ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી દ્વારા સંપાદિત અને આર આર શેઠ કંપનીએ પ્રકાશિત કરેલા પુસ્તક “ઘેરો ગુલાલ “નું લોકાર્પણ થયું હતું. તેમાં ગુજરાતના ૫૪ અગ્રગણ્ય સાહિત્યકારોએ જવાહર બક્ષીની ૫૧ ચુનંદા ગઝલોનો આસ્વાદ કરાવ્યો છે. અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના સભાગૃહમાં આ પ્રસંગે હર્ષદ ત્રિવેદી,રવીન્દ્ર પારેખ તથા સમીર ભટ્ટે જવાહર બક્ષી ના આજીવન સર્જન કાર્યના વિવિધ પાસાંઓને બિરદાવ્યા હતાં. જવાહરની તમામ રચનાઓમાંથી પસાર થતાં આધુનિક ગઝલના સંધિકાળમાં આવેલા અને આજ સુધી કાર્યરત રહેલા જવાહર બક્ષીએ પરંપરાગત, પ્રયોગશીલ તથા અનેક પ્રકારોની ગઝલોમાં પ્રેમ, જીવન. સામાજિક નિસ્બત તેમજ આધ્યાત્મિક ગઝલો આપી મોટું કામ કર્યું છે. એ તપના કવિ છે. તેમણે પોતાને દ્રષ્ટિમાં યોગ્ય ન લાગતી ૭૦૦ ગઝલ ફાડી નાખી ૬૦ વર્ષના સર્જનમાં માત્ર ઉત્તમ અને શુદ્ધ કાવ્યમય બે ગઝલ સંગ્રહ આપ્યા છે. આજે આવો વિવેક જોવા મળતો નથી. જવાહર બક્ષીએ પ્રતિભાવ આપતાં જુનાગઢની મિલન સંસ્થા અને મુંબઈના શૂન્ય, મરીઝ, બેફામ સૈફ વગેરેના સહવાસમાં ગઝલની અનેક અભિવ્યક્તિ તથા ગઝલની સરહદો વિસ્તારતી રચના વિશે વાત કરી હતી તથા પોતાની ગઝલોનું પઠન કરી વિદ્વાન અને રસિક શ્રોતાઓની દાદ મેળવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન આર આર શેઠ પ્રકાશનના ચિંતન શેઠે કર્યું હતું. આ પુસ્તક હવે બધે જ ઉપલબ્ધ થશે.
