છેલ્લી ૪ સિરીઝમાં ભારતીયો સામે ફ્લૉપ રહ્યા છે કિવીઓ, ૨૦૧૭થી નાગપુરમાં એક પણ મૅચ નથી હારી ટીમ ઇન્ડિયા
ન્યુ ઝીલૅન્ડ સામે વન-ડે સિરીઝ હારી ગયા બાદ આજથી શરૂ થઈ રહેલી પાંચ મૅચની T20 સિરીઝ માટે રણનીતિ બનાવતા હેડ કોચ ગૌતમ ગંભીર અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ. T20 સિરીઝમાં કમબૅક કરીને પ્રૅક્ટિસ-સેશનમાં તૈયારી કરતા જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા.
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ડ્રેસ રિહર્સલના ભાગ રૂપે આજથી ૩૧ જાન્યુઆરી સુધી ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે પાંચ T20 મૅચની સિરીઝ રમાશે. સિરીઝની મૅચો અનુક્રમે નાગપુર, રાયપુર, ગુવાહાટી, વિશાખાપટનમ અને તિરુવનંતપુરમમાં રમાશે. સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીને આ સિરીઝથી પોતાની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન શોધવામાં મદદ મળશે.
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ૨૦૦૯થી ૨૦૨૩ સુધી ૮ T20 મૅચ રમાઈ છે. ભારત પાંચ વખત અને ન્યુ ઝીલૅન્ડ માત્ર ૩ વખત આ સિરીઝ જીત્યાં છે. છેલ્લી ૪ સિરીઝમાં ભારતે કિવીઓ સામે ૨૦૨૦ની પાંચ મૅચની સિરીઝમાં ૫-૦થી અને ત્યાર બાદ ૩ મૅચની ૩ સિરીઝમાં અનુક્રમે ૩-૦, ૧-૦, ૨-૧થી જીત મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ન્યુ ઝીલૅન્ડ ભારતની ધરતી પર ૪ સિરીઝ રમ્યું છે જેમાંથી સપ્ટેમ્બર ૨૦૧૨ની T20 સિરીઝ જ જીતી શક્યું છે.
ફેબ્રુઆરી ૨૦૨૩ બાદ ન્યુ ઝીલૅન્ડ પહેલી વખત આ ફૉર્મેટમાં ભારત સામે ટકરાશે. બન્ને દેશ વચ્ચે પચીસ T20 મૅચ રમાઈ છે જેમાંથી ભારતે ૧૪ અને ન્યુ ઝીલૅન્ડે ૧૦ મૅચ જીતી છે. ૧ મૅચ DLS મૅથડથી ટાઇ રહી હતી. નાગપુરના વિદર્ભ ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં ભારત પાંચ T20 મૅચમાંથી ૩ જીત્યું છે અને બે હાર્યું છે. ૨૦૧૭થી આ સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા એક પણ મૅચ નથી હારી. ૨૦૧૭થી હમણાં સુધી ભારતે આ સ્ટેડિયમમાં ૩ T20 મૅચ, ૩ વન-ડે મૅચ અને બે ટેસ્ટ-મૅચ જીતી છે.
વન-ડે સિરીઝમાં વિરાટ, રોહિત અને શ્રેયસની વિકેટ લેનાર ફાસ્ટ બોલર ક્રિસ્ટિયન ક્લાર્કને T20 સ્ક્વૉડમાં પણ મળી એન્ટ્રી
ADVERTISEMENT
ભારત સામેની પાંચ T20 મૅચની સિરીઝની પહેલી ૩ મૅચની સ્ક્વૉડમાં ન્યુ ઝીલૅન્ડે ઑલરાઉન્ડર ક્રિસ્ટિયન ક્લાર્કને સામેલ કર્યો છે. સ્પિનર માઇકલ બ્રેસવેલ અને ફાસ્ટ બોલર ઍડમ મિલ્ને સહિતના પ્લેયર્સને ઇન્જરી થઈ હોવાથી ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લીધો છે. વન-ડે સિરીઝમાં બે ઇનિંગ્સમાં ૩૫ રન કરનાર ક્રિસ્ટિયન ક્લાર્ક T20 સિરીઝમાં મહેમાન ટીમ માટે બૅટર અને બોલર તરીકે સારો વિકલ્પ બની રહેશે. ૨૪ વર્ષના ક્રિસ્ટિયન ક્લાર્કે વન-ડે સિરીઝમાં પોતાનું ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. તેણે ૩ વન-ડે મૅચમાં કુલ ૭ વિકેટ ઝડપી હતી. તેણે હર્ષિત રાણાના રૂપે પોતાની પહેલી વિકેટ લીધા બાદ બાકીની બે મૅચમાં વિરાટ કોહલીને બે વખત, શ્રેયસ ઐયરને બે વખત, રોહિત શર્મા અને નીતીશ કુમાર રેડ્ડીને ૧-૧ વખત આઉટ કર્યા હતા.


