કૅનબેરામાં T20 ફૉર્મેટમાં આૅસ્ટ્રેલિયાનો રેકૉર્ડ ફિફ્ટી-ફિફ્ટી, ટીમ ઇન્ડિયાનો ૧૦૦ ટકા
પ્રૅક્ટિસ દરમ્યાન ભારતનો હેડ કોચ ગૌતમ ગંભીર અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજથી કૅનબેરાના માનુકા ઓવલ સ્ટેડિયમથી પાંચ મૅચની T20 સિરીઝ શરૂ થશે. ભારત ડિસેમ્બર ૨૦૨૦ બાદ ઑસ્ટ્રેલિયામાં પહેલી વખત દ્વિપક્ષીય T20 સિરીઝ રમવા ઊતરશે. કૅનબેરાના આ સ્ટેડિયમમાં ૨૦૧૯થી ૨૦૨૨ વચ્ચે માત્ર પાંચ મેન્સ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ છે. ઑસ્ટ્રેલિયાને અહીં પાંચ મૅચમાંથી બેમાં જીત અને એકમાં હાર મળી છે જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ભારત અહીં કાંગારૂઓ સામે રમાયેલી એકમાત્ર T20 મૅચ ૨૦૨૦માં ૧૬૧ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને ૧૧ રને જીત્યું હતું.
કૅનબેરાનું માનુકા સ્ટેડિયમ ૨૦૨૨ના વર્લ્ડ કપ બાદ પહેલી વખત T20 મૅચની યજમાની કરશે. આ મેદાનની પિચ પર બૅટ અને બૉલનો સંતુલિત સંઘર્ષ જોવા મળે છે. અહીં સરેરાશ રન-રેટ
૭.૮૭ છે.
ADVERTISEMENT
ઓપનિંગ મૅચમાં વરસાદ નડશે?
વન-ડે સિરીઝની જેમ T20 સિરીઝની ઓપનિંગ મૅચમાં પણ વરસાદ નડી શકે છે. વેધર રિપોર્ટ અનુસાર આજે કૅનબેરામાં વાદળછાયું વાતાવરણ રહેશે. સવારથી વરસાદ રહેશે પણ સ્થાનિક સમય અનુસાર સાંજે ૭ વાગ્યે મૅચ શરૂ થશે ત્યારે ભારે વરસાદની શક્યતા નહીંવત્ છે.
આૅસ્ટ્રેલિયામાં પહેલી વખત પાંચ T20 મૅચની સિરીઝ રમશે ભારત બન્ને ટીમ વચ્ચે ડિસેમ્બર ૨૦૨૩માં પહેલી વખત પાંચ T20 મૅચની સિરીઝ રમાઈ ત્યારે યજમાન ભારત હતું. ભારત આજથી પહેલી જ વખત ઑસ્ટ્રેલિયામાં પાંચ T20 મૅચની દ્વિપક્ષીય સિરીઝ રમવા ઊતરશે. ભારત ઑસ્ટ્રેલિયામાં એકમાત્ર T20 મૅચ, બે અને ત્રણ મૅચની સિરીઝ રમી ચૂક્યું છે. ઑસ્ટ્રેલિયામાં
ભારત T20 સિરીઝમાં ઑસ્ટ્રેલિયા સામે અપરાજિત છે. ભારત ૮ વખત પાંચ T20 મૅચની સિરીઝ રમ્યું છે જેમાંથી ૬માં જીત અને એકમાં હાર મળી છે, જ્યારે એક સિરીઝ ડ્રૉ રહી હતી.
ભારતના ૯ પ્લેયર્સને આૅસ્ટ્રેલિયામાં T20 રમવાનો અનુભવ નથી
કાંગારૂઓ સામેની પાંચ મૅચની T20 સિરીઝ માટે ભારત પાસે ૧૬ સભ્યોની સ્ક્વૉડ છે. આ સ્ક્વૉડના અડધાથી વધુ પ્લેયર્સને ઑસ્ટ્રેલિયાની ધરતી પર T20 મૅચ રમવાનો અનુભવ નથી. શુભમન ગિલ, તિલક વર્મા, રિન્કુ સિંહ, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, જિતેશ શર્મા, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા સહિતના ૯ પ્લેયર્સ પહેલી વખત આ દેશમાં T20 મૅચ રમતા જોવા મળશે. ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહને ૬-૬ T20, અક્ષર પટેલને પાંચ T20 અને કુલદીપ યાદવ, સંજુ સૅમસન તથા વૉશિંગ્ટન સુંદરને અહીં ૩-૩ T20 મૅચ રમવાનો અનુભવ છે.
ઍક્ટિવ પ્લેયર્સમાં મૅક્સવેલ ટૉપ-સ્કોરર, બુમરાહ નંબર વન બોલર
બન્ને દેશ વચ્ચે રમાયેલી ૩૨ T20 મૅચમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે ૨૦-૧૧થી શાનદાર રેકૉર્ડ ધરાવે છે. બન્ને ટીમના આ દ્વિપક્ષીય જંગમાં ભારતીય પ્લેયર્સે બૅટ અને બૉલથી ધમાલ મચાવી છે. બન્ને દેશના T20 જંગમાં વિરાટ કોહલી (૨૩ મૅચમાં ૭૯૪ રન) ટૉપ રન-સ્કોરર છે જ્યારે જસપ્રીત બુમરાહ (૧૪ મૅચમાં ૧૭ વિકેટ) ટૉપ વિકેટ-ટેકર છે.
ઍક્ટિવ પ્લેયર્સના લિસ્ટમાં ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ ૨૨ મૅચમાં ૫૭૪ રન સાથે ટૉપ પર છે. ભારતના ઍક્ટિવ પ્લેયર્સમાં સૂર્યકુમાર યાદવે ૯ મૅચમાં ૨૯૦ રન કર્યા છે. બોલરોના લિસ્ટમાં બુમરાહ બાદ નંબર ટૂ પર અક્ષર પટેલ છે અને તેણે ૯ મૅચમાં ૧૫ વિકેટ લીધી છે. ઑસ્ટ્રેલિયાના ઍક્ટિવ પ્લેયર્સમાંથી સ્પિનર એડમ ઝૅમ્પાએ ૧૬ મૅચમાં ૧૨ વિકેટ લીધી છે.
આૅસ્ટ્રેલિયા-ભારત
T20 સિરીઝનું શેડ્યુલ
૨૯ ઑક્ટોબર કૅનબેરા
૩૧ ઑક્ટોબર ગ્રાઉન્ડ
૨ નવેમ્બર હોબાર્ટ
૬ નવેમ્બર ગોલ્ડ કોસ્ટ
૮ નવેમ્બર બ્રિસ્બેન


