Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વૅલેન્ટાઇન્સની પૂર્વસંધ્યાએ બજારે છેતર્યા, ૫૯૩ પૉઇન્ટના સુધારા બાદ ઘટીને બંધ

વૅલેન્ટાઇન્સની પૂર્વસંધ્યાએ બજારે છેતર્યા, ૫૯૩ પૉઇન્ટના સુધારા બાદ ઘટીને બંધ

Published : 14 February, 2025 08:04 AM | Modified : 15 February, 2025 07:32 AM | IST | Mumbai
Anil Patel

શ્રીલંકન પ્રોજેક્ટનો આઘાત અદાણીના શૅરોને નડ્યો : રિઝર્વ બૅન્કની રહેમ થતાં કોટક બૅન્ક નવા બેસ્ટ લેવલે : મુથૂટ ફાઇનૅન્સને રિઝલ્ટ ફળ્યાં, મેકવાયરના બુલિશ વ્યુમાં SBI કાર્ડ‍્સ નવી ટોચે

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


શ્રીલંકન પ્રોજેક્ટનો આઘાત અદાણીના શૅરોને નડ્યો : રિઝર્વ બૅન્કની રહેમ થતાં કોટક બૅન્ક નવા બેસ્ટ લેવલે : મુથૂટ ફાઇનૅન્સને રિઝલ્ટ ફળ્યાં, મેકવાયરના બુલિશ વ્યુમાં SBI કાર્ડ‍્સ નવી ટોચે : નાટકો ફાર્માનો નફો ૩૮ ટકા ઘટતાં શૅર ૨૪૩ તૂટી મંદીની સર્કિટમાં ગયો : પરિણામની નબળાઈમાં ભારત ફોર્જ વર્ષની નીચી સપાટીએ : હેક્સાવેર ટેક્નૉલૉજીઝ બીજા દિવસના અંતે ફક્ત ૧૬ ટકા ભરાયો : સાંગલીની ક્વૉલિટી પાવર શૅરદીઠ ૪૨૫ના ભાવે આજે મૂડીબજારમાં, પ્રીમિયમ ૧૩૪થી ગગડી હાલ થયો ૧૬ રૂપિયા 


આજે, શુક્રવારે વૅલેન્ટાઇન્સ ડે છે. પ્યાર મુહોબ્બત, ઇશ્કના ઇઝહાર અને ઇકરારનો આ ખેલ બજારની ભાષામાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનો છે. આ ૨૫,૦૦૦ કરોડના બજારમાંથી મહત્તમ લાભ ખાટવા કંપનીઓમાં તકરાર છે. શૅરબજારને નિસ્બત છે ત્યાં સુધી એની નજર હાલ વૅલેન્ટાઇન્સ પર નહીં, વૉશિંગ્ટન પર છે. ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચેનું ઇલુ ઇલુ કેવુંક અને કેટલુક થાય છે એમાં સૌને વિશેષ રસ છે. એક સર્વે પ્રમાણે આજે પણ ૪૦ ટકા ઇન્ડિયન્સ (કે પછી ઇડિયટ્સ?) માને છે કે ટ્રમ્પ પ્રબળ ભારતપ્રેમી છે. કેટલાંક પ્રચાર માધ્યમોમાં તો ટ્રમ્પ-મોદીની મુલાકાત પછી શૅરબજાર તેજીતરફી બનશે એવા આકલન કે ઍનૅલિસિસ પણ શરૂ થઈ ગયાં છે. દયાનું પાત્ર છે એ રાષ્ટ્રમાં ખલીલ જીબ્રાને જે કાંઈ કહ્યું, એ ખરેખર સાચું છે યાર.



ઍની વે, વૅલેન્ટાઇન્સ-ડેની પૂર્વસંધ્યાએ સળંગ છ દિવસ ઘટેલા બજારે છેતરામણો સુધારો દર્શાવી છેવટે દગો કર્યો છે. માર્કેટ સાતમા દિવસેય માઇનસ થયું છે. આગલા બંધથી સહેજ પ્લસ, ૭૬,૨૦૧ ખુલ્યા પછી ગુરુવારે સેન્સેક્સ ૫૯૩ પૉઇન્ટની મજબૂતીમાં ઉપરમાં ૭૬,૭૬૪ વટાવી ગયો હતો. ત્યાર પછી ધીમી ધારે ઘસારો શરૂ થયો, દોઢ વાગ્યા પછી એ ઝડપી બન્યો જેમાં ૭૬,૦૧૩ની બૉટમ બની હતી. છેવટે સેન્સેક્સ ૩૨ પૉઇન્ટ ઘટી ૭૬,૧૩૯ તથા નિફ્ટી ૧૪ પૉઇન્ટ ઘટી ૨૩,૦૩૧ બંધ થયો છે. સેન્સેક્સ નિફ્ટીની નજીવી નરમાઈ સામે આઇટી ઇન્ડેક્સ એકાદ ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી એક ટકા નજીક, FMCG બેન્ચમાર્ક પોણો ટકો કટ થયો છે. નિફ્ટી ફાર્મા સવા ટકો, હેલ્થકૅર ઇન્ડેક્સ અડધો ટકો, મેટલ બેન્ચમાર્ક સવા ટકો, રિયલ્ટી પોણો ટકો પ્લસ હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બાયસમાં હતી. NSEમાં વધેલા ૧૩૫૩ શૅર સામે ૧૪૭૨ જાતો ઘટી હતી. માર્કેટકૅપ ૨૨,૦૦૦ કરોડ ઘટી ૪૦૭.૨૬ લાખ કરોડ રહ્યું છે.


હૉન્ગકૉન્ગ, ચાઇના તથા ઇન્ડોનેશિયાની સામાન્યથી અડધા ટકાની પીછેહઠ બાદ કરતાં અન્ય અગ્રણી એશિયન બજાર સીમિત સુધર્યાં હતાં. જૅપનીઝ નિક્કી તથા સાઉથ કોરિયન કોસ્પી સર્વાધિક સવા ટકા આસપાસ વધ્યાં છે. યુરોપ ખાતેનાં બજારો રનિંગમાં એકથી સવા ટકો મજબૂત જણાયાં છે. લંડન ફુત્સી અપવાદમાં પોણો ટકો ડાઉન હતો. બિટકૉઇન પોણાબે ટકાની નબળાઈમાં ૯૬,૨૩૯ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ દોઢ ટકાની ખરાબીમાં ૭૪ ડૉલર દેખાયું છે.

લાર્સનમાં ભાવ ગગડીને ૨૭૫૦ થવાનો ચાર્ટવાળાનો વરતારો


‘ડેથ ક્રૉસ પૅટર્ન’નો હવાલો આપતાં ચાર્ટવાળા લાર્સન, વૉલ્ટાસ, મેક્રોટેક ડેવલપર્સ, કેઈઆઇ ઇન્ડસ્ટ્રીઝ તથા પોલિકૅબમાં બેરિશ બન્યા છે. તેમના મતે શૅરના ભાવ શૉર્ટ ટર્મ મૂવિંગ ઍવરેજ અર્થાત્ ૫૦ દિવસનો સરેરાશ ભાવ એની લૉન્ગ ટર્મ મૂવિંગ ઍવરેજ એટલે કે ૨૦૦ દિવસના ભાવની સરેરાશ કરતાં નીચે આવી ગયા છે. આ સ્થિતિને ટેક્નિકલ ભાષામાં ડેથ ક્રૉસ કહે છે જે આગળ જોખમ હોવાનો કે ભાવ ગગડવાનો સંકેત આપે છે. આ તર્કના આધારે ચાર્ટિસ્ટો માને છે કે વધઘટે નરમાઈની ચાલમાં લાર્સનમાં ૨૭૫૦ રૂપિયા, પોલિકૅબમાં ૪૬૮૦ રૂપિયા, કેઈઆઇ ઇન્ડસ્ટ્રીઝમાં ૩૧૫૦ રૂપિયા, વૉલ્ટાસમાં ૧૦૮૦ રૂપિયા તથા લોઢાની મેક્રોટેક ડેવલપર્સમાં ૧૦૨૦ રૂપિયાનો ભાવ નીચામાં જોવા મળશે.

બાય ધ વે, લાર્સન ગઈ કાલે ૩૩૧૯ ખુલ્યા બાદ નીચામાં ૩૨૫૨ થઈ અડધો ટકો ઘટીને ૩૨૬૯ બંધ થયો છે. પોલિકૅબ ૫૭૦૪ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૫૫૩૩ થઈ દોઢ ટકો ઘટીને ૫૫૫૩, કેઈઆઇ ઇન્ડસ્ટ્રીઝ ૩૫૨૨ની ઇન્ટ્રા-ડે ટૉપથી નીચે ૩૩૮૮ બતાવી ૨.૨ ટકા ઘટી ૩૪૦૪ તો વૉલ્ટાસ ૧૩૦૫ ખુલ્યા બાદ નીચામાં ૧૨૪૫ થઈ ચાર ટકા ગગડી ૧૨૪૯ બંધ આવ્યો છે. લોઢાની મેક્રોટેક ડેવલપર્સ ૧૧૯૨ની ઇન્ટ્રા-ડે ટૉપથી નીચામાં ૧૧૬૬ થઈ અડધો ટકો ઘટી ૧૧૬૭ હતો.

નિફ્ટી ખાતે અદાણી એન્ટરપ્રાઇઝિસ, સેન્સેક્સમાં અદાણી પોર્ટ‍્સ ટૉપ લૂઝર

ટ્રમ્પ તરફથી વિદેશી કંપનીઓ માટે ઍન્ટિ-કરપ્શન ઍક્ટ સ્થગિત કરવાની જાહેરાતથી રાહતનો શ્વાસ લઈ રહેલા અદાણી ગ્રુપ માટે શ્રીલંકા ચિંતાનું કારણ બન્યું છે. શ્રીલંકામાં જૂની સરકારે ૪૪૨૦ લાખ ડૉલરનો જે ‌રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ અદાણીને આપ્યો હતો એ વિશે નવી સરકારે ટૅરિફના મુદ્દે સમીક્ષા હાથ ધરી હતી. અદાણી માટે મામલો દિવસે-દિવસે વધુ કાઠો થવા માંડતાં ‘દ્રાક્ષ ખાટી છે’ની સ્ટાઇલમાં આ પ્રોજેક્ટમાંથી હટી જવાની જાહેરાત કરાઈ છે. આની અસરમાં અદાણીના શૅર જે શરૂમાં સારા એવા સુધારામાં હતા એ છેવટે રેડ ઝોનમાં ગયા છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨૩૭૩ની ઇન્ટ્રા-ડે ટૉપથી નીચામાં ૨૨૩૩ થઈ સાડાચાર ટકા કે ૧૦૯ રૂપિયા તૂટી ૨૨૪૫ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બની છે. અન્યમાં અદાણી પોર્ટ્સ પોણાબે ટકા, અદાણી એનર્જી બે ટકા, અદાણી પાવર તથા અદાણી ગ્રીન અડધો ટકો, એનડીટીવી ૧.૪ ટકા, એસીસી પોણો ટકો ઘટ્યા છે. અદાણી વિલ્મર પોણાબે ટકા પ્લસ હતી. મેઇન બેન્ચમાર્કમાં ઘટનારી અન્ય જાતોમાં હીરો મોટોકૉર્પ, ઇન્ફોસિસ, ટીસીએસ, ONGC એકથી દોઢ ટકા તો HCL ટેક્નૉ, લાર્સન, SBI, નેસ્લે, ટાઇટન પોણા ટકા આસપાસ નરમ હતા.

સેન્સેક્સમાં સનફાર્મા ત્રણ ટકાથી વધુ તો નિફ્ટીમાં બજાજ ફીનસર્વ ૩.૪ ટકા ઝળકી વધવામાં મોખરે હતા. તાતા સ્ટીલ ત્રણ ટકા મજબૂત થયો છે. બજાજ ફાઇનૅન્સ સવાબે ટકા વધી ૮૪૦૬ નજીક ગયો હતો. સિપ્લા, JSW સ્ટીલ, SBI લાઇફ, ભારત ઇલેક્ટ્રિક, ઝોમાટો, ઇન્ડ્સઇન્ડ બૅન્ક એકથી દોઢ ટકા વધ્યા છે. રિઝર્વ બૅન્કે ઑન લાઇન ધોરણે નવા ગ્રાહક મેળવવા ઉપરનો પ્રતિબંધ હટાવી લેતાં કોટક બૅન્ક અઢી ગણા કામકાજે ૧૯૯૨ના શિખરે જઈ દોઢ ટકો વધી ૧૯૭૧ વટાવી ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૨૧૬ આસપાસના આગલા લેવલે ફ્લૅટ હતો. આઇટીસી એક નવા ટેકઓવર માટે પ્રાથમિક વાતચીતના તબક્કે હોવાના અહેવાલ છે. શૅર ૪૦૯ના લેવલે યથાવત્ રહ્યો છે.  

પીએન ગાડગીળ પરિણામ પાછળ ૧૦ ટકાની ઉપલી સર્કિટે

પીએન ગાડગીળ જ્વેલર્સે આવકમાં ૨૩ ટકાના વધારા સામે ૪૯ ટકાના વૃદ્ધિદરથી ૮૬ કરોડ નેટ નફો કરતાં શૅર સાડાછ ગણા વૉલ્યુમે ૧૦ ટકાની તેજીની સર્કિટે ૬૨૧ થઈ ત્યાં જ બંધ રહ્યો છે. પુણેની આ કંપની સપ્ટેમ્બરમાં શૅરદીઠ ૪૮૦ના ભાવે ૧૧૦૦ કરોડનો ઇશ્યુ લાવી હતી. અન્ય જ્વેલરી શૅર પણ બહુધા ઝમકમાં હતા. ટીબીઝેડ તથા સ્કાય ગોલ્ડમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. સ્વર્ણ સરિતા જ્વેલ્સ ૯.૮ ટકા ઊછળી ૩૯ હતી. ઝોડિયાક જેઆરડી ૬.૫ ટકા, પામ જ્વેલ્સ પાંચ ટકા, આરબીઝેડ જ્વેલર્સ ત્રણ ટકા, ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલ ત્રણ ટકા મજબૂત હતા. કલ્યાણ જ્વેલર્સ, સેન્કો ગોલ્ડ, ખજાનચી જ્વેલર્સ, રાધિકા જ્વેલ્સ, એમએમ ગોલ્ડ, વૈભવ ગ્લોબલ જેવી જાતો પોણાબેથી ત્રણેક ટકા પ્લસ થઈ છે. સામે ગોલ્ડિયમ એન્ટર ૪.૭ ટકા, રેનેસા ગ્લોબલ ૨.૮ ટકા, એશિયન સ્ટાર ૬.૭ ટકા, ઇચંત્રા વેન્ચર્સ પાંચ ટકા, ટાઇટન પોણો ટકો, પીસી જ્વેલર્સ પોણો ટકો, રાજેશ એક્સપોર્ટ્સ દોઢ ટકા ઘટ્યા છે. થંગ‌મિયલ પોણો ટકો વધી ૧૮૨૨ થઈ છે.

નબળાં પરિણામ સાથે નફામાંથી ખોટમાં સરી પડેલી પ્રિન્સ પાઇપ્સ ૨૮૨ની નવી મલ્ટિયર બૉટમ બનાવી સવાબે ટકા ઘટી ૨૮૭ રહી છે. એસ્ટ્રલ લિમિટેડ પણ ૧૩૬૬ની માર્ચ ૨૦૨૩ પછીની નીચી સપાટી નોંધાવી દોઢ ટકા બગડી ૧૩૭૪ હતી. બીજી જુલાઈના રોજ ભાવ ૨૪૫૪ નજીકની સર્વોચ્ચ સપાટીએ જોવાયો હતો. તાજેતરમાં ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયેલી ડૉ. અગરવાલ હેલ્થકૅર સુધારાની આગેકૂચમાં ૪૬૪ના બેસ્ટ લેવલે જઈ ૫.૮ ટકાની મજબૂતીમાં ૪૪૯ હતી. મુથૂટ ફાઇનૅન્સે બાવીસ ટકાના વધારામાં ૧૩૯૨ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવતાં શૅર ૨૩૩૫ની ટૉપ બતાવી સવાછ ટકા ઊચકાઈ ૨૩૧૭ રહ્યો છે.

SBI કાર્ડ્સમાં મેકવાયર તરફથી ૧૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થતાં ભાવ સવાચાર ગણા વૉલ્યુમે ૮૬૭ના શિખરે જઈ સવાપાંચ ટકાના જોશમાં ૮૫૯ બંધ આવ્યો છે. શ્રી સિમેન્ટ્સ ૨૮,૭૩૪ની ટૉપ હાંસલ કરી સાધારણ ઘટાડે ૨૮,૧૩૦ હતો. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૫૭૮૭ રૂપિયા છે. બોનસનું ખાનું હજી ખાલી છે. બોનસ અને અથવા શૅરવિભાજનનો સમય પાકી ગયો છે.

નફામાં ૮૦ કરોડનો ઘટાડો નાટકો ફાર્માને ૪૩૫૭ કરોડમાં પડ્યો

નાટકો ફાર્માનો ત્રિમાસિક નફો ૩૮ ટકા ઘટી ૧૩૨ કરોડ આવ્યો છે, એમાં શૅર ૧૩ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની નીચલી સર્કિટમાં ૯૭૩ બંધ થયો છે. સાદી ભાષામાં કહીએ તો કંપનીને ત્રિમાસિક નફામાં થયેલો ૮૦ કરોડ રૂપિયાનો ઘટાડો ૪૩૫૭ કરોડ રૂપિયામાં પડ્યો છે. માર્કેટકૅપ આટલું ઘટી હવે ૧૭,૪૩૪ કરોડ રહ્યું છે. ભારત ફોર્જ પણ નબળાં પરિણામમાં ૧૦૪૭ની વર્ષની બૉટમ બતાવી અઢી ટકા ઘટી ૧૦૭૮ થયો છે. મામા અર્થવાળી હોનાસા કન્ઝ્યુમરનાં પરિણામમાં કશું વાઉ ફૅક્ટર નથી. આવક છ ટકા વધી છે, નફો અગાઉના લેવલે ૨૬ કરોડે ફ્લૅટ રહ્યો છે. આમ છતાં શૅર ૧૧ ગણા કામકાજે સાડાબાર ટકા ઊછળી ૨૩૦ વટાવી ગયો છે. ફીનોલેક્સ કેબલ્સ લગભગ ૧૫ ટકા કે ૧૩૧ની તેજીમાં ૧૦૧૪ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર હતો. ઑર્ચિડ ફાર્મા ૧૨ ગણા કામકાજમાં ૧૫ ટકા કે ૧૮૪ના કડાકામાં ૧૦૫૦ રહ્યો છે.

દરમ્યાન સાંગલી ખાતેની ક્વૉલિટી પાવર ૧૦ના શૅરદીઠ ૪૨૫ની અપર બૅન્ડમાં ૬૩૪ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ આશરે ૮૫૯ કરોડનો ઇશ્યુ આજે કરવાની છે. QIB પોર્શન ૭૫ ટકા હોવાથી રીટેલ માટે ૧૦ ટકા છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમની શરૂઆત ૧૩૫થી થઈ હતી. રેટ ઘસાતો રહી હાલ ૧૬ રૂપિયા થઈ ગયો છે. હેક્સાવેર ટેક્નૉલૉજીઝનો એકના શૅરદીઠ ૭૦૮ના ભાવનો ૮૭૫૦ કરોડનો અતિ મોંઘો ઇશ્યુ અત્યાર સુધીમાં નબળા રિસ્પૉન્સમાં ફક્ત ૧૬ ટકા ભરાયો છે. પ્રીમિયમ બે-ત્રણ આસપાસની ધારણામાંથી ગબડી હાલ ફક્ત એક રૂપિયો મુકાય છે. શૅરદીઠ ૧૧૧ના ભાવવાળી એમ્વીક હેલ્થકૅર ૯૪ ખૂલી ૯૮ નજીક બંધ થતાં અત્રે શૅરદીઠ ૧૩ રૂપિયાની લિસ્ટિંગ લૉસ ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2025 07:32 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK