ભારતીય ટીમમાંથી સ્થાન ગુમાવ્યા પછી મુંબઈની રણજી ટીમમાં પણ સ્થાન ન મળ્યું
સૂર્યકુમાર યાદવ
ભારતના T20 વર્લ્ડ કપ 2026 વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવે આગામી રણજી ટ્રોફી સીઝન માટે પોતાની ઉપલબ્ધતાની જાહેરાત કરી હતી. જોકે ૧૧ ઑક્ટોબરથી વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી ચંડીગઢ સામેની પહેલી મૅચ માટે મુંબઈ ટીમમાંથી સૂર્યાને બહાર કરવામાં આવ્યો છે.
સોમવારે મોડી સાંજે મુંબઈની ૧૬ સભ્યોની રણજી ટ્રોફી ટીમ જાહેર કરવામાં આવી હતી, જેમાં સૂર્યાનું નામ આવ્યું નહોતું. આ જાહેરાત પછી સૂર્યાએ મંગળવારે પી.જે. હિન્દુ જિમખાના ખાતેનું પોતાનું રેડ-બૉલ પ્રૅક્ટિસ-સેશન પણ રદ કર્યું હતું.
ADVERTISEMENT
મુંબઈની ટીમમાં સિદ્ધેશ લાડ કૅપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. યશસ્વી જાયસવાલની હાજરી છતાં યંગ આયુષ મ્હાત્રેને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. એ સિવાય આ ટીમમાં મુશીર ખાન, સરફરાઝ ખાન, શમ્સ મુલાની, તનુષ કોટિયન, તુષાર દેશપાંડે જેવા સ્ટાર ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. મુંબઈના ચીફ સિલેક્ટર રાજેશ પવાર કહે છે, ‘સૂર્યાએ પોતાની ઉપલબ્ધતા જણાવી હતી, પરંતુ તે દોઢ વર્ષથી રેડ-બૉલ ક્રિકેટ રમ્યો નથી. તે થોડી મૅચ રમ્યા પછી ટીમમાં પાછો ફરશે.’
૮૬ ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં ૫૭૫૮ રન બનાવનાર સૂર્યાએ છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૫માં રણજી ટ્રોફી સેમી-ફાઇનલમાં વિર્દભ સામે પોતાની છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મૅચ રમી હતી.
