સાઉથ આફ્રિકા સામે શાનદાર દેખાવ બાદ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ૮૮૧ રેટિંગ પૉઇન્ટ્સ મેળવ્યા.
મિચલ સ્ટાર્ક
ન્યુ ઝીલૅન્ડ સામે વિજય બાદ ભારતીય કૅપ્ટન શ્રેયસ બે ક્રમ આગળ વધ્યો. સાઉથ આફ્રિકા સામે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ-સિરીઝમાં શાનદાર પ્રદર્શનની મદદથી ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટેસ્ટ બોલિંગ રૅન્કિંગ્સમાં ફરી મોખરાના સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ બુધવારે જાહેર કરાયેલાં તાજાં T20 ઇન્ટરનૅશનલ રૅન્કિંગ્સમાં ભારતીય ટીમના કૅપ્ટન શ્રેયસ ઐયરે બે ક્રમનો સુધારો કરીને સાતમું સ્થાન મેળવી લીધું છે.
કેપટાઉન ખાતે રમાયેલી ત્રણ મૅચની સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં કુલ ૯ વિકેટ ઝડપીને સ્ટાર્ક એક સ્થાનના ફાયદા સાથે સાઉથ આફ્રિકાના માર્કો યાન્સેનને પછાડીને ટોચ પર પહોંચી ગયો છે. ઑસ્ટ્રેલિયન ડાબોડી ફાસ્ટ બોલરે ૮૮૧નું નવું કરીઅર-બેસ્ટ રેટિંગ પણ હાંસલ કર્યું છે. આ અગાઉ ઑગસ્ટ મહિનામાં જસપ્રીત બુમરાહને હટાવીને તે પ્રથમ વાર ટોચ પર પહોંચ્યો હતો, પરંતુ માર્કો યાન્સેને બીજી ટેસ્ટમાં ૬ વિકેટ ઝડપીને નંબર વન સ્થાન છીનવી લીધું હતું. જોકે કેપટાઉનમાં ત્રીજી ટેસ્ટમાં યાન્સેન માત્ર ૩ વિકેટ જ ઝડપી શકતાં સ્ટાર્ક ફરી ટોચ પર આવી ગયો છે.
ન્યુલૅન્ડ્સ ખાતે ૬ વિકેટ ઝડપીને ટીમને વિજય અપાવનાર સાઉથ આફ્રિકાનો ઑફ-સ્પિનર સાઇમન હાર્મર ૯ ક્રમની લાંબી છલાંગ લગાવીને સાતમા સ્થાને પહોંચી ગયો છે. તે હવે પોતાની ટીમના સાથી બોલર કગિસો રબાડા કરતાં એક ક્રમ આગળ છે. બોલિંગમાં નંબર વન સ્થાન ગુમાવવા છતાં યાન્સેને ટેસ્ટ ઑલરાઉન્ડર્સની યાદીમાં ટોચનું સ્થાન મજબૂત રાખ્યું છે. ત્રીજી ટેસ્ટમાં અડધી સદી ફટકારીને તેણે કારકિર્દીનું સર્વોચ્ચ રેટિંગ મેળવ્યું છે.
