ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રીજી સૌથી ફાસ્ટેસ્ટ બેવડી સદી, તેની ૨૨૨ રનની જોરદાર ઇનિંગ્સના આધારે મહારાષ્ટ્રએ ચંડીગઢને ૪૬૪ રનનો ટાર્ગેટ આપ્યો
૨૯ ફોર અને પાંચ સિક્સરની મદદથી પૃથ્વી શૉએ અફલાતૂન ઇનિંગ્સ રમીને ૨૫૬ બૉલમાં ૨૨ર રન ફટકાર્યા હતા.
મુંબઈમાંથી મહારાષ્ટ્રની ડોમેસ્ટિક ટીમમાં શિફ્ટ થયેલા પૃથ્વી શૉએ પોતાની બીજી જ રણજી મૅચમાં ડબલ સેન્ચુરી ફટકારીને ધમાલ મચાવી છે. પહેલી ઇનિંગ્સમાં ૩૧૩ રન કરનાર મહારાષ્ટ્રની ટીમે બીજી ઇનિંગ્સમાં ૩ વિકેટે ૩૫૯ના સ્કોરે બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. યજમાન ચંડીગઢને ૪૬૪ રનનો ટાર્ગેટ મળ્યો છે. પહેલી ઇનિંગ્સમાં ૨૦૯ રને ઑલઆઉટ થનાર ચંડીગઢે ત્રીજા દિવસની રમતના અંતે એક વિકેટે ૧૨૯ કર્યા હતા. મહારાષ્ટ્ર પાસે હજી ૩૩૫ રનની લીડ છે.
ઓપનર પૃથ્વી શૉ મહારાષ્ટ્ર માટેની પહેલી રણજી ટ્રોફી મૅચમાં કેરલા સામે ઝીરો અને ૭૫ રનની ઇનિંગ્સ રમ્યો હતો. ચંડીગઢ સામેની પહેલી ઇનિંગ્સમાં તે ૮ રન બનાવીને આઉટ થયો હતો. બીજી ઇનિંગ્સમાં તે ૧૪૨.૩૦ની સ્ટ્રાઇક-રેટથી ૨૫૬ બૉલમાં ૨૨૨ રનની અફલાતૂન ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ૭૨ બૉલમાં ૧૦૦ રન કરીને મહારાષ્ટ્ર માટે પહેલો ટ્રિપલ ડિજિટનો સ્કોર કર્યો હતો. ૨૯ ફોર અને પાંચ સિક્સર ફટકારનાર પૃથ્વી શૉ ૧૪૧ બૉલમાં ડબલ સેન્ચુરી ફટકારીને એક મોટા રેકૉર્ડના લિસ્ટમાં સામેલ થયો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભારતીય બૅટ્સમૅન દ્વારા ફટકારવામાં આવેલી ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરીમાં તે ત્રીજા ક્રમે છે. તન્મય અગ્રવાલ (૧૧૯ બૉલ) અને રવિ શાસ્ત્રી (૧૨૩ બૉલ) આ લિસ્ટમાં સૌથી આગળ છે.


