ગૌતમ ગંભીરના જૂના સાથી ખેલાડી મનોજ તિવારીનો મોટો દાવો...
ગૌતમ ગંભીર, મનોજ તિવારી અને રોહિત શર્મા ફાઇલ તસવીર
વન-ડે વર્લ્ડ કપ 2027માં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર અને અનુભવી પ્લેયર્સ રમે એવી ઇચ્છા દરેક ભારતીય ફૅન્સની છે. જોકે હેડ કોચ ગૌતમ ગંભીરના જૂના સાથી ખેલાડી મનોજ તિવારીએ વર્લ્ડ કપમાં રોહિત શર્માની ભાગીદારી વિશે ચોંકાવનારો દાવો કર્યો છે.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોલકાતા નાઇટ રાઇડર્સમાં ગૌતમ ગંભીર સાથે રમી ચૂકેલા મનોજ તિવારીએ કહ્યું હતું કે ‘જ્યારે રોહિત શર્મા પાસેથી કૅપ્ટન્સી છીનવાઈ ગઈ ત્યારે મને લાગ્યું કે કેટલાક લોકો તેના નિષ્ફળ જવાની રાહ જોઈ રહ્યા હતા. ન્યુ ઝીલૅન્ડ સામે ત્રણ મૅચમાં નિષ્ફળ ગયો એ પહેલાં ઑસ્ટ્રેલિયામાં સદી ન ફટકારી હોત તો મને લાગે છે કે પસંદગીકારોએ તેને ટીમમાંથી બહાર કરવાની ફરજ પડી હોત.’
મનોજ તિવારીએ વધુમાં કહ્યું હતું કે ‘ચૅમ્પિયન્સ ટ્રોફી જીતનાર વ્યક્તિને કૅપ્ટન તરીકે હટાવવાથી શું સંદેશ જાય છે? એનો અર્થ એ છે કે ટીમ-મૅનેજમેન્ટ રોહિતને વન-ડે વર્લ્ડ કપમાં જવા દેવા માગતું નથી. જોકે ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે તેણે જે રીતે પ્રદર્શન કર્યું એનાથી સાબિત થયું કે તેનામાંથી ક્રિકેટ હજી સમાપ્ત થયું નથી. ફક્ત એટલા માટે કે તેણે ત્રણ મૅચમાં સારું પ્રદર્શન કર્યું નથી એનો અર્થ એ નથી કે તે આગામી મૅચોમાં સારું પ્રદર્શન કરશે નહીં. તે એક એવો બૅટ્સમૅન છે જેણે ત્રણ બેવડી સદી ફટકારી છે. તેનું સન્માન થવું જોઈએ.’


