૬ ટીમ માટેનો ઑફિશ્યલ સ્વાગત સમારોહ એક કલાકના વિલંબ સાથે શરૂ થયો : સાઉથ કોરિયાની હૉકી મૅચમાં નૉર્થ કોરિયાની નૅશનલ ઍન્થમ વાગી
એશિયન ગેમ્સના આયોજનમાં ધાંધિયા
ધ્વજારોહણ ઇવેન્ટમાં ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને ભારતીય ઑલિમ્પિક્સ સંઘનાં પ્રમુખ પી.ટી. ઉષા.
ભારતીય ટુકડીના ઑફિશ્યલ સ્વાગત માટે જપાની સ્કાઉટ્સે ભારતીય ધ્વજ ફરકાવ્યો.
ગઈ કાલે જપાનમાં આયોજિત એશિયન ગેમ્સ માટે ભારત અને અન્ય પાંચ ટીમો માટેનો સ્વાગત અને ધ્વજારોહણ સમારોહ એક કલાકથી વધુના વિલંબથી શરૂ થયો હતો. આ અવરોધ પાછળનું કારણ ઑલિમ્પિક્સ કાઉન્સિલ ઑફ એશિયા અને સ્થાનિક આયોજક સમિતિ વચ્ચેની ગેરસમજ હોવાનું બહાર આવ્યું હતું. કાર્યક્રમ માટેના અધિકારીઓ અને ચીફ ગેસ્ટ કાર્યક્રમ સ્થળ ગાર્ડન પિયર ખાતે સમયસર આવ્યા નહોતા.
ઓપનિંગ સેરેમની પહેલાં જ આયોજકો સામે અનેક ફરિયાદો
શિસ્ત માટે જાણીતા જપાનમાં એશિયન ગેમ્સના આયોજનમાં મોટી અવ્યવસ્થા જોવા મળી રહી છે. ખર્ચ ઘટાડવા માટે આયોજકોએ પરંપરાગત ગેમ્સ વિલેજ બનાવવાને બદલે કન્ટેનર-શૈલીનાં કૅબિન, ક્રૂઝ શિપ અને હોટેલોમાં રહેઠાણની વ્યવસ્થા કરી છે.
ભારત સહિત અનેક દેશોના ઍથ્લીટને પોતાની રૂમ મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડી છે. કેટલાક પુરુષ કોચને મહિલા ખેલાડી સાથે એક જ રૂમ આપી હોવાના પણ કિસ્સા સામે આવ્યા છે. ગઈ કાલે સાઉથ કોરિયાની હૉકી મૅચમાં નૉર્થ કોરિયાની નૅશનલ ઍન્થમ વાગી હતી.
