એક ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા અને આઝાદી પછી એક જ ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની મનુ ભાકર
મનુ ભાકર અને સરબજોત સિંહ
બાવીસ વર્ષની મનુ ભાકર અને બાવીસ વર્ષના સરબજોત સિંહે શૂટિંગની ૧૦ મીટર ઍર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતીને પૅરિસ ઑલિમ્પિક્સ 2024માં ભારતને બીજો મેડલ અપાવ્યો હતો. આ ઇવેન્ટમાં ભારત માટે મેડલ જીતનાર એ પહેલી જોડી બની હતી. આ પહેલાં ૧૦ મીટર ઍર પિસ્ટલ મહિલા ઇવેન્ટમાં બ્રૉન્ઝ જીતનાર મનુ ભાકર એક ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની છે. સ્વતંત્રતા પછી એક ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી તે ઓવરઑલ પહેલી ભારતીય ઍથ્લીટ છે.
ADVERTISEMENT
ભારતીય જોડીએ કોરિયાની જોડીને ૧૬-૧૦થી હરાવીને ભારતને ઑલિમ્પિક્સ ઇતિહાસમાં શૂટિંગનો છઠ્ઠો મેડલ અપાવ્યો હતો. ૧૨ વર્ષ પહેલાં લંડન ઑલિમ્પિક્સ 2012માં ભારતીય શૂટર્સે બે મેડલ અપાવ્યા હતા. ભારતના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ભૂતપૂર્વ ખેલાડીઓએ મનુ અને સરબજોતને અભિનંદન આપ્યાં હતાં. મનુ ભાકર હવે શુક્રવારથી ૨૫ મીટર ઍર પિસ્ટલ મહિલા ઇવેન્ટમાં ઊતરશે.
૧૨૪ વર્ષ પહેલાં પૅરિસમાં ભારતીય ખેલાડી જીત્યો હતો બે મેડલ
૧૮૭૫માં કલકત્તામાં જન્મેલો બ્રિટિશ-ભારતીય ઍથ્લીટ નૉર્મન ગિલ્બર્ટ પ્રિચર્ડ ૧૯૦૦ની સાલની પૅરિસ ઑલિમ્પક્સમાં ભારત માટે બે અલગ ઇવેન્ટમાં બે સિલ્વર મેડલ જીત્યો હતો. આઝાદી પહેલાં ભારતે પહેલી વાર ૧૯૦૦માં પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. નૉર્મન ગિલ્બર્ટ પ્રિચર્ડે આ મેડલ જીતીને ભારતને ઑલિમ્પિક્સ મેડલ જીતનાર પહેલો એશિયન દેશ બનાવ્યો હતો. આઝાદી બાદ મનુ ભાકર એક જ ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતનાર પહેલી ભારતીય બની છે.