વેસ્ટ ઇન્ડીઝ સામે ન્યુ ઝીલૅન્ડે માત્ર એક વિકેટ ગુમાવીને ૩૩૪ રન કર્યા
ટૉમ લૅધમ અને ડેવોન કૉન્વેએ ૩૨૩ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી
ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ ન્યુ ઝીલૅન્ડે ત્રીજી મૅચમાં મજબૂત શરૂઆત કરી છે. પહેલા દિવસે યજમાન ટીમે ૯૦ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને રેકૉર્ડ ઓપનિંગ ભાગીદારીના આધારે ૩૩૪ રન કર્યા હતા. મહેમાન ટીમના કેમાર રોચને એકમાત્ર વિકેટ છેક ૮૭મી ઓવરમાં મળી હતી.
કિવી કૅપ્ટન ટૉમ લૅધમ અને સાથી-ઓપનર ડેવોન કૉન્વેએ ૩૨૩ રનની ન્યુ ઝીલૅન્ડની ધરતી પરની હાઇએસ્ટ ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. કિવી માટે આ ઓવરઑલ બીજી અને ૨૧મી સદીમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ બની હતી. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની પણ આ હાઇએસ્ટ ઓપનિંગ ભાગીદારી છે. રોહિત શર્મા અને મયંક અગ્રવાલના નામે આ રેકૉર્ડ ૨૦૧૯માં વિશાખાપટનમમાં સાઉથ આફ્રિકા સામે ૩૧૭ રનની ઓપનિંગ ભાગીદારી સાથે નોંધાયો હતો.
ADVERTISEMENT
ટૉમ લૅધમે ૨૪૬ બૉલમાં ૧૩૭ રન કર્યા હતા. ૧૫ ફોર અને એક સિક્સર ફટકારનાર આ પ્લેયર દિવસના અંતે કૅચઆઉટ થયો હતો. ડેવોન કૉન્વેએ ૨૫ ફોરની મદદથી ૨૭૯ બૉલમાં ૧૭૮ રન કર્યા છે. નાઇટ વૉચમૅન તરીકે મેદાન પર આવેલા જેકબ ડફીએ ૧૬ બૉલમાં ૯ રન કર્યા હતા.
ઘરઆંગણે ૧૪ વર્ષ બાદ પહેલાં બૅટિંગ પસંદ કરી ન્યુ ઝીલૅન્ડે
ન્યુ ઝીલૅન્ડે ૧૪ વર્ષ અને ૨૬ ટેસ્ટ-મૅચ બાદ ઘરઆંગણે ટેસ્ટ-ક્રિકેટમાં પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કર્યું છે. જાન્યુઆરી ૨૦૧૧માં પાકિસ્તાન સામે છેલ્લે ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન ડૅનિયલ વેટોરીએ ઘરઆંગણે ટેસ્ટમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય લીધો હતો.


