બંગલાદેશે આપેલા ૨૬૮ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાન બીજા દાવમાં ૧૬૩ રનમાં આૅલઆઉટ
પાકિસ્તાન સામે ઘરઆંગણે પહેલી ટેસ્ટ-મૅચ જીતની ઉજવણી કરતા બંગલાદેશી પ્લેયર્સ.
ઢાકામાં ગઈ કાલે પહેલી ટેસ્ટ-મૅચમાં પાકિસ્તાનને ૧૦૪ રને હરાવીને બંગલાદેશે ઘરઆંગણે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. પહેલી ઇનિંગ્સમાં ૪૧૩ રન કર્યા બાદ પાંચમા દિવસે બંગલાદેશે ૭૦.૩ ઓવરમાં ૯ વિકેટે ૨૪૦ રને બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ડ્રૉ તરફ આગળ વધતી મૅચમાં બંગલાદેશે ૨૬૮ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલા દાવમાં ૩૮૬ રન કરનાર પાકિસ્તાન ૫૨.૫ ઓવરમાં ૧૬૩ રને ઑલઆઉટ થઈને બંગલાદેશની ધરતી પર પહેલી વખત ટેસ્ટ-મૅચ હાર્યું છે. બે ટેસ્ટ-મૅચની સિરીઝમાં આ ઐતિહાસિક જીત સાથે યજમાન બંગલાદેશે ૧-૦થી લીડ મેળવી છે. પાકિસ્તાન સામે એના જ ઘરમાં ૨૦૨૪માં પહેલી ટેસ્ટ-સિરીઝ ૨-૦થી જીત્યા બાદ બંગલાદેશે આ હરીફ સામે ટેસ્ટ-ફૉર્મેટમાં સતત ત્રીજી જીત મેળવી હતી. અગાઉ બંગલાદેશની ધરતી પર બન્ને ટીમ વચ્ચે ૭ ટેસ્ટ-મૅચ રમાઈ હતી, એમાંથી પાકિસ્તાન ૬ મૅચ જીત્યું હતું અને એક મૅચ ડ્રૉ રહી હતી. બીજા દાવમાં પાકિસ્તાન માટે અબદુલ્લા ફઝલ ટીમ માટે ૧૧૩ બૉલમાં ૬૬ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમ્યો હતો. ૩૨.૪ ઓવરમાં ૧૨૧ રને પાંચ વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાને છેલ્લી પાંચ વિકેટ ૧૫૨થી ૧૬૩ રનના સ્કોર વચ્ચે ગુમાવી દીધી હતી. બંગલાદેશના યંગ ફાસ્ટ બોલર નાહીદ રાણાએ બીજા દાવમાં ૯.૫ ઓવરમાં ૪૦ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. બંગલાદેશનો કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તો ૧૦૧ રન અને ૮૭ રનની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. બંગલાદેશના કૅપ્ટન તરીકે તેણે સૌથી વધુ ૭ ટેસ્ટ-મૅચ જીતીને મુશફિકુર રહીમની બરાબરી કરી છે. બીજી ટેસ્ટ-મૅચ ૧૬થી ૨૦ મે દરમ્યાન સિલહટમાં રમાશે.
39 વર્ષ 217 દિવસની ઉંમરે ૧૦૦ ટેસ્ટ-વિકેટ લેનાર આૅલ્ડેસ્ટ બોલર બન્યો પાકિસ્તાનનો સ્પિનર નોમાન અલી. અગાઉ ૧૮૯૬માં ૩૯ વર્ષ ૧૮૦ દિવસની ઉંમરે ઇંગ્લૅન્ડના સ્પિનર બૉબી પીલના નામે આ રેકૉર્ડ હતો.
