૧૬૪ રને ઢેર થયેલા લૉસ ઍન્જલસ સામે ૯ વિકેટે ૧૬૩ રન જ કરી શક્યું વૉશિંગ્ટન
ચૅમ્પિયન બનવાની ઉજવણી કરતી લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સની ટીમ
અમેરિકાના ઑકલૅન્ડમાં આયોજિત મેજર લીગ ક્રિકેટ (MLC)ની ચોથી સીઝનમાં લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સ ચૅમ્પિયન બન્યું છે. ૨૦૨૪ની ચૅમ્પિયન ટીમ અને સતત ત્રીજી વખત ફાઇનલ મૅચ રમનાર વૉશિંગ્ટન ફ્રીડમ સામે પહેલી વખત ફાઇનલમાં એન્ટ્રી મેળવનાર લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સે એક રને જીત નોંધાવી હતી. લૉસ ઍન્જલસના ૧૬૪-૧૦ના સ્કોર સામે વૉશિંગ્ટન ૯ વિકેટે ૧૬૩ રન જ કરી શક્યું હતું.
લૉસ ઍન્જલસના ઓપનર્સ કૉલિન મુનરોએ ૨૯ બૉલમાં ૪૦ રન અને આન્દ્રે ફ્લેચરે ૨૭ બૉલમાં ૪૭ રન કર્યા હતા. આ ટીમ પંચાવન રનની અંદર અંતિમ ૮ વિકેટ ગુમાવીને અંતિમ બે બૉલ પહેલાં ઑલઆઉટ થઈ હતી. વૉશિગ્ટન ફ્રીડમના બેન દ્વારશુઇસે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ભારતીય મૂળના રચિન રવીન્દ્ર, નિખિલ ચૌધરીને બે-બે વિકેટ અને સૌરભ નેત્રાવલકરને ૧ વિકેટ મળી હતી.
ADVERTISEMENT
વૉશિંગ્ટન ફ્રીડમ માટે ઍન્ડ્રીસ ગૉસે ૩૫ બૉલમાં ૪૦ રન અને ઓબન પિનારે ૨૪ બૉલમાં ૫૩ રન કર્યા હતા. સુનીલ નારાયણે ૪ ઓવરમાં ૧૩ રન અને કૅપ્ટન જેસન હોલ્ડરે ૩૧ રન આપીને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી ૧૪ રન સામે કૅપ્ટન સ્ટીવ સ્મિથની ટીમ ત્રણ વિકેટ ગુમાવીને ૧૨ રન જ કરી શકી હતી.
MI ફ્રૅન્ચાઇઝી બાદ નાઇટ રાઇડર્સે જીતી ૧૦ T20 ટ્રોફી
MI એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ ફ્રૅન્ચાઇઝી વિશ્વમાં સૌથી વધુ ૧૩ T20 ટાઇટલ જીતનાર ટીમ છે. આ ટીમ બાદ હવે નાઇટ રાઇડર્સ ફ્રૅન્ઝાઇઝીએ પણ ૧૦ ટાઇટલ જીતવાની કમાલ કરી છે. આ ટીમે ત્રણ વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ, પાંચ વખત મેન્સ કૅરિબિયન પ્રીમિયર લીગ, એક વખત વિમેન્સ કૅરિબિયન પ્રીમિયર લીગ બાદ હવે મેજર લીગ ક્રિકેટનું ટાઇટલ જીત્યું છે.
તમે બધાએ કહ્યું હતું કે અમે અહીં ફક્ત ભાગ લેવા માટે નહીં પણ જીતવા માટે આવ્યા છીએ અને તમે એ સાબિત કર્યું - ટીમનો માલિક અને ઍક્ટર શાહરુખ ખાન
સૌથી વધુ T20 ટાઇટલ જીતનાર ખેલાડીઓ
કાયરન પોલાર્ડ ૧૮
ડ્વેઇન બ્રાવો ૧૭
શોએબ મલિક ૧૫
સુનીલ નારાયણ ૧૩
ઍન્દ્રે રસેલ ૧૨
