T20 વર્લ્ડ કપ 2026 અને ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝ માટે ૧૫ સભ્યોની ભારતીય સ્ક્વૉડ જાહેર થઈ, અક્ષર પટેલને વાઇસ-કૅપ્ટનની જવાબદારી પાછી મળી
ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવ અને દેવજિત સૈકિયાની હાજરીમાં મીડિયાને સંબોધન કરતો અજિત આગરકર.
ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડના મુંબઈસ્થિત મુખ્યાલયમાં ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝ અને આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લી બે T20 સિરીઝથી ચાલી રહેલી સ્ક્વૉડમાંથી ઓપનર શુભમન ગિલ અને વિકેટકીપર-બૅટર જિતેશ શર્માને ડ્રૉપ કરવામાં આવ્યા છે. ફિનિશર રિન્કુ સિંહે સાઉથ આફ્રિકા સામેની સિરીઝના બ્રેક બાદ ફરી ટીમમાં વાપસી કરી છે. શુભમન ગિલ ડ્રૉપ થતાં અક્ષર પટેલને ફરી વાઇસ-કૅપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઝારખંડ માટે ટાઇટલ જીતવાની ઝુંબેશ બાદ વિકેટકીપર-બૅટ્સમૅન ઈશાન કિશન વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે ટીમમાં પાછો ફર્યો છે. ૨૦૨૩-’૨૪થી ક્રિકેટ બોર્ડનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ ગુમાવનાર ઈશાન કિશને આ T20 ફૉર્મેટની ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ૫૧૭ રન ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. નવેમ્બર ૨૦૨૩માં તે T20 મૅચ રૂપે છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો.
ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયા દ્વારા શનિવારે બોર્ડના હેડક્વૉર્ટરમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય પસંદગીકાર અજિત આગરકરની હાજરીમાં ટીમની જાહેરાત કરવામાં આવી હતી. દેવજિત સૈકિયાએ કહ્યું હતું કે વર્લ્ડ કપ અને સિરીઝ ભારતમાં જ હોવાથી કોઈ સ્ટૅન્ડ-બાય પ્લેયર્સની જાહેરાત કરવામાં આવી નથી. કૅપ્ટન સૂર્યાની અમદાવાદથી મુંબઈની ફ્લાઇટ મોડી પડતાં સ્ક્વૉડ-જાહેરાત માટેની પ્રેસ-કૉન્ફરન્સ શરૂ કરવામાં ૩૫ મિનિટની વાર લાગી હતી.
૨૦૨૪ની વર્લ્ડ કપ સ્ક્વૉડના ૮ પ્લેયર્સને ફરી રમવાની તક મળી
ADVERTISEMENT
T20 વર્લ્ડ કપ 2024ની ચૅમ્પિયન સ્ક્વૉડમાં સામેલ ૮ પ્લેયર્સને ફરી એક વખત વર્લ્ડ કપ રમવાની તક મળી છે. સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, સંજુ સૅમસન અને શિવમ દુબે વર્તમાન વર્લ્ડ કપ સ્ક્વૉડમાં પણ સામેલ થયા છે. ૨૦૨૪ના વર્લ્ડ કપની સ્ક્વૉડમાંથી યશસ્વી જાયસવાલ, યુઝવેન્દ્ર ચહલ, રિષભ પંત અને મોહમ્મદ સિરાજને વર્તમાન સ્ક્વૉડમાં તક નથી મળી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ઇન્ટરનૅશનલ છોડી દીધું હતું.
"સૂર્યા એક બૅટર તરીકે ગુમ થઈ ગયો છે. જોકે આગામી સમયમાં તમને સૂર્યા ધ બૅટર જરૂરથી જોવા મળશે. હું દમદાર વાપસી કરીશ." - કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાના નબળા પ્રદર્શન વિશે કમેન્ટ કરી
T20 વર્લ્ડ કપ સ્ક્વૉડના પ્લેયર્સ કેટલી T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા છે?
હાર્દિક પંડ્યા-૧૨૪ મૅચ, સૂર્યકુમાર યાદવ-૯૯, અક્ષર પટેલ-૮૫, જસપ્રીત બુમરાહ-૮૩, અર્શદીપ સિંહ-૭૨, વૉશિંગ્ટન સુંદર-૫૮, સંજુ સૅમસન-બાવન, શિવમ દુબે-૫૦, કુલદીપ યાદવ-૫૦, તિલક વર્મા-૪૦, રિન્કુ સિંહ-૩૫, વરુણ ચક્રવર્તી-૩૩, અભિષેક શર્મા-૩૩, ઈશાન કિશન-૩૨, હર્ષિત રાણા-૬.
શુભમન ગિલના ઘરે જઈને કોઈએ તેની નજર ઉતારવી જોઈએ : સુનીલ ગાવસકર
છેલ્લા બે મહિનામાં ગરદન અને પગના અંગૂઠામાં ઇન્જરીનો સામનો કરનાર શુભમન ગિલ વિશે સુનીલ ગાવસકરે મોટું નિવેદન આપ્યું હતું. T20 સ્ક્વૉડમાંથી શુભમન ગિલને ડ્રૉપ કરવા વિશેની ચર્ચા દરમ્યાન ભારતના આ ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે ‘એ આશ્ચર્યજનક નિર્ણય છે. T20 વર્લ્ડ કપ 2024 પછી તેની સીઝન શાનદાર જઈ રહી હતી. તેણે કેટલીક મૅચમાં સંઘર્ષ કર્યો. ક્લાસ પર્મનન્ટ છે, ફૉર્મ ટેમ્પરરી છે.’
એક પછી એક ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન્સી અને પછી T20ની વાઇસ-કૅપ્ટન્સી મેળવનાર શુભમન ગિલ વર્ષના અંતે સંઘર્ષ કરતો જોવા મળ્યો. આ વિશે વાત કરતાં ગાવસકરે કહ્યું હતું કે ‘શનિવારે અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ દરમ્યાન હું શુભમન ગિલને મળ્યો હતો. મેં તેને તેની ઇન્જરી વિશે સલાહ આપી છે કે તેના ઘરે જઈને કોઈએ તેની નજર ઉતારવી જોઈએ. મેં તેને આ વાત ઘરના કોઈ મોટા સભ્યને કરવા કહ્યું છે.’
શુભમન ગિલ અને જિતેશ શર્માને ડ્રૉપ કરવા પાછળનું કારણ શું?
ભારતીય ટીમના ચીફ સિલેક્ટર અજિત આગરકરે કહ્યું હતું કે ‘અમે ફક્ત ૧૫ ખેલાડીઓ પસંદ કરી શકીએ છીએ. એટલે કોઈએ તો બહાર બેસવું પડશે. એવું નથી કે તેઓ સારા પ્લેયર્સ નથી એટલે ડ્રૉપ થયા. જિતેશ શર્માએ કંઈ ખોટું કર્યું નથી અને શુભમન ગિલ પણ એક સારો પ્લેયર છે. તે કદાચ અત્યારે થોડા ઓછા રન બનાવી રહ્યો છે. ટીમ પસંદ કરતી વખતે ખેલાડીઓનું કૉમ્બિનેશન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સ્ક્વૉડ એ જ કૉમ્બિનેશન છે જેના પર ટીમ-મૅનેજમેન્ટ વિચાર કરી રહ્યું છે.’
૩૬ T20 ઇન્ટરનૅશનલ મૅચનો અનુભવ ધરાવતો શુભમન ગિલ આ વર્ષે ૧૫ મૅચમાં એક પણ ફિફ્ટી વગર ૨૯૧ રન જ કરી શક્યો છે. ભારત માટે ૧૬ T20 મૅચ રમનાર વિકેટકીપર-બૅટર જિતેશ શર્મા આ વર્ષે ૭ મૅચમાં ૬૨ જ રન કરી શક્યો છે.


