ફુટબૉલ વર્લ્ડ કપ 2026નાં ૧૨ ગ્રુપની જાહેરાત ડ્રૉ દ્વારા થઈ, ટુર્નામેન્ટની પહેલી મૅચ મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે
ફિફા દ્વારા અમેરિકન પ્રેસિડન્ટને પહેલો ફિફા પીસ પ્રાઇઝ આપીને મેડલ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શુક્રવારે વૉશિંગ્ટન DCના જૉન એફ. કૅનેડી સેન્ટર ફૉર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે એક શાનદાર ફાઇનલ ડ્રૉ સમારોહ બાદ ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ 2026ના ગ્રુપ-સ્ટેજ મૅપને આખરે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
આ સમારોહમાં ડ્રૉ દરમ્યાન ૪ પૉટમાંથી ટીમનું નામ ઉપાડવા માટે રમતવીર અને ઍક્ટર્સ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઇવેન્ટમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ફિફાનો પહેલો શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલાં તેમણે ઘણાં યુદ્ધ રોકાવ્યાં હોવાથી પોતાને પ્રેસિડન્ટ ઑફ પીસ ગણાવી નોબેલ શાંતિ પુરસ્કાર માટે દાવેદાર પણ ગણાવ્યા હતા. જોકે તેઓ એ ખિતાબ જીતી શક્યા નહોતા.

ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પે પણ ગ્રુપની ટીમો નક્કી કરવા માટે અન્ય મહાનુભાવો સાથે ડ્રૉમાં હાજરી આપી હતી
૧૨ ગ્રુપમાં ૪-૪ ટીમને સામેલ કરવામાં આવી છે. પાંચ વખતની ચૅમ્પિયન ટીમ બ્રાઝિલ ગ્રુપ Cમાં મૉરોક્કો, હૈતી અને સ્કૉટલૅન્ડ સાથે સામેલ છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમને ગ્રુપ Jમાં અલ્જીરિયા, ઑસ્ટ્રિયા, જૉર્ડન સાથે સ્થાન મળ્યું છે. અન્ય પ્રખ્યાત ટીમ પોર્ટુગલ ગ્રુપ K, ઇંગ્લૅન્ડ ગ્રુપ L, ગયા વખતની રનર-અપ ટીમ ફ્રાન્સ ગ્રુપ I, સ્પેન ગ્રુપ H અને જર્મની ગ્રુપ Eમાં સામેલ છે. ૩ યજમાન દેશ મેક્સિકો, કૅનેડા અને અમેરિકા અનુક્રમે ગ્રુપ A, B અને Dમાં છે.

૪૮ ટીમને ૪-૪ના ભાગમાં ૧૨ ટીમમાં વિભાજિત કરવામાં આવી.
વર્લ્ડ કપમાં ભાગ લેનારી ૪૮ ટીમમાંથી ૬ ટીમ હજી સુધી નક્કી થઈ નથી અને સંપૂર્ણ યાદી આવતા વર્ષે માર્ચ સુધીમાં જાણી શકાશે. ૨૦૨૬ની ૧૧ જૂને મેક્સિકો અને સાઉથ આફ્રિકાની મૅચથી ટૂર્નામેન્ટની શરુઆત થશે, જ્યારે ૧૯ જુલાઈએ ફાઇનલ મૅચ રમાશે.


