૩૦૪ રનના ટાર્ગેટ સામે ૨૬૨ રને ઑલઆઉટ થઈ ગયા કૅરિબિયનો....
૬૨ બૉલમાં ૭૨ રન ફટકારીને શ્રીલંકાનો કૅપ્ટન કુસલ મેન્ડિસ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો
જમૈકામાં બુધવારે યજમાન વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થઈ હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર શ્રીલંકાએ ૫૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાન સાથે ૩૦૩ રન કર્યા હતા. જવાબમાં યજમાન ટીમ ૪૯.૨ ઓવરમાં ૨૬૨ રને ઑલઆઉટ થઈ હતી. ૪૧ રનની જીત સાથે શ્રીલંકાના નવા કૅપ્ટન કુસલ મેન્ડિસ અને હેડ કોચ ગૅરી કર્સ્ટનના કાર્યકાળની વિજયી શરૂઆત થઈ છે.
શ્રીલંકાના ઓપનર પથુમ નિસાન્કાએ ૧૦૩ બૉલમાં ૯ ફોર અને ૧ સિક્સની મદદથી ૭૯ રન કરીને સારી શરૂઆત અપાવી હતી. ત્રીજા ક્રમે રમવા આવેલા કૅપ્ટન કુસલ મેન્ડિસે ૬૨ બૉલમાં ૪ ફોર અને ૪ સિક્સ ફટકારીને ૭૨ રન ફટકાર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ માટે રૉસ્ટન ચેઝ, મૅથ્યુ ફોર્ડ અને જેડન સીલ્સે ૨-૨ વિકેટ લીધી હતી.
રન-ચેઝ સમયે યજમાન ટીમના કૅપ્ટન શાઇ હોપે ૬૬ બૉલમાં ૫૬ રન અને ઓપનર જસ્ટિન ગ્રીવ્સે ૩૮ બૉલમાં ૪૫ રન કર્યા હતા. શ્રીલંકાના ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરાએ ૪ વિકેટ અને સ્પિનર મહેશ થીક્ષ્ણાએ બે વિકેટ લઈને હરીફ ટીમની રનની ગતિને રોકી હતી. ૩૦.૫ ઓવરમાં ૧૬૭-૫નો સ્કોર કર્યા બાદ વેસ્ટ ઇન્ડીઝે અંતિમ ૧૦ ઓવરમાં ૪૮ રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
ઇન્ડોનેશિયા ઓપનમાં મેન્સ ડબલ્સ જોડી સિવાય તમામ ભારતીય ખેલાડીઓ આઉટ
ઇન્ડોનેશિયા ઓપન બૅડ્મિન્ટન ટુર્નામેન્ટનું ભારતીય અભિયાન હવે માત્ર એક મેન્સ ડબલ્સ જોડીને આધારે ટકેલું છે. મેન્સ ડબલ્સમાં ગઈ કાલે મલેશિયાની જોડી સામે ૧૬-૨૧, ૨૧-૧૫, ૨૧-૧૯થી જીત નોંધાવીને હરિહરન અમસાકરુનન અને એમ.આર. અર્જુન ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે.
માત્ર ત્રણ દિવસમાં બાકીની તમામ કૅટેગરીની ઇવેન્ટમાં ભારતીય ખેલાડીઓને શરૂઆતના રાઉન્ડમાં હાર મળી છે. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન, શ્રીકાંત કિદામ્બી, એચ. એસ. પ્રણોય પહેલા રાઉન્ડમાં જ્યારે આયુષ શેટ્ટી બીજા રાઉન્ડમાં બહાર થયા હતા. વિમેન્સ સિંગલ્સમાં માલવિકા બનસોડ, ઉન્નતિ હૂડા સહિત પી.વી. સિંધુ પણ ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચી શક્યાં નહોતાં.
સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી મલેશિયાની જોડી સામે પ્રથમ રાઉન્ડની મૅચમાંથી ખસી ગઈ હતી. સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડીની ખભાની ઇન્જરીને કારણે આ નિર્ણય લેવાયો હતો. વિમેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ સહિતની ભારતની અન્ય ત્રણ જોડી પણ આગળ વધી શકી નહોતી.
