્રિશ રઘુવંશી, સાઈ સુદર્શન, ફિલ ઍલન અને શુભમન ગિલે ફિફ્ટી ફટકારી હતી.
કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સની શનિવારની મૅચમાં T20 ક્રિકેટનો વર્લ્ડ રેકૉર્ડ બન્યો હતો. T20 ક્રિકેટના ૧૬,૦૦૦થી વધુ મૅચના ઇતિહાસમાં પહેલી વખત એક મૅચમાં ૬ બૅટર્સે ફિફ્ટી ફટકારી હતી. અગાઉ સ૭ IPL મૅચ સહિત ૨૦ T20 મૅચમાં પાંચ ખેલાડીઓએ ૫૦થી વધુ રન કર્યા હતા. કલકત્તા માટે ફિન ઍલને ૩૫ બૉલમાં ૯૩ રન, અંગક્રિશ રઘુવંશીએ ૪૪ બૉલમાં ૮૨ રન અને કૅમરન ગ્રીને ૨૮ બૉલમાં બાવન રન કર્યા હતા. છેલ્લે ૨૦૧૯માં મુંબઈ સામે કલકત્તાના ત્રણ બૅટર્સે એકસાથે ફિફ્ટી નોંધાવી હતી. શનિવારે રન-ચેઝ દરમ્યાન ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલે ૪૯ બૉલમાં ૮૫ રન, જૉસ બટલરે ૩૫ બૉલમાં ૫૭ રન અને સાઈ સુદર્શને ૨૮ બૉલમાં ૫૩ રન કર્યા હતા. અગાઉ આ જ સીઝનમાં દિલ્હી સામે ગુજરાતના આ ત્રણ બૅટર્સે ફિફ્ટી ફટકારી હતી.
સાઈ સુદર્શને ફાસ્ટેસ્ટ ૩૦૦૦ T20 રન ફટકાર્યા
ADVERTISEMENT
શનિવારે ગુજરાત સામે કલકત્તાએ બે વિકેટે ૨૪૭ રન કરીને હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. ટૉપ-ઑર્ડર્સના બૅટર્સની ફિફ્ટી છતાં ૪ વિકેટે ૨૧૮ રન કરીને ગુજરાત ૨૯ રને હાર્યું હતું. ઈડન ગાર્ડન્સમાં ત્રણ મૅચમાં કલકત્તા સામે પહેલી વખત ગુજરાત હારતાં તેમની સીઝનની સતત પાંચ જીતનો સિલસિલો અટક્યો હતો. એક સમયે રિટાયર્ડ હર્ટ થઈને મેદાન પર ફરી બૅટિંગ કરનાર ગુજરાતના ઓપનર સાઈ સુદર્શને ૫૩ રન ફટકારીને મોટા રેકૉર્ડ પોતાના નામે કર્યા હતા. ૫૫૪ રન સાથે તે ઑરેન્જ કૅપ હોલ્ડર બન્યો હતો. તેણે ૭૮ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૩૦૦૦ T20 રન નોંધાવ્યા હતા. અગાઉ ઑસ્ટ્રેલિયાના શૉન માર્શે ૮૫ ઇનિંગ્સમાં આ રેકૉર્ડ કર્યો હતો. ગુજરાત સામે સતત ચાર મૅચમાં ફિફ્ટી નોંધાવનાર સાઈ સુદર્શન પહેલો બૅટર બન્યો હતો. ગુજરાત માટે એક સીઝનમાં હાઇએસ્ટ ૭ વખત ૫૦થી વધુ રન કરવાના મામલે સાઈ સુદર્શને પોતાના ૨૦૨૫ અને શુભમન ગિલના ૨૦૨૩ના રેકૉર્ડની બરાબરી કરી છે.
