21: આટલા હાઇએસ્ટ સિક્સરવાળી WPL મૅચ બની. ૨૦૨૪માં બૅન્ગલોર અને દિલ્હીની મૅચમાં ૧૯ સિક્સર થઈ હતી.
ઑસ્ટ્રેલિયાની ઑલરાઉન્ડર જ્યૉર્જિયા વેરહૅમે બૅટિંગ અને બોલિંગમાં ગુજરાત જાયન્ટ્સ માટે ધમાલ મચાવી હતી
નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઈ કાલે બપોરે ગુજરાત જાયન્ટ્સે ૧૦ રને યુપી વૉરિયર્સ સાથે જીત મેળવી હતી. ગુજરાતે ૪ વિકેટ ગુમાવીને ૨૦૭ રનનો પોતાનો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં યુપી વૉરિયર્સ ૮ વિકેટે ૧૯૭ રન કરીને હાર્યું હતું. ગુજરાત પહેલી વખત વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) સીઝનની ઓપનિંગ મૅચ જીત્યું છે. અગાઉ સળંગ ૩ મૅચ હાર્યા બાદ ગુજરાતે ડી. વાય. પાટીલ સ્ટેડિયમના મેદાન પર પહેલી જીત નોંધાવી છે.
ગુજરાતની કૅપ્ટન ઍશ્લી ગાર્ડનરે ચોથા ક્રમે રમીને ૪૧ બૉલમાં ૬ ફોર અને ૩ સિક્સર ફટકારીને ૬૫ રન કર્યા હતા. ત્રીજા ક્રમે રમીને બાવીસ વર્ષની બૅટર અનુષ્કા શર્માએ પોતાની ડેબ્યુ મૅચમાં ૩૦ બૉલમાં ૭ ફોરની મદદથી ૪૪ રન કર્યા હતા. ગુજરાત માટે ડેબ્યુ મૅચમાં તે હાઇએસ્ટ રન કરનાર પ્લેયર બની હતી.
કૅપ્ટન મેગ લૅનિંગની ટીમ યુપી તરફથી રન-ચેઝ સમયે ત્રીજા ક્રમે રમીને ઑસ્ટ્રેલિયાની બૅટર ફીબ લિચફીલ્ડે ૮ ફોર અને પાંચ સિક્સરના આધારે ૪૦ બૉલમાં ૭૮ રન કર્યા હતા. ૧૫ ઓવરમાં યુપી ૧૪૩ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી ચૂક્યું હતું. અંતિમ ઓવરમાં ૨૭ રનની જરૂર હતી ત્યારે યુપીની ટીમ ૧૬ રન કરી શકી હતી.
ગુજરાત માટે રેણુકા સિંહ ઠાકુર, સોફી ડિવાઇન અને જ્યૉર્જિયા વેરહૅમે ૨-૨ વિકેટ ઝડપી હતી. ઑસ્ટ્રેલિયાની ઑલરાઉન્ડર જ્યૉર્જિયા વેરહૅમે બૅટિંગ સમયે ૧૦ બૉલમાં એક ફોર અને ૩ સિક્સરના આધારે ૨૭ રન પણ કર્યા હોવાથી તે પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.


