છેલ્લાં ૪ વર્ષમાં આ જ વિસ્તારમાં તેમનું બીજું મોટું રોકાણ છે...
વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા
ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ મુંબઈ નજીક અલીબાગમાં ૩૭.૮૬ કરોડ રૂપિયામાં ૧.૩૬ હેક્ટર જમીન ખરીદી છે. મિલકત-નોંધણી દસ્તાવેજોની સમીક્ષા કરનાર રિયલ એસ્ટેટ ડેટા ઍનલિટિક્સ ફર્મ CRE મેટ્રિક્સ અનુસાર આ સ્ટાર-કપલે ૨૧,૦૧૦ ચોરસ મીટર જમીનના બે ભાગ ખરીદ્યા છે. સ્ટૅમ્પ-ડ્યુટી તરીકે આશરે ૨.૨૭ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. રજિસ્ટ્રેશન ૧૩ જાન્યુઆરીએ થયું હતું.
એક પ્લૉટનું માપ ૧૪,૭૪૦ ચોરસ મીટર છે જ્યારે બીજાનું ૬૨૭૦ ચોરસ મીટર છે. વેચનાર સોનાલી અમિત રાજપૂત છે. સમીરા લૅન્ડ ઍસેટ્સ પુષ્ટિ આપનાર પક્ષ છે. છેલ્લાં ૪ વર્ષમાં આ જ વિસ્તારમાં તેમનું બીજું મોટું રોકાણ છે. અલીબાગમાં જ આ સ્ટાર-કપલ એક આલીશાન ઘર ધરાવે છે. લંડનથી આવ્યા બાદ મોટે ભાગે વિરાટ અને અનુષ્કા અલીબાગના આ જ ઘરમાં રહે છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જેવી મોટી હસ્તીઓ દ્વારા કરવામાં આવેલાં રોકાણોએ અલીબાગની જમીનને પ્રીમિયમ બનાવી દીધી છે. અગ્રણી ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ હવે ભીડવાળા મુંબઈ કરતાં અલીબાગને તેમના બીજા ઘર તરીકે પસંદ કરી રહી છે. અલીબાગ હવે ફક્ત સપ્તાહના અંતે રજાઓ ગાળવા માટેનું સ્થળ નથી, વૈભવી રોકાણ માટેનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં અલીબાગની જમીનની કિંમતોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અહેવાલ અનુસાર અલીબાગમાં અપાર્ટમેન્ટનું મૂલ્ય પ્રતિ ચોરસ ફુટ ૧૫,૦૦૦થી ૧૭,૦૦૦ રૂપિયા સુધીનું છે. ખેતીલાયક જમીનના ભાવ પ્રતિ એકર ત્રણથી પાંચ કરોડ રૂપિયા સુધીના છે. રહેણાક બાંધકામ માટે યોગ્ય પ્લૉટ અથવા જમીન પ્રતિ એકર ૮થી ૧૦ કરોડ રૂપિયાના ઊંચા ભાવે પહોંચી ગયાં છે.


