મહારાષ્ટ્રની ૭૦ વર્ષની મહિલા પર પાશવી બળાત્કાર થયો હતો હોટેલની રૂમમાં : કોર્ટે આરોપીને જામીન આપવાની ના પાડીને કહ્યું કે સંતો અને ઋષિઓની ભૂમિમાં બનેલી આ ઘટનાથી મહિલાને તેનું વેકેશન મનાવવા આ સ્થળને પસંદ કરવાનો પસ્તાવો થશે
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ૧૧ એપ્રિલે મહારાષ્ટ્રથી પરિવાર સાથે વેકેશન મનાવવા આવેલી ૭૦ વર્ષની મહિલા પ્રવાસી પર બળાત્કાર કરનારા આરોપી ઝુબૈર અહમદને જમ્મુ અને કાશ્મીરની કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સ્થાનિક યુવાન ઝુબૈર અહમદે મહિલાનું મોં બ્લૅન્કેટથી દબાવીને તેના પર પાશવી બળાત્કાર કર્યો હતો અને પછી નાસી ગયો હતો. આ મહિલા આ ઘટનાથી આઘાત પામી હતી અને તેને ઘણી ઈજાઓ થઈ હતી.
આરોપીની જામીનઅરજી અંગે સુનાવણી કરતાં અનંતનાગના મુખ્ય સેશન્સ જજ તાહિર ખુરશીદ રૈનાએ કહ્યું હતું કે ‘આ એક બીમાર માનસિકતા છે જે સામાન્ય રીતે સમાજની નૈતિક અધોગતિને પ્રતિબિંબિત કરે છે. આ મહિલા મહારાષ્ટ્રની એક પ્રવાસી છે જે દુઃખદ યાદો સાથે પાછી ફરી હતી. માત્ર ઘાસનાં મેદાનો, કુદરતી સૌંદર્ય અને નદીઓ કાશ્મીરને એક ઇચ્છિત પર્યટન-સ્થળ તરીકે બચાવવા માટે નહીં આવે. આરોપીએ બળાત્કાર કરતાં પહેલાં તેનું ગળું દબાવી દીધું હતું અને બળાત્કાર બાદ બારીમાંથી ભાગી ગયો હતો.’
ADVERTISEMENT
આરોપીએ કોર્ટ સમક્ષ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. જોકે જજે આ જઘન્ય ગુના સંબંધિત કેસમાં આરોપીને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. મુખ્ય સેશન્સ જજ તાહિર ખુરશીદ રૈનાએ કહ્યું હતું કે ‘આરોપી દ્વારા આપવામાં આવેલી દલીલો આ કોર્ટના ન્યાયિક અંતરાત્માને પ્રભાવિત કરવા માટે પૂરતી નથી લાગતી. આવા ભયાનક હુમલાના આરોપીને મુક્ત કરવાથી ખરાબ મિસાલ સ્થાપિત થશે.’
કોર્ટે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે પ્રારંભિક તબીબી અને ફૉરેન્સિક રિપોર્ટ્સ મહિલાના નિવેદનને સમર્થન આપે છે. ન્યાયાધીશે સ્વીકાર્યું કે તેઓ આરોપી અહમદના ભાગી જવા અથવા પુરાવા સાથે ચેડાં કરવાનું જોખમ લઈ શકતા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘આ ઘટનાને એક અલગ ઘટના તરીકે જોઈ શકાય નહીં. એક વરિષ્ઠ મહિલા સંતો અને ઋષિઓની આ ભૂમિમાં આવી હતી. તેની સાથે એટલું ખરાબ અને આઘાતજનક વર્તન કરવામાં આવ્યું કે ભવિષ્યમાં તેને તેનાં બાળકો સાથે વેકેશન વિતાવવા માટે સ્થળ પસંદ કરવાનો પસ્તાવો થશે.’

