હરભજન સિંહ, શુભમન ગિલ અને અભિષેક શર્મા સાથે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો છે
નિખિલ ચૌધરી
દિલ્હીમાં જન્મેલા ઑલરાઉન્ડર નિખિલ ચૌધરીને બંગલાદેશ સામેની આગામી ત્રણ T20 મૅચની ઑસ્ટ્રેલિયન સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે. વ્યક્તિગત કારણોસર વાઇટ-બૉલ સિરીઝમાં ઉપલબ્ધ ન રહેનાર ટ્રૅવિસ હેડના રિપ્લેસમેન્ટ તરીકે તેને સામેલ કરવામાં આવ્યો છે. ૩૦ વર્ષનો આ લેગ-સ્પિનિંગ ઑલરાઉન્ડર આ ટૂરના સ્ટૅન્ડબાય ગ્રુપનો ભાગ હતો.
નિખિલ ચૌધરી વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૯ વચ્ચે હરભજન સિંહ, શુભમન ગિલ અને અભિષેક શર્મા સાથે પંજાબ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો હતો. વર્ષ ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયાની ટૂર દરમ્યાન કોવિડ-19 મહામારીને કારણે સરહદ બંધ થવાને કારણે તે ત્યાં ફસાયેલો રહ્યો હતો. ત્યાર બાદ તે ત્યાં સ્થાયી થઈને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા લાગ્યો. તે ઑસ્ટ્રેલિયન નાગરિક નથી, પરંતુ ICC નિયમો હેઠળ પાંચ વર્ષની એ દેશમાં રહેવાની શરત પૂર્ણ કર્યા પછી તે ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે પાત્ર છે.
ADVERTISEMENT
નિખિલ ચૌધરી ૬૦ વર્ષથી વધુ સમયમાં ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ભારતીય મૂળનો પુરુષ ક્રિકેટર બનશે. ઑસ્ટ્રેલિયા માટે ગુરિન્દર સંધુ અને તનવીર સંઘા સહિત અનેક ભારતીય મૂળના ખેલાડીઓ રમ્યા છે. છેલ્લે વર્ષ ૧૯૬૪માં ગુજરાતમાં જન્મેલો લેગ-સ્પિનર રેક્સ સેલર્સ કાંગારૂ ટીમ માટે કલકત્તા ટેસ્ટ-મૅચ રમ્યો હતો. પુણેમાં જન્મેલી લિસા સ્થલેકર ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ માટે વર્ષ ૨૦૦૩થી ૨૦૧૩ દરમ્યાન રમી હતી.
