Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મૅન્ચેસ્ટરમાં ભારતનો T20 રેકૉર્ડ રહ્યો છે ફિફ્ટી-ફિફ્ટી

મૅન્ચેસ્ટરમાં ભારતનો T20 રેકૉર્ડ રહ્યો છે ફિફ્ટી-ફિફ્ટી

Published : 04 July, 2026 03:26 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી મૅચ વરસાદમાં ધોવાઈ હોવાથી બન્ને ટીમ સિરીઝમાં લીડ મેળવવા આતુર છે, મૅચનો સમય સાંજે ૭.૦૦ વાગ્યાથી

પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે ભારતનો હેડ કોચ ગૌતમ ગંભીર અને T20 કૅપ્ટન શ્રેયસ ઐયર વાતચીત કરતાં જોવા મળ્યા હતા, ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન સાથી ખેલાડીઓ સાથે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર.

પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે ભારતનો હેડ કોચ ગૌતમ ગંભીર અને T20 કૅપ્ટન શ્રેયસ ઐયર વાતચીત કરતાં જોવા મળ્યા હતા, ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન સાથી ખેલાડીઓ સાથે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર.


મૅન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૅફર્ડ સ્ટેડિયમમાં આજે ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે પાંચ મૅચની સિરીઝની બીજી મૅચ રમાશે. ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં પહેલી મૅચ વરસાદને કારણે રદ્દ થઈ હોવાથી બન્ને ટીમ બાકી બચેલી ચાર મૅચમાં જીત સાથે લીડ મેળવવા આતુર હશે. 

ભારતને આ મેદાન પર બે T20 મૅચમાં એક જીત અને એક હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લૅન્ડ અહીં ૨૦૨૫ સુધી ૧૩ T20 મૅચ રમ્યું છે એમાં ૭ જીત અને ત્રણ હાર મળી છે, જ્યારે ત્રણ મૅચ નો-રિઝલ્ટ રહી છે. ઇંગ્લૅન્ડ છેલ્લે સપ્ટેમ્બર ૨૦૨૦માં પાકિસ્તાન સામે પાંચ રને હાર્યા બાદ સતત ત્રણ T20 મૅચથી અજેય રહ્યું છે. 



આ મેદાન પર અંગ્રેજ ટીમ સામે ઑગસ્ટ ૨૦૧૧માં રમેલી T20 મૅચમાં ૧૬૬ રનનો ટાર્ગેટ ડિફેન્ડ ન કરી શકવાને લીધે ભારતને ૬ વિકેટે હાર મળી હતી. જુલાઈ ૨૦૧૮માં ભારતે ૧૬૦ રનનો ટાર્ગેટ ચેઝ કરીને યજમાન ટીમ સામે ૧૦ બૉલ પહેલાં ૮ વિકેટે જીત મેળવી હતી. 

૨૦૧૯થી ઇંગ્લૅન્ડ સામે દ્વિપક્ષીય સિરીઝમાં અપરાજિત છે ભારત

ઇંગ્લૅન્ડ સામે ૨૦૧૯થી હમણાં સુધી રમાયેલી તમામ ફૉર્મેટની દ્વિપક્ષીય સિરીઝમાં ભારત અપરાજિત રહ્યું છે. 

આ સમળગાળામાં ભારતે બે ટેસ્ટ-મૅચ, ત્રણ T20 અને ત્રણ વન-ડે સિરીઝમાં જીત મેળવી હતી, જ્યારે વર્ષ ૨૦૨૧-’૨૨ અને ૨૦૨૫ની ટેસ્ટ-સિરીઝ ૨-૨થી ડ્રૉ રહી હતી. 

ઇંગ્લૅન્ડની વન-ડે સ્ક્વૉડમાં પણ સ્થાન મળ્યું યંગ આૅલરાઉન્ડર જેમ્સ કોલ્સને

ઇંગ્લૅન્ડમાં આગામી ૧૪થી ૧૯ જુલાઈ દરમ્યાન રમાનારી ત્રણ વન-ડે મૅચની સિરીઝ માટે યજમાન ટીમે ૧૬ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી છે. ૨૨ વર્ષના સ્પિન ઑલરાઉન્ડર જેમ્સ કોલ્સને T20ની જેમ વન-ડે સ્ક્વૉડમાં પણ પહેલી વખત એન્ટ્રી મળી છે. હૅરી બ્રૂકની આગેવાની હેઠળની આ સ્ક્વૉડમાં જોફ્રા આર્ચર, ગસ ઍટકિન્સન, સાકિબ મહમૂદની વાપસી થઈ છે. તેઓ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શ્રીલંકા સામેની વન-ડે સ્ક્વૉડનો ભાગ નહોતા. ઇંગ્લૅન્ડની વન-ડે સ્ક્વૉડ : હૅરી બ્રૂક (કૅપ્ટન), રેહાન અહમદ, જોફ્રા આર્ચર, ગસ ઍટકિન્સન, ટૉમ બેન્ટન, જેકબ બેથલ, જૉસ બટલર, જેમ્સ કોલ્સ, સૅમ કરૅન, લિયામ ડૉસન, બેન ડકેટ, વિલ જૅક્સ, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, જો રૂટ અને જૉશ ટન્ગ.

બીજી T20 માટે જોફ્રા આર્ચરની વાપસી, જૉશ ટન્ગ કરશે ડેબ્યુ 

ભારત સામેની બીજી T20 મૅચ માટે ગઈ કાલે સાંજે ઇંગ્લૅન્ડે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી. પહેલી મૅચની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. સાકિબ મહમૂદ અને લ્યુક વુડને સ્થાને ટીમમાં જોફ્રા આર્ચર અને જૉશ ટન્ગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૨૮ વર્ષનો ફાસ્ટ બોલર જૉશ ટન્ગ અંગ્રેજ ટીમ માટે ૨૦૨૩થી ૧૨ ટેસ્ટ-મૅચ જ રમ્યો છે. વાઇટ-બૉલ મૅચમાં તે આજે ઇંગ્લૅન્ડ માટે ડેબ્યુ કરશે. બીજી T20 મૅચ માટે ઇંગ્લૅન્ડની પ્લેઇંગ ઇલેવન : ફિલ સૉલ્ટ, જૉસ બટલર, હૅરી બ્રૂક (કૅપ્ટન), જેકબ બેથલ, ટૉમ બેન્ટન, સૅમ કરૅન, વિલ જૅક્સ, લિયામ ડૉસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, જૉશ ટન્ગ. 


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 03:26 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK