પછી સિરીઝ-વિજેતા નક્કી કરવા પેનલ્ટી શૂટઆઉટ થયું, જેમાં બાજી મારી જર્મની
હૉકીની ભારતીય ટીમ
દિલ્હીમાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ગઈ કાલે સતત બીજા દિવસે ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય હૉકી સિરીઝની અંતિમ મૅચ રમાઈ હતી જેમાં ભારતીય ટીમે ૫-૩ના સ્કોરથી જીત મેળવીને સિરીઝને ૧-૧થી બરાબર કરી હતી. પહેલી મૅચમાં ૦-૨ના સ્કોરથી હારનારી ભારતીય ટીમમાંથી બીજા હાફમાં સુખજિત સિંહ (૩૪મી અને ૪૮મી મિનિટે), કૅપ્ટન હરમનપ્રીત સિંહ (૪૨મી અને ૪૩મી મિનિટે) અને અભિષેક નૈને (૪૫મી મિનિટે) ગોલ કર્યા હતા. બે મૅચની સિરીઝની વિજેતા ટીમ નક્કી કરવા માટે પેનલ્ટી શૂટઆઉટ થયું જેમાં જર્મનીની ટીમે ૩-૧થી બાજી મારીને ટ્રોફી પોતાને નામે કરી હતી. ઑગસ્ટ ૨૦૨૪માં ભારતીય હૉકી ટીમ સેમી ફાઇનલમાં જર્મની સામે હારીને ગોલ્ડ જીતવાની તક ચૂકી ગઈ હતી. જર્મની સિલ્વર મેડલિસ્ટ અને ભારત બ્રૉન્ઝ મેડલિસ્ટ ટીમ બની હતી.