નામિબિયા સામેની પહેલવહેલી વન-ડેમાં સાઉથ આફ્રિકા DLS મેથડથી ૯૯ રને જીત્યું
જૉર્ડન હર્મન
વિન્ડહોકમાં વરસાદના વિઘ્ન વચ્ચે નામિબિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલવહેલી વખત વન-ડે ફૉર્મેટની મૅચ રમાઈ હતી. સાઉથ આફ્રિકાએ DLS મેથડથી ૯૯ રને જીત નોંધાવીને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ નોંધાવી છે. વિન્ડહોકમાં જ આજે બીજી વન-ડે અને ૧૩ સપ્ટેમ્બરે ત્રીજી વન-ડે મૅચ રમાશે.
સાઉથ આફ્રિકાએ પહેલી બૅટિંગ કરીને ૩૪૮/૬નો સ્કોર ખડકી દીધો હતો. રન-ચેઝ દરમ્યાન વીસમી ઓવરમાં નામિબિયાનો સ્કોર ૭૩-૩ હતો પછી વરસાદને કારણે બ્રેક પડતાં DLS મેથડ અનુસાર ૩૮ ઓવરમાં ૩૦૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ફરી વરસાદનું વિઘ્ન આવતાં ૩૧ ઓવરમાં ૨૬૨ રનનો ટાર્ગેટ મળ્યો જેની સામે નામિબિયા ૩૧ ઓવરમાં ૧૬૨/૮નો સ્કોર કરીને ૯૯ રને હાર્યું હતું.
૨૪ વર્ષના ડાબોડી બૅટર જૉર્ડન હર્મને પોતાની પહેલી વન-ડે મૅચમાં ઓપનિંગ કરીને ૧૧૯.૦૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને મોટો રેકૉર્ડ કર્યો હતો. તેણે ૧૨૬ બૉલમાં ૧૭ ફોર અને ૩ સિક્સની મદદથી ૧૫૦ રનનો સ્કોર કર્યો હતો. પ્લેયર ઑફ ધ મૅચ બનેલા જૉર્ડન હર્મને વન-ડે ડેબ્યુ પર સૌથી વધુ સ્કોર કરવાના રેકૉર્ડની બરાબરી કરી હતી.
ફેબ્રુઆરી ૨૦૨૫માં સાઉથ આફ્રિકાના મૅથ્યુ બ્રીટ્ઝકે પહેલી જ વન-ડે મૅચમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૧૪૮ બૉલમાં ૧૫૦ રનનો સ્કોર કર્યો હતો. તેણે ૧૦૧.૩૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૭ ફોર અને ૩ સિક્સ ફટકાર્યા હતા.
