ગાંધીજીની નિંદા કરવી, ભૂલો કાઢવી, અપશબ્દો બોલવા વગેરે ખૂબ સહેલું છે; પણ ગાંધીજી જેવું જીવન એક દિવસ પણ જીવવું ખૂબ કપરું છે. – રાજેશ ધામેલિયા ન.પ્રા.શિ.સ.,સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા, નાના વરાછામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને શબ્દપુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળાના આચાર્ય શ્રી મિતેશકુમાર પ્રજાપતિએ મહાત્મા ગાંધીજીનાં અનેકવિધ કાર્યોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે શાળાના શિક્ષક શ્રી રાજેશ ધામેલિયાએ પ્રશ્નોત્તરીરૂપે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, “આજે દેશમાં ગાંધીજી વિશે લોકો ભાતભાતની વાતો કરે છે, ત્યારે ગાંધીજીનું સાચું જીવનદર્શન કરવા જેમણે ગાંધીજીને કાર્યો નજરે જોયાં છે; તેવા વડીલો પાસે બેસીને સાચી વાતો જાણવા પ્રયત્ન કરવો જોઈએ. દેશની આઝાદી પહેલાં લખાયેલાં પુસ્તકોનું વાચન કરવાથી પણ સાચો ઇતિહાસ જાણી શકાય. આજની વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા સાચો ઇતિહાસ જાણી શકાશે નહીં. ગાંધીજી ઇચ્છે તો વૈભવી અને આરામદાયક જીવન જીવી શકે તેમ હતા. આર્થિક રીતે સંપન્ન પરિવારમાં તેમનો જન્મ થયો હતો. આફ્રિકામાં વકીલાત દરમિયાન તેઓ અઢળક સંપત્તિ કમાયા હતા.
આ તમામ સંપત્તિનો ત્યાગ કરીને દેશની આઝાદી અને લોકોના કલ્યાણ માટે તેઓ ખૂબ સાદગીભર્યું જીવન જીવ્યા હતા. ગાંધીજી દૂરંદેશી દૃષ્ટિ ધરાવતા હતા. એમણે માત્ર દેશની આઝાદી માટે જ નહીં, પરંતુ આઝાદી મળ્યા પછી મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય તે માટે અનેકવિધ કાર્યો કર્યાં હતાં. ઉત્તમ શિક્ષણ વિના ઉન્નત રાષ્ટ્રનું નિર્માણ ક્યારેય થઈ શકે નહીં – આ બાબતને યથાર્થ રીતે ગાંધીજી જાણતા – સમજતા હતા; આથી જ એમણે ઈ.સ. 1920માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.
શિક્ષણકાર્યમાં રસ ધરાવનાર સ્વાતંત્ર્યસેનાનીઓને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ સંસ્થાઓની સ્થાપના પ્રેરણા ગાંધીજીએ આપી હતી. ગાંધીજી શિક્ષણ, આરોગ્ય, ધર્મ, માતૃભાષા, વગેરે અનેક વિષયોમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા; જેની સમગ્ર વિશ્વમાં આજે પણ નોંધ લેવામાં આવે છે. 15મી ઑગસ્ટ, 1947ના રોજ આખો દેશ આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યો ત્યારે ગાંધીજી પશ્ચિમ બંગાળના નોઆખલીમાં કોમી રમખાણોને શાંત કરવા માટે ઉપવાસ કરી રહ્યા હતા. ગાંધીજીની નિંદા કરવી, ભૂલો કાઢવી, અપશબ્દો બોલવા વગેરે ખૂબ સહેલું છે; પણ ગાંધીજી જેવું જીવન એક દિવસ પણ જીવવું ખૂબ કપરું છે.” શબ્દપુષ્પાંજલિ કાર્યક્રમમાં ધોરણ : 6 થી 8ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહભાગી થયા હતા.