લક્ઝરી બસની ટક્કર બાદ રસ્તા પર પડી ગયેલા યુવક પર બસનું ટાયર ફરી વળ્યું
પ્રતીકાત્મક તસવીર
પવઈ પ્લાઝા નજીક બનેલી કરુણ દુર્ઘટનામાં છઠપૂજા કરવા ગયેલી પોતાની બહેનને ઘરે લાવવા માટે ગયેલો યુવક ક્યારેય ઘરે પાછો નહોતો ફરી શક્યો. ટ્વિન્સ ભાઈ-બહેન સ્કૂટર પર પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે લક્ઝરી બસની ટક્કરને કારણે સ્કૂટર રસ્તા પર પડી ગયું હતું. બહેન રસ્તાની ડાબી બાજુ પર પડી એટલે બચી ગઈ હતી અને ભાઈ રસ્તાની જમણી બાજુ પડતાં પાછળથી આવતી બસનું ટાયર તેના પર ફરી વળ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાવીસ વર્ષના રવિ વિશ્વકર્માએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.
પોલીસ આપેલી માહિતી મુજબ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતા રવિનો પરિવાર છઠપૂજા માટે ગયો હતો, જ્યારે રવિ ઘરે જ હતો. પૂજા પત્યા પછી પાછા આવતી વખતે બે રિક્ષા ન મળતાં તેની બહેને રવિને સ્કૂટર લઈને બોલાવ્યો હતો. રાતે ૮.૩૦ વાગ્યાની આસપાસ જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પરથી પસાર થતી વખતે આ અકસ્માત થયો હતો. રવિને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં દાખલ કરતાં પહેલાં જ ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
લક્ઝરી બસના ૬૦ વર્ષના ડ્રાઇવરે સરેન્ડર કર્યા બાદ પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને નોટિસ આપ્યા બાદ છોડી મૂકયો હતો.


