બંગલાદેશના ૪૯૫ સામે ત્રીજા દિવસે ત્રણ સેશનમાં જ ચાર વિકેટે ૩૬૮ રન ખડકી દીધા યજમાન ટીમે
ટેસ્ટ-કરીઅરની બેસ્ટ ઇનિંગ્સ રમી પાથુમ નિસાન્કાએ.
શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે બંગલાદેશી ટીમ પાસે માત્ર ૧૨૭ રનની લીડ છે, કારણ કે મહેમાન ટીમે પહેલી ઇનિંગ્સમાં ફટકારેલા ૪૯૫ રનના વિશાળ સ્કોરના ઑલમોસ્ટ ૭૫ ટકા રન યજમાન ટીમે ત્રણ સેશનમાં ફટકારી દીધા હતા. શ્રીલંકન ટીમે ત્રીજા દિવસના અંતે ચાર વિકેટ ગુમાવીને ૯૩ ઓવરમાં ૩૬૮ રન બનાવ્યા છે.
ADVERTISEMENT
બંગલાદેશી ટીમે બૅટિંગ માટે ઊતરેલા ઍન્જેલો મૅથ્યુઝને આપ્યું ગાર્ડ ઑફ ઓનર.
ત્રીજા દિવસની શરૂઆતમાં બંગલાદેશના પૂંછડિયા બૅટર્સની અંતિમ જોડીએ ૩.૪ ઓવરમાં અગિયાર રન કરીને સ્કોર ૧૫૩.૪ ઓવરમાં ૪૯૫ રન સુધી પહોંચાડ્યો હતો. લોકલ બૉય અને શ્રીલંકન ઓપનર પાથુમ નિસાન્કાએ ૨૫૬ બૉલમાં ૨૩ ફોર અને એક સિક્સની મદદથી ૧૮૭ રનની શાનદાર ઇનિંગ્સ રમીને શ્રીલંકાને જબરદસ્ત કમબૅક કરાવી આપ્યું હતું. ગૉલ ક્રિકેટ સ્ટેડિયમમાં તેણે ફટકારેલી આ ઇનિંગ્સ તેની ટેસ્ટ-કરીઅરની સૌથી મોટી અને ઘરઆંગણાની પહેલી ટેસ્ટ-સેન્ચુરી પણ બની હતી. તેણે દિનેશ ચંદીમલ (૧૧૯ બૉલમાં ૫૪ રન) સાથે મળીને બીજી વિકેટ માટે ૧૫૭ રનની ભાગીદારી કરી હતી. ફેરવેલ ટેસ્ટ-મૅચ રમી રહેલાે ઍન્જેલો મૅથ્યુઝ ૬૯ બૉલમાં ત્રણ ફોર અને એક સિક્સ ફટકારીને ૩૯ રને કૅચઆઉટ થયો હતો, પણ તેણે નિસાન્કા સાથે ત્રીજી વિકેટ માટે ૮૯ રનની પાર્ટનરશિપ કરી હતી. બંગલાદેશના ચાર બોલર્સ એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. કૅપ્ટન ધનંજયા ડી સિલ્વા (૨૬ બૉલમાં ૧૭ રન) અને કામિન્દુ મેન્ડિસ (૫૬ બૉલમાં ૩૭ રન) ચોથા દિવસે શ્રીલંકાની ઇનિંગ્સને આગળ વધારશે.

