ક્રિકેટ સ્ટેડિયમમાં બૅટિંગ સમયે તમને કમેન્ટ, નારા અને હૂટિંગ નથી સંભળાતી, પણ જો હું ટેનિસ કોર્ટમાં રમ્યો હોત અને ભીડ મારી આટલી નજીક હોત તો મારા માટે આ ડરામણો અનુભવ થયો હોત.
વિરાટ કોહલી
ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ હાલમાં પોતાની પત્ની અને ઍક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લંડનમાં વિમ્બલ્ડન 2025માં ટેનિસ ઍક્શનને નજીકથી જોઈ હતી. ૨૦૧૫માં પહેલી અને છેલ્લી વાર વિરાટ કોહલી વિમ્બલ્ડન જોવા પહોંચ્યો હતો. તે રાઉન્ડ ઑફ ૧૬ મૅચ દરમ્યાન સર્બિયન સ્ટાર પ્લેયર નોવાક જૉકોવિચને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો.
T20 ઇન્ટરનૅશનલ અને ટેસ્ટમાંથી નિવૃિત્ત લઈ ચૂકેલો વિરાટ કહે છે, ‘મને ટેનિસ ખેલાડીઓ પ્રત્યે ખૂબ માન છે, કારણ કે તેઓ ખૂબ જ સંયમ સાથે રમે છે અને ફિટનેસ અને માનસિક મજબૂતાઈનું સ્તર જાળવી રાખે છે. મને લાગે છે કે પ્રેશરની સ્થિતિનો અનુભવ સમાન હોઈ શકે છે. વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મૅચ, સેમી-ફાઇનલ કે ફાઇનલમાં ડર અને પ્રેશરને કારણે અમારા પગ ધ્રૂજતા હશે, પણ આ ટેનિસ પ્લેયર્સ ક્વૉર્ટર ફાઇનલથી ફાઇનલ સુધી આવા પડકારોનો સામનો કરે છે જેને સંભાળવું મારા હિસાબે ખૂબ જ પ્રેશરવાળું કામ છે.’
ADVERTISEMENT
૩૬ વર્ષનો કોહલી આગળ કહે છે, ‘દુનિયામાં ક્રિકેટ માટે અદ્ભુત સ્ટેડિયમ હોય છે અને ઘણું પ્રેશર હોય છે, કારણ કે સ્ટેડિયમમાં ઘણા બધા લોકો હોય છે, પણ મેં કહ્યું એમ એ સેન્ટર કોર્ટ જેટલું ડરામણું નથી, કારણ કે ત્યાં લોકો ટેનિસ કોર્ટની જેમ પ્લેયર્સની આટલી નજીક નથી હોતા. ક્રિકેટ સ્ટેડિયમમાં બૅટિંગ સમયે તમને કમેન્ટ, નારા અને હૂટિંગ નથી સંભળાતી, પણ જો હું ટેનિસ કોર્ટમાં રમ્યો હોત અને ભીડ મારી આટલી નજીક હોત તો મારા માટે આ ડરામણો અનુભવ થયો હોત.’
કોહલી ઇચ્છે છે કે મેન્સ સિંગલ્સની ફાઇનલ સ્ટાર ટેનિસ પ્લેયર નોવાક જૉકોવિચ અને સ્પેનિશ સ્ટાર કાર્લોસ અલ્કારાઝ વચ્ચે થાય અને એમાં સર્બિયન પ્લેયર નોવાક જૉકોવિચ ટાઇટલ જીતે.

