આ અનુભવી સ્પિનર અભિષેક પોરેલની ભૂલને કારણે પોતાની પહેલી IPL હૅટ-ટ્રિક ચૂક્યો હતો...
IPLમાં રિન્કુ સિંહને ઝીરોના સ્કોર પર તંબુભેગો કરનાર પહેલો બોલર બન્યો કુલદીપ યાદવ
સ્પિનર કુલદીપ યાદવ વન-ડે ક્રિકેટમાં બે વખત હૅટ-ટ્રિક લેનાર ભારતનો પહેલો બોલર છે. તેણે ૨૦૧૯માં વિશાખાપટનમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે અને ૨૦૧૭માં કલકત્તામાં ઑસ્ટ્રેલિયા સામે હૅટ-ટ્રિક લીધી હતી. જોકે રવિવારે ઈડન ગાર્ડન્સમાં તે પોતાની પહેલી IPL હૅટ-ટ્રિક લેતાં ચૂકી ગયો હતો.
૧૪મી ઓવરના બીજા બૉલે કુલદીપ યાદવે કલકત્તાના કૅપ્ટન અજિંક્ય રહાણેને ડેવિડ મિલરના હાથે કૅચઆઉટ કરાવ્યો હતો. બીજા બૉલે તેણે રિન્કુ સિંહને ટ્રિસ્ટન સ્ટબ્સને હાથે કૅચઆઉટ કરાવ્યો હતો. IPLમાં રિન્કુ સિંહને ઝીરોના સ્કોર પર તંબુભેગો કરનાર કુલદીપ યાદવ પહેલો બોલર બન્યો હતો.
જોકે જ્યારે હૅટ-ટ્રિક લેવાનો ત્રીજો બૉલ ફેંક્યો ત્યારે કુલદીપ યાદવને નિરાશા મળી. સ્ટમ્પ્સની પાછળ તેજસ્વી દહિયાનો કૅચ વિકેટકીપર અભિષેક પોરેલે છોડી દીધો હતો. કૅચ ડ્રૉપ સમયે કુલદીપ યાદવનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર દિલ્હીએ પહેલી વખત ૫૦ પ્લસ રનની ભાગીદારી વગર ૨૦૦ રનનો આંકડો પાર કરીને ૨૦૩-૫નો સ્કોર કર્યો હતો. જવાબમાં કલકત્તા ૧૮.૪ ઓવરમાં ૧૬૩ રને ઑલરાઉટ થઈને હાર્યું હતું. કલકત્તાએ પોતાની અંતિમ ૭ વિકેટ ૩૫ રનની અંદર ગુમાવી દીધી હતી. સ્પિનર કુલદીપ યાદવ ૪ ઓવરમાં ૨૯ રન આપીને ત્રણ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
