રિષભ પંતની આગેવાનીમાં ટીમ માત્ર ૧૦ મૅચ જીતી અને ૧૮ મૅચ હારી...
રિષભ પંત
લખનઉ સુપર જાયન્ટ્સના ક્રિકેટ-ડિરેક્ટર ટૉમ મૂડીએ સંકેત આપ્યો છે કે આગામી સીઝન માટે કૅપ્ટન્સીના રોલનું મૂલ્યાંકન થશે. સતત બે સીઝનથી લખનઉના અભિયાનની નિષ્ફળ આગેવાની કરનાર ૨૭ કરોડ રૂપિયાના રિષભ પંત પાસે કૅપ્ટન્સી છીનવાઈ શકે છે. તેની આગેવાનીમાં ટીમ બે સીઝનમાં ૧૦ મૅચ જીતી છે અને ૧૮ મૅચ હારી છે.
ટૉમ મૂડી કહે છે, ‘અમે દરેક ટીમના દરેક વિભાગનું મૂલ્યાંકન કરીશું. અમે ચોક્કસપણે અમારા માટે નક્કી કરેલી અપેક્ષાઓ અથવા ધોરણો પર ખરા ઊતર્યા નથી. જ્યારે ફ્રૅન્ચાઇઝીની કૅપ્ટન્સીની વાત આવે છે ત્યારે એ એક એવો વિષય છે જેના પર અમે ભવિષ્યમાં એનું માળખું કેવી રીતે બનાવવું જોઈએ એ વિશે ખૂબ ગંભીરતાથી વિચારીશું. એવું ચોક્કસપણે લાગે છે કે અમારે ‘રીસેટ’ વિશે વિચારવાની જરૂર છે.’
રિષભ પંતની આગેવાનીમાં ૨૦૨૫માં લખનઉ ૧૪ મૅચમાં ૬ જીત અને ૮ હારને કારણે ૧૨ પૉઇન્ટ સાથે સાતમા ક્રમાંકે રહ્યું હતું. આ સીઝનમાં લખનઉ ૧૪ મૅચમાંથી માત્ર ચાર જીત, ૧૦ હારને કારણે ૮ પૉઇન્ટ સાથે દસમા ક્રમે રહ્યું છે. તમામ લીગ-સ્ટેજ મૅચ રમીને રિષભ પંતે ૨૦૨૫માં એક સદી અને એક ફિફ્ટીની મદદથી ૨૬૯ રન કર્યા હતા. વર્તમાન સીઝનમાં એક ફિફ્ટીની મદદથી તેણે ૩૧૨ રન કર્યા છે.
