પહેલી ઇનિંગ્સમાં ભારત ૧૮૯ રનમાં ઢેર, બીજી ઇનિંગ્સમાં ૭ વિકેટે ૯૩ રન કરનાર સાઉથ આફ્રિકા મૅચમાં ૬૩ રનથી આગળ : સ્પિનર સાઇમન હાર્મર અને રવીન્દ્ર જાડેજા ૪-૪ વિકેટ લઈને ચમક્યા
રવીન્દ્ર જાડેજાએ ૨૯ રનમાં ૪ વિકેટ લઈને સાથી-પ્લેયર્સ સાથે ઉજવણી કરી હતી.
કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં આજે ત્રીજા દિવસે ટેસ્ટ-મૅચનું રિઝલ્ટ નક્કી થઈ જશે. બીજા દિવસની રમતમાં બન્ને ટીમની બૅટિંગમાં ધબડકો થતાં ૧૬ વિકેટ પડી હતી. ભારતે પહેલી ઇનિંગ્સમાં ૬૨.૨ ઓવરની રમત રમીને માત્ર ૧૮૯ રન કર્યા હતા. સાઉથ આફ્રિકાએ દિવસના અંતે ૩૫ ઓવરમાં ૯૩ રનમાં સાત વિકેટ ગુમાવી હતી. પહેલી ઇનિંગ્સમાં ૧૫૯ રન કરનાર સાઉથ આફ્રિકા મૅચમાં ૬૩ રનથી આગળ છે.
બીજા દિવસે ભારતે ૨૧મી ઓવરમાં ૩૭-૧ના સ્કોરથી પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. ઓપનર કે. એલ. રાહુલે ૧૧૯ બૉલમાં ચાર ફોર અને એક સિક્સરની મદદથી ૩૯ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. ત્રીજા ક્રમે રમવા આવેલો વૉશિંગ્ટન સુંદર ૮૨ બૉલમાં બે ફોર અને એક સિક્સર ફટકારીને ૨૯ રન કરી શક્યો હતો. રિષભ પંત અને રવીન્દ્ર જાડેજાની ૨૪-૨૪ રનની ઇનિંગ્સથી ભારતનો સ્કોર ૧૫૦ રનને પાર પહોંચ્યો હતો. ૪ મહિના બાદ વાપસી કરી રહેલા રિષભ પંતે બે ફોર અને બે સિક્સર પણ ફટકારી હતી.
ADVERTISEMENT
રિટાયર્ડ હર્ટ કૅપ્ટન શુભમન ગિલ બૅટિંગ માટે ફરી મેદાન પર ન આવતાં રિટાયર્ડ આઉટ જાહેર થયો હતો. એના કારણે ભારત પોતાના સ્કોરમાં વધુ રન ઉમેરતાં ચૂકી ગયું હતું. સાઉથ આફ્રિકાના સ્પિનર સાઇમન હાર્મરે ૩૦ રન આપીને ૪ વિકેટ અને ફાસ્ટ બોલર માર્કો યાન્સેને ૩૫ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.
સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગ્સમાં એના કૅપ્ટન ટેમ્બા બવુમાએ ૭૮ બૉલમાં ૩ ફોરની મદદથી ૨૯ રનની અણનમ ઇનિંગ્સ રમી છે. તેના સિવાય ડબલ ડિજિટમાં સ્કોર પૂંછડિયા બૅટર માર્કો યાન્સેને ૧૩ રન, રાયન રિકલ્ટન અને વિયાન મુલ્ડરે ૧૧-૧૧ રન કર્યા હતા. ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજાએ ૨૯ રન આપીને ૪ વિકેટ લઈ ભારતમાં પોતાની ૨૫૦ ટેસ્ટ-વિકેટ પૂરી કરી હતી. આ સિવાય સ્પિનર કુલદીપ યાદવને બે અને અક્ષર પટેલને એક સફળતા મળી હતી.

સાઉથ આફ્રિકન સ્પિનર સાઇમન હાર્મરે ૩૦ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
ભારતમાં ટેસ્ટ-મૅચના પહેલા બે દાવમાં લોએસ્ટ ‘હાઇએસ્ટ સ્કોર’નો રેકૉર્ડ કર્યો કે. એલ. રાહુલે
કલકત્તા ટેસ્ટ-મૅચમાં બન્ને ટીમ પોતાની પહેલી ઇનિંગ્સમાં ૨૦૦ રનનો આંકડો પણ પાર કરી શકી નહોતી. ટેસ્ટ-મૅચના આ બન્ને દાવમાં ભારતીય ઓપનર કે. એલ. રાહુલે સૌથી વધુ ૩૯ રન ૧૧૯ બૉલમાં કર્યા હતા. ભારતની ધરતી પર મેન્સ ટેસ્ટ-મૅચના પહેલા બે દાવમાં આ સૌથી લોએસ્ટ ‘હાઇએસ્ટ સ્કોર’નો રેકૉર્ડ હતો. એક દાયકા પહેલાં નવેમ્બર ૨૦૧૫માં ભારતીય ઓપનર મુરલી વિજયે સાઉથ આફ્રિકા સામે ૮૪ બૉલમાં ૪૦ રનનો અનોખો રેકૉર્ડ કર્યો હતો. ઓવરઑલ આ રેકૉર્ડ વી. વી. એસ. લક્ષ્મણના નામે છે. તેણે ૨૦૧૦માં સાઉથ આફ્રિકા સામે ડર્બન ટેસ્ટ-મૅચમાં ૭૩ બૉલમાં હાઇએસ્ટ ૩૮ રન કર્યા હતા. કે. એલ. રાહુલનો સ્કોર આ લિસ્ટમાં બીજા ક્રમે છે.
ટેમ્બા બવુમાને ઠીંગણો કહેવા બદલ જસપ્રીત બુમરાહ વિરુદ્ધ ફરિયાદ થશે?
કલકત્તા ટેસ્ટ-મૅચના પહેલા દિવસે જસપ્રીત બુમરાહે સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમા માટે કરેલી એક કમેન્ટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી. સાઉથ આફ્રિકાની બૅટિંગ વખતે જ્યારે અમ્પાયરે ટેમ્બા બવુમાની LBW આઉટ હોવાની અપીલ ફગાવી દીધી એ પછી બુમરાહે રિષભ પંત સાથેની ચર્ચા દરમ્યાન હરીફ ટીમના કૅપ્ટનને બૌના એટલે કે ઠીંગણો કહેવાની સાથોસાથ અપશબ્દ પણ બોલ્યો હતો. પ્રેસ-કૉન્ફરન્સમાં જ્યારે સાઉથ આફ્રિકાના બૅટિંગ-કોચ ઍશ્વેલ પ્રિન્સને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ સંદર્ભે કોઈ ચર્ચા થશે નહીં. આ પહેલી વાર મારા ધ્યાનમાં આવ્યું છે. મને નથી લાગતું કે મેદાન પર જે બન્યું એનાથી કોઈ સમસ્યા ઊભી થશે. આ કમેન્ટ બદલ અમે કોઈ ફરિયાદ નોંધાવીશું નહીં.’
બીજી ટેસ્ટ-મૅચમાં કૅગિસો રબાડાની ભાગીદારી અનિશ્ચિત
સાઉથ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર કૅગિસો રબાડા ઇન્જરીને કારણે કલકત્તા ટેસ્ટ-મૅચમાં રમી શક્યો નથી. મંગળવારે પહેલા નેટ-સેશન દરમ્યાન તેને પાંસળીમાં ઇન્જરી થઈ હતી. પહેલી ટેસ્ટ-મૅચની જેમ બીજી ગુવાહાટી ટેસ્ટ-મૅચમાં તેની ભાગીદારી અનિશ્ચિત છે. ટીમ-મૅનેજમેન્ટે બીજી ટેસ્ટ-મૅચમાં રમવા માટે રબાડાની ફિટનેસ વિશે કોઈ સ્પષ્ટ અપડેટ આપી નથી. તે હજી પણ તબીબી પરીક્ષણોમાંથી પસાર થઈ રહ્યો છે.
4000 - આટલા ટેસ્ટ-રન પૂરા કર્યા રવીન્દ્ર જાડેજા અને કે. એલ. રાહુલે આ મૅચ દરમ્યાન.
92 - આટલી સિક્સર સાથે હાઇએસ્ટ સિક્સર ફટકારનાર એશિયન બન્યો રિષભ પંત. વીરેન્દર સેહવાગનો ૯૦ સિક્સરનો રેકૉર્ડ તોડ્યો.


