GOAT ઇન્ડિયા ટૂર 2025ના સમાપન બાદ ફુટબૉલ-સ્ટાર લીઅનલ મેસીએ કહ્યું હતું આ : દિલ્હીમાં ICCના ચૅરમૅન જય શાહ, દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને દિલ્હી ક્રિકેટના વડા રોહન જેટલીએ હાજરી આપી
ICCના અધ્યક્ષ જય શાહે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે પ્રથમ ટિકિટધારક તરીકે મેસીનું સન્માન કર્યું હતું
GOAT ઇન્ડિયા ટૂર 2025 માટે ત્રણ દિવસ ભારત આવેલા આર્જેન્ટિનાના ફુટબૉલ-સ્ટાર લીઅનલ મેસીએ ગઈ કાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજરી આપી હતી. કલકત્તાના અસ્તવ્યસ્ત માહોલમાં થયેલી આ ટૂર દિલ્હીમાં શાંતિ અને ઉત્સાહમય માહોલમાં પૂરી થઈ હતી. દિલ્હીની ઑલમોસ્ટ ૩૦ મિનિટની ઇવેન્ટમાં મેસી અને સાથી-પ્લેયર્સ ICCના ચૅરમૅન જય શાહ, દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા, દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ બોર્ડના પ્રમુખ રોહન જેટલી અને ભારતીય ફુટબૉલ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન બાઇચુન્ગ ભૂટિયાને સ્ટેજ પર મળ્યા હતા.
કલકત્તા, હૈદરાબાદ અને મુંબઈની જેમ દિલ્હીના સ્ટેડિયમમાં પણ મોટી સંખ્યામાં ફૅન્સ મેસીની એક ઝલક જોવા પહોંચ્યા હતા. યંગ ફુટબૉલર્સ, ફુટબૉલ કન્ટેન્ટ ક્રીએટર્સને મેસી મળ્યો, તેમની સાથે રમ્યો અને ફોટો પણ પડાવ્યા હતા. મેસી અને તેના સાથીઓએ કલાકોથી સ્ટૅન્ડમાં ઊભા રહેલા હજારો ફૅન્સનું અભિવાદન ઝીલીને તેમની તરફ ફુટબૉલ ફેંક્યા હતા. મેદાન પર હાજર લોકોમાં મેસીનો ઑટોગ્રાફ લેવાની ભારે ઉત્સુકતા હતી.
ADVERTISEMENT

T20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ભારતીય ટીમના સભ્યોના ઑટોગ્રાફવાળું બૅટ જય શાહે લીઅનલ મેસીને ગિફ્ટ કર્યું હતું
ઇવેન્ટના અંતે ICCના ચૅરમૅન જય શાહે મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટેની પ્રથમ ટિકિટ મેસીને આપી હતી. જય શાહે T20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ભારતીય ટીમના સભ્યોના ઑટોગ્રાફવાળું બૅટ મેસીને ગિફ્ટ કર્યું હતું. મેસી સહિત ફુટબૉલ-સ્ટાર રૉડ્રિગો ડી પૉલ અને લુઇસ સુઆરેઝને તેમનાં નામ અને નંબરવાળી ભારતીય ક્રિકેટ જર્સી ભેટ આપવામાં આવી હતી.
આ ઇવેન્ટ અને GOAT ઇન્ડિયા ટૂર 2025ના સમાપનના ભાગરૂપે તેણે આ ઇવેન્ટના અંતે સ્પૅનિશ ભાષામાં કહ્યું હતું કે ‘ભારતમાં આ દિવસો દરમ્યાન મળેલા પ્રેમ અને સ્નેહ બદલ હું દરેકનો આભાર માનું છું. અમારા માટે આ ખરેખર સુંદર અનુભવ હતો. અમે આ બધો પ્રેમ અમારી સાથે લઈ જઈશું અને અમે ચોક્કસપણે પાછા આવીશું. આશા છે કે એક દિવસ મૅચ રમવા માટે અથવા કોઈ અન્ય પ્રસંગે અમે ચોક્કસ ભારતની ટૂર પર આવીશું. તમારો ખૂબ-ખૂબ આભાર.’


