આ પહેલાં ૨૦૨૩માં જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં તે આ અવૉર્ડ જીતી ચૂક્યો છે.
શુભમન ગિલ
શુભમન ગિલને ફેબ્રુઆરી માટે ICC મેન્સ પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કરવામાં આવ્યો છે. આ ખિતાબ માટે તેની સ્પર્ધા ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ન્યુ ઝીલૅન્ડના ગ્લેન ફિલિપ્સ સાથે હતી. શુભમન ગિલને આ અવૉર્ડ ત્રીજી વાર મળ્યો છે. આ પહેલાં ૨૦૨૩માં જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં તે આ અવૉર્ડ જીતી ચૂક્યો છે.
ફેબ્રુઆરી મહિનામાં શુભમન ગિલે પાંચ વન-ડે મૅચમાં ૧૦૧.૫૦ની ઍવરેજ અને ૯૪.૧૯ના સ્ટ્રાઇક-રેટ સાથે ૪૦૬ રન બનાવ્યા હતા. ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે રમાયેલી વન-ડે સિરીઝમાં જબરદસ્ત ફૉર્મમાં હતો. નાગપુરમાં ૮૭ અને કટકમાં ૬૦ રન કર્યા પછી અમદાવાદમાં તેણે ૧૦૨ બૉલમાં ૧૧૨ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. તેને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતની પહેલી મૅચમાં શુભમન ગિલે બંગલાદેશ સામે અણનમ ૧૦૧ રન કરીને વિજયમાં મુખ્ય યોગદાન આપ્યું હતું અને ત્યાર બાદ પાકિસ્તાન સામે ૪૬ રન બનાવ્યા હતા.

