વિજય હઝારે ટ્રોફીમાં પડિક્કલ સેન્ચુરીની હૅટ-ટ્રિક ચૂકી ગયો
શ્રેયસ ઐયરે ૮૨ રન કર્યા હતા
વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-’૨૬ની ગઈ કાલની મૅચમાં સ્ટાર પ્લેયર્સનાં મિશ્રિત પ્રદર્શન જોવા મળ્યાં હતાં. ગઈ કાલે રમાયેલી ૧૭ મૅચમાં ૧૫ સદી અને ૪૩ ફિફટી જોવા મળી હતી. રાજકોટમાં રમાયેલી હૈદરાબાદ-બંગાળની મૅચ સૌથી વધુ ચર્ચામાં રહી હતી જેમાં ૨૧ વર્ષના હૈદરાબાદી ઓપનર અમન રાવ ઇનિંગ્સના અંતિમ બૉલમાં સિક્સર ફટકારીને ૧૫૪ બૉલમાં ૨૦૦ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમ્યો હતો.
અમન રાવની ૧૨ ફોર અને ૧૩ સિક્સની ઇનિંગ્સથી હૈદરાબાદે પાંચ વિકેટે ૩૫૨ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં બંગાળ ૪૪.૪ ઓવરમાં ૨૪૫ રને ઑલઆઉટ થઈને ૧૦૭ રને હાર્યું હતું. મોહમ્મદ સિરાજે મૅચમાં ૫૮ રન આપીને ૪ વિકેટ અને મોહમ્મદ શમીએ ૭૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
પડિક્કલ સદી ચૂક્યો, પણ છવાઈ ગયો
કર્ણાટકના ૭ વિકેટે ૩૨૪ના સ્કોર સામે રાજસ્થાન ૩૮ ઓવરમાં ૧૭૪ રને ઢેર થઈને ૧૫૦ રને હાર્યું હતું. કર્ણાટકનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના ૮ ઓવરમાં ૩૬ રન આપીને પાંચ વિકેટ લેવાને કારણે ચમક્યો હતો. બૅટિંગ સમયે કરુણ નાયર ૧૪ રન અને કે. એલ. રાહુલ ૨૫ રન કરીને ફ્લૉપ રહ્યા હતા. કૅપ્ટન મયંક અગરવાલે ૧૦૭ બૉલમાં ૯ ફોર અને ૩ સિક્સના આધારે ૧૦૦ રન કર્યા હતા.
૨૫ વર્ષનો દેવદત્ત પડિક્કલ ૮૨ બૉલમાં ૧૨ ફોર અને બે સિક્સની મદદથી ૯૧ રન કરી શક્યો હતો. તે વર્તમાન ટુર્નામેન્ટમાં પાંચમી અને સતત ત્રીજી સદી ફટકારતાં ચૂકી ગયો હતો. તે વર્તમાન સીઝનમાં ૬૦૫ રન કરીને વિજય હઝારે ટ્રોફીની ત્રણ સીઝનમાં ૬૦૦ પ્લસ રન કરનાર પહેલો બૅટર બન્યો છે. તેણે ૨૦૧૯-’૨૦ની સીઝનમાં ૬૦૯ રન અને ૨૦૨૦-’૨૧ની સીઝનમાં ૭૩૭ રન કર્યા હતા.
ધુમ્મસ વચ્ચે મુંબઈની ૭ રને જીત
જયપુરમાં ધુમ્મસને કારણે મુંબઈ-હિમાચલ પ્રદેશની મૅચ ૩૩-૩૩ ઓવરની રમાઈ હતી. ઇન્જરીમાંથી વાપસી કરનાર શ્રેયસ ઐયરે કૅપ્ટન તરીકે ૫૩ બૉલમાં ૧૦ ફોર અને ૩ સિક્સ ફટકારીને ૮૨ રન કર્યા હતા. ઓપનર મુશીર ખાનના ૫૧ બૉલમાં ૭૩ રનને કારણે પણ મુંબઈને ૯ વિકેટે ૨૯૯ રનનો સ્કોર ઊભો કરવામાં મદદ મળી હતી. યશસ્વી જાયસવાલ ૧૮ બૉલમાં ૧૫ રન અને સૂર્યકુમાર યાદવ ૧૮ બૉલમાં ૨૪ રન કરી શક્યા હતા. શિવમ દુબેએ ૬૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી જેને કારણે હિમાચલ પ્રદેશ ૩૨.૪ ઓવરમાં ૨૯૨ રને ઢેર થઈને ૭ રને હાર્યું હતું.
ગિલ સસ્તામાં આઉટ થયો
ચંડીગઢમાં આયોજિત ધુમ્મસથી પ્રભાવિત ૪૦-૪૦ ઓવરની મૅચમાં ગોવાને હરાવીને પંજાબે ૬ વિકેટે જીત મેળવી હતી. ગોવા ૩૩.૩ ઓવરમાં ૨૧૧ રન જ કરી શક્યું જ્યારે પંજાબે ૩૫ ઓવરમાં ૨૧૨ રન કરીને સરળતાથી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ભારતનો વન-ડે અને ટેસ્ટ ટીમ કૅપ્ટન ઇન્જરીમાંથી વાપસી દરમ્યાન આ મૅચમાં ૧૨ બૉલમાં બે ફોરની મદદથી ૧૧ રને કૅચઆઉટ થયો હતો. અર્જુન તેન્ડુલકર ગોવા માટે ઓપનિંગ કરીને ૮ બૉલમાં એક જ રન કરી શક્યો હતો અને બોલિંગમાં વિકેટલેસ રહ્યો હતો.
દિલ્હીના બોલર્સ ચમક્યા
બૅન્ગલોરમાં રેલવે સામેની મૅચમાં રિષભ પંતની ટીમ દિલ્હી ૬ વિકેટે જીતી હતી. ફાસ્ટ બોલર નવદીપ સૈની અને આયુષ બદોનીની ૩-૩ વિકેટને કારણે ૪૦.૪ ઓવરમાં રેલવેએ તમામ વિકેટ ગુમાવીને ૧૭૯ રન કર્યા હતા. પ્રિયાંશ આર્યના ૪૧ બૉલમાં ૮૦ રન અને રિષભ પંતના ૯ બૉલમાં ૨૪ રનની ઇનિંગ્સના આધારે દિલ્હીએ ૨૧.૪ ઓવરમાં ૧૮૨ રન કરીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. વિરાટ કોહલીએ રેલવે સામેની મૅચ રમવા માટે ઉપલબ્ધતા દર્શાવી હતી. તેની ગેરહાજરી પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. જોકે તેણે ઓછામાં ઓછી બે મૅચ રમવાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરી લીધી છે.
ગુજરાતની ૨૩૩ રને સૌથી મોટી જીત
બૅન્ગલોર સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સલન્સમાં ગુજરાતે અક્ષર પટેલના ૬૦ બૉલમાં ૭૩ રનની ઇનિંગ્સ સહિતની ૪ ફિફ્ટીના આધારે ૬ વિકેટે ૩૩૩ રન કર્યા હતા. ગુજરાતના કૅપ્ટન અને ફાસ્ટ બોલર ચિંતન ગાજાએ ૯.૧ ઓવરના સ્પેલમાં ૩૧ રન આપીને ૬ વિકેટ લીધી હતી એને કારણે ઓડિશા ૨૮.૧ ઓવરમાં ૧૦૦ રન કરીને ૨૩૩ રને હાર્યું હતું. વિજય હઝારે ટ્રોફીની ગુજરાત ટીમની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત હતી.
બિહાર પ્લેટ ગ્રુપનું વિજેતા બન્યું
પ્લેટ ગ્રુપની ફાઇનલ મૅચમાં ઝડપી બોલર શબ્બીર ખાને ૩૦ રન આપીને ૭ વિકેટ લીધી હતી. બિહારે ૧૭૦ રનનો ટાર્ગેટ ચેઝ કરીને મણિપુરને ૬ વિકેટ હરાવ્યું હતું. આ જીત સાથે બિહાર આગામી વર્ષે વિજય હઝારે ટ્રોફીની એલીટ ડિવિઝનમાં રમવા માટે ક્વૉલિફાય થયું છે.


