વર્લ્ડ સ્લીપ ડે નિમિત્તે જાણીએ કે બાળકોમાં વધી રહેલી ઊંઘની આ સમસ્યા પાછળનાં મુખ્ય કારણો કયાં ને એનું નિરાકરણ શું ?
પ્રતીકાત્મક તસવીર
અપૂરતી ઊંઘ, ઊંઘ આવવામાં તકલીફ, જેને લીધે ઊઠવામાં તકલીફ પડવા જેવી ઊંઘની સમસ્યા જે એક સમયે વયસ્કોમાં જોવા મળતી હતી એ આજકાલ બાળકોમાં પણ જોવા મળી રહી છે. આંકડાઓ કહે છે કે અત્યારે દર ચારમાંથી એક બાળકને કોઈ ને કોઈ પ્રકારની ઊંઘની તકલીફો છે. ત્રણથી પાંચ વર્ષનાં બાળકોમાંથી ૧૩ ટકા બાળકો ઘસઘસાટ સૂઈ શકતાં નથી, રાત્રે ઊઠી જ જતાં હોય છે. ૧૫ માર્ચે આવી રહેલા વર્લ્ડ સ્લીપ ડે નિમિત્તે જાણીએ કે બાળકોમાં વધી રહેલી ઊંઘની આ સમસ્યા પાછળનાં મુખ્ય કારણો કયાં ને એનું નિરાકરણ શું ?
૪ વર્ષની ત્રિશાની ઇમ્યુનિટીની ચિંતા કરતાં તેની મમ્મી ડૉક્ટર પાસે પહોંચી. દર મહિને તે કોઈ ને કોઈ ઇન્ફેક્શનનો ભોગ બની રહી હતી. જરાક જેટલું પણ બહારનું ખાવાનું તેને સદતું નહીં, તે તરત જ માંદી પડી જતી. ત્રિશા સાંજ પડે નીચે રમવા જતી પણ આજકાલ ત્યાં જવાનું પણ બંધ કર્યું હતું કારણ કે તે ખૂબ થાકી રહી હતી. તેની ડાયટ તો ખૂબ સારી જ હતી. તે તેની ઉંમરના બીજા છોકરાઓની સરખામણીમાં હેલ્ધી જ ખાતી. બહારનું કે જન્ક ફૂડ ખાતી નહીં. તો તકલીફ ક્યાં હતી એ જાણવા ડૉક્ટરે તેનું રૂટીન પૂછ્યું ત્યારે ખબર પડી કે તેના પપ્પાનો રાત્રે દુકાન બંધ કરીને ઘરે પહોંચવાનો આદર્શ સમય ૧૦.૩૦ વાગ્યાનો છે. એ ઘણી વાર ખેંચાઈને ૧૧.૩૦ સુધી પણ જતો રહે છે. આવીને પોતે ફ્રેશ થાય, જમે અને ત્રિશા સાથે વાત કરવાનું શરૂ કરે ત્યાં ૧૨ વાગી જ જાય, જેને કારણે ત્રિશાનો દરરોજનો સૂવાનો સમય ૧૨.૩૦-૧ જેટલો લંબાઈ જાય. સવારે પ્લે-સ્કૂલ જવા માટે ૮.૩૦ વાગ્યે તો ઊઠવું જરૂરી જ છે પરંતુ સવારે તે ઊઠવામાં ખૂબ આળસ કરે. પ્લે-સ્કૂલથી આવે એટલે તેની મમ્મી તેને જમાડીને સુવડાવી દે. બપોરે લગભગ ત્રણેક કલાકની ઊંઘ તે ખેંચી કાઢે જેથી રાત્રે પપ્પા આવે ત્યાં સુધી તે જાગી શકે. ડૉક્ટરે કહ્યું કે ત્રિશાની ઉંમર મુજબ તેણે રાત્રે ૯ વાગ્યા સુધીમાં પથારીમાં જતા રહેવું જોઈએ. પણ તો એ પછી તેના પપ્પાને ક્યારે મળે? તે સવારે ઊઠે અને સ્કૂલ જતી રહે છે. તે સ્કૂલથી આવે ત્યારે પપ્પા ન હોય. તો બાપ-દીકરી રાત્રે જ એકબીજાને મળી શકે, એનું શું કરવું?
ADVERTISEMENT
લાઇફસ્ટાઇલ પ્રૉબ્લેમ્સ
આ પ્રશ્ન ફક્ત ત્રિશાના ઘરનો નથી, આજની તારીખે દરેક ઘરનો છે. બાળકોએ વહેલાં સૂઈ જવું જોઈએ એની દરેક માતા-પિતાને ખબર છે પણ ફિઝિકલ-મેન્ટલ હેલ્થની સાથે-સાથે ફૅમિલી બૉન્ડિંગ પણ એટલું જ જરૂરી છે. આ પરિસ્થિતિમાં મોટા ભાગનાં ઘરોમાં બાળકો પપ્પાની રાહ જોતાં જાગતાં હોય છે. આ વાત સાથે સહમત થતાં બાળરોગ નિષ્ણાત ડૉ. ઝીનલ ઉનડકટ-શાહ કહે છે, ‘ઘણાં ઘરોમાં બાળકો જીદ કરે છે અને માતા-પિતા સામે લડે છે કે અમારે વહેલા કેમ સૂઈ જવાનું જ્યારે તમે લોકો જાગી રહ્યા છો? આવા એક ફૅમિલી રૂટીનને કારણે ૨ વર્ષથી લઈને ૧૭ વર્ષના છોકરાઓનું રૂટીન એકદમ ગડબડાયેલું રહે છે. જ્યારે હું દરદીઓને કહું છું તો કહે છે કે મુંબઈના રૂટીનમાં બાળકો જલદી કઈ રીતે સૂઈ શકે? મારા અમુક જૅપનીઝ પેશન્ટ છે જે મુંબઈમાં જ રહે છે, પણ તેમનાં બાળકો રાત્રે ૮ વાગ્યે સૂઈ જતાં હોય છે. એનો અર્થ એ છે કે તકલીફ મુંબઈની નથી, આપણી લાઇફસ્ટાઇલની છે.’
થાય છે શું?
ઊંઘ સંબંધિત તકલીફો એક સમયે ઘરડા લોકોમાં જ જોવા મળતી. ઉંમર વધે એટલે ઊંઘ ન આવે. પછી એક સમય એવો આવ્યો કે પ્રોફેશનલ્સ અને કામકાજી લોકોમાં કામના સ્ટ્રેસને કારણે ઊંઘના રોગો ઘર કરતા ચાલ્યા. પરંતુ બાળકો તો એવાં હોવાં જોઈએ જે પથારીમાં પડે એ ભેગાં સૂઈ જાય. એના બદલે બાળકોમાં સ્લીપ પ્રૉબ્લેમ્સ આવી રહ્યા છે. એ બાબતે ચિંતા કરતાં બાળરોગોના નિષ્ણાત ડૉ. પંકજ પારેખ કહે છે, ‘વહેલી ઊંઘ જ ન આવવી, અપૂરતી ઊંઘને કારણે સ્કૂલમાં જઈને સૂઈ જવું, રાત્રે વારંવાર ઊઠવું, એકધારી સારી ઊંઘ ન થવી, સવારે ઊઠી જ ન શકવું જેવાં લક્ષણો જો તમારા બાળકનાં હોય તો સમજવું કે તેની ઊંઘ અપૂરતી છે. સામાન્ય રીતે બાળકોને રાતની ૮-૧૨ કલાકની એકધારી ઊંઘ જરૂરી છે. એ ન મળે એટલે સતત થાક લાગવો, પાચન ખરાબ હોવું, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવી, ગુસ્સામાં રહેવું, ચીડચીડા થઈ જવું, પોતાની ક્ષમતા મુજબનું પર્ફોર્મ ન કરી શકવું જેવી ઘણી સમસ્યાઓ ધીમે-ધીમે સામે આવે છે.’
રિસ્ક સમજીએ
નૉર્થ કૅરોલિના યુનિવર્સિટીના સંશોધકોએ તાજેતરમાં કરેલા રિસર્ચ અનુસાર એ સાબિત કર્યું કે ઊંઘનું કામ વયસ્ક અને બાળક બન્નેમાં જુદું-જુદું છે એટલે જ જ્યારે ઊંઘ ઓછી પડે તો વયસ્કની સરખામણીમાં બાળકને એનું નુકસાન વધુ થાય છે. ઊંઘ આમ તો તમે ગમે તે ઉંમરના હો, તમારા માટે અત્યંત જરૂરી છે. પરંતુ જ્યારે સરખામણીની વાત આવે ત્યારે ઊંઘ બાળકો માટે અત્યંત જરૂરી છે. એનું મુખ્ય કારણ એ છે કે વયસ્ક વ્યક્તિ સૂવે છે ત્યારે તેના શરીરમાં મેઇન્ટેનન્સ અને રિપેરનું કામ ચાલે છે. પરંતુ બાળક સૂવે છે ત્યારે તેના શરીરમાં ડેવલપમેન્ટનું કામ ચાલે છે. જો તેની ઊંઘ પૂરતી ન થઈ તો ડેવલપમેન્ટ અધૂરું રહી ગયું જે ફરીથી પૂરું કરી શકાતું નથી. એટલે એ નુકસાન ઘણું મોટું છે. મેઇન્ટેનન્સ અને રિપેરનું કામ શરીરમાં સતત ચાલ્યા જ કરે છે એટલે એ ઓછું થાય અથવા થવું જોઈએ એટલું ન થાય તો એટલું નુકસાન ન ગણાય જેટલું કોઈ વસ્તુ ડેવલપ જ ન થાય તો કહી શકાય. આ રિસર્ચમાં એ શક્યતા પણ આંકવામાં આવી હતી કે અપૂરતી ઊંઘને કારણે બાળકોમાં ન્યુરો-ડેવલપમેન્ટલ ડિસઑર્ડર જેમ કે ઑટિઝમનું રિસ્ક પણ ઘણું વધે છે.
ટીનેજ પ્રૉબ્લેમ્સ
પરીકથાઓમાં એવી વાર્તાઓ હોય છે જેમાં રાત્રે રાજાની કુંવરી સૂતી અને સવારે ઊઠી તો મોટી બની ગઈ. અહીં કહેવાનો અર્થ કદાચ એવો જ છે કે ગ્રોઇંગ એજમાં બાળકો જો સારી ઊંઘ લે તો એ ઊંઘ તેમના વિકાસમાં મદદરૂપ થાય છે. પરંતુ આજકાલ રાજાની કુંવરી અને કુંવરો પાસે ગૅજેટ્સ છે જેને કારણે એ રાત્રે જાગ્યા કરતાં હોય છે. એ વાત તરફ ધ્યાન દોરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘ટીનેજમાં ભલે એક પ્રકારનો ગ્રોથ થઈ ગયો હોય પણ સંપૂર્ણ ગ્રોથ હજી બાકી છે. ઊંઘ બરાબર ન થવાને કારણે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ જેવી સમસ્યા જોવા મળે છે. આ ઉપરાંત આ ઉંમરમાં મેમરીની સૌથી વધુ જરૂર પડે છે જે ઊંઘ બરાબર ન હોય તો સાથ આપતી નથી. બાળકોએ બધી તૈયારી કરી હોય પણ પેપર આપવા જાય ત્યારે જ ભૂલી જાય એવું બને કે મહેનત છતાં સારું પર્ફોર્મ કરી ન શકે તો એનું કારણ તેમની અપૂરતી ઊંઘ તો નથી એ ચકાસી લેવું. ઘણાં બાળકો પેપર માટે કે વાંચવા માટે રાત્રે જાગતાં હોય છે. આ આદત યોગ્ય નથી. રાત્રે ૧૦ વાગે સૂઈને સવારે ૪ વાગ્યે ઊઠીને વાંચવાની આદત વધુ સારી છે, એ અપનાવવી જોઈએ. તો મગજ સારી રીતે કામ કરશે.’
કેમ ખબર પડે કે બાળકને ઊંઘ પૂરી નથી પડતી?
જો તમારું બાળક સવારે ઊઠે ત્યારે તેને ભૂખ ન લાગતી હોય અને તે બ્રેકફાસ્ટ વગર જ સ્કૂલ જવાનું પસંદ કરતું હોય.
જો તે સ્કૂલે જઈને સૂઈ જતું હોય.
જો નૉર્મલ કામમાં પણ તે થાકી જતું હોય .
જો તેની આવડત જેટલું એ પર્ફોર્મ ન કરી શકતું હોય.
મહેનત કરવા છતાં પરિણામ લાવી ન શકતું હોય.
આખો દિવસ ફ્રેશ અને એનર્જીથી ભરપૂર ન લાગતું હોય.
ધ્યાન રાખો
રાત્રે બાળકોને શુગર કે કૅફીનયુક્ત ડ્રિન્ક્સ ન જ આપવાં.
ડિનર ટાઇમ જેટલો બને એટલો વહેલો જ રાખવો જોઈએ.
નવજાત બાળકનું સ્લીપ રૂટીન સેટ કરવું સરળ નથી. એમાં મહેનત લાગશે પણ એ અત્યંત જરૂરી છે કે બાળકો ૮-૯ વાગ્યે સૂઈ જ જાય. એકધારી રાતની ઊંઘ કરે.
સાંજે ૭ વાગ્યા પછીથી તેમની પાસે સ્ક્રીન ન રાખો. ટીવી કે લૅપટૉપ કે ફોનમાં તે ઘૂસેલા ન રહે એ જોવું પણ જરૂરી છે.
બાળકોને બપોરે સૂવાની આદત ન જ પાડો. બપોરે ૧૦-૧૫ મિનિટનું નૅપ ખૂબ જ હેલ્ધી છે પણ એનાથી વધુ સૂવાથી રાત્રે બાળક જલદી સૂઈ શકતું નથી એટલે જરૂરી છે કે તે બપોરે વધુ ન સૂવે.
વેકેશનમાં બાળકોને આરામથી રાત્રે જાગવા દો, ભલે સવારે મોડા ઊઠે એવું ન વિચારો. સ્કૂલ ચાલુ હોય કે વેકેશન, સૂવા-ઊઠવાના સમય નિયત હોવા જોઈએ. તો જ તેમનો ગ્રોથ સારો થશે.
- ડૉ. ઝીનલ ઉનડકટ

