આખા ઘરમાં નિરાંતનો અનુભવ થાય એવી જગ્યા એટલે તમારો બેડરૂમ. આ સ્થાનને રિલૅક્સિંગ વાઇબ મળે એ માટે ડેકોરની સાથે બીજી અમુક ચીજોનું ધ્યાન રાખવું જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
કામની વ્યસ્તતા વચ્ચે ઘરનો એક એવો ખૂણો હોવો જોઈએ જ્યાં તમને સંપૂર્ણ શાંતિ અને રાહત મળે. દિવસભરના થાક અને તનાવ પછી નિરાંતનો શ્વાસ લેવાનું તમારું અંગત આશ્રયસ્થાન એટલે બેડરૂમ. આ જગ્યાનું ડેકોર અને વાતાવરણ તમારા મૂડ અને ઊંઘની ગુણવત્તા પર સીધી અસર કરે છે. જો તમે પ્રવેશતાંની સાથે જ પૉઝિટિવિટીનો અનુભવ થાય એવું ઇચ્છો તો ડેકોરની કેટલીક નાની-મોટી ટિપ્સ ધ્યાનમાં રાખો.
ડેકોરનું કલર-કનેક્શન
ADVERTISEMENT
માઇન્ડને રિલૅક્સ ફીલ કરાવવાનું સૌથી મોટું કનેક્શન કલર્સ સાથે છે તેથી બેડરૂમમાં કૂલ કલર્સની પસંદગી કરો. પેસ્ટલ ગ્રીન, લૅવેન્ડર, સૉફ્ટ ગ્રે અથવા ક્રીમ કે ઑફવાઇટ જેવા ન્યુટ્રલ કલર્સ મનને શાંતિ આપે છે અને સકારાત્મક ફીલ કરાવે છે. એટલે બેડરૂમની દીવાલોમાં બ્રાઇટ અને વાઇબ્રન્ટ કલર્સ કરવાનું ટાળવું. બેડરૂમમાં વધારે પડતો ફેલાયેલો સામાન માઇન્ડને શાંત કરવાને બદલે બેચેન કરે છે. વસ્તુને સ્ટોર કરવા માટે ડ્રૉઅરવાળાં નાઇટ સ્ટૅન્ડ, બેડની નીચે સ્ટોરેજ બૉક્સ અથવા આકર્ષક બાસ્કેટનો ઉપયોગ કરવો. ‘ક્લીન સ્પેસ પ્રમોટ્સ ક્લિયર માઇન્ડ’ - આ નિયમને અપનાવીને જરૂરિયાત ન વર્તાય એવી ચીજવસ્તુઓને કાઢી નાખો અને એવું લાગે કે પછી કામમાં આવશે તો એને ન દેખાય એ રીતે બીજી જગ્યાએ સ્ટોર કરો.
આરામદાયક બેડ
ઘણી વાર એવું બને કે બેડરૂમની વાઇબ્સ બહુ સારી હોય પણ બેડ કમ્ફર્ટેબલ ન હોય તો મૂડ ખરાબ રહે છે, ઊંઘ નથી આવતી અને એને લીધે માઇન્ડ રિલૅક્સ થઈ શકતું નથી. તેથી બેડરૂમમાં સૌથી પહેલી પ્રાથમિકતા બેડની કમ્ફર્ટ હોવી જોઈએ. નરમ ગાદલાની સાથે ચાદર અને ઓશીકાં પણ એવાં જ યુઝ કરો. બેડરૂમની થીમ પ્રમાણે કૉન્ટ્રાસ્ટ કલર્સની ચાદર અને પડદા રાખો. સૉફ્ટ ટેક્સ્ચર તમારા કમ્ફર્ટ લેવલને વધારશે. ઇન્ડોર પ્લાન્ટ્સ કે મની ટ્રી રાખવાથી તમારો બેડરૂમ ફક્ત દેખાવમાં સારો નથી દેખાતો પણ એ હવાને શુદ્ધ કરીને શાંતિનો અનુભવ ફીલ કરાવે છે. શક્ય હોય તો ડેકોરમાં નૅચરલ એલિમેન્ટ્સ ઉમેરવાં જોઈએ. પ્લાન્ટ્સ ઉપરાંત નૅચરલ ફાઇબર, વાંસ કે લાકડાથી બનેલા ફર્નિચરનો સમાવેશ સારો રહેશે.
રિલૅક્સિંગ વાઇબ માટે આ પણ જરૂરી
વૉર્મ અને સૉફ્ટ એટલે કે પીળાશ પડતા અને ઍમ્બર ટોનની લાઇટ તમારા મૂડને સારો બનાવશે. એક ઓવરહેડ લાઇટને બદલે લેયરિંગ લાઇટ એટલે કે ટેબલ લૅમ્પ, ફ્લોર લૅમ્પ અથવા હેડબોર્ડની પાછળ LED સ્ટ્રાઇપ લાઇટ્સ તમારા બેડરૂમની વાઇબ્સને વધુ સારી બનાવશે.
સારી ઊંઘ માટે વિન્ડો પર બ્લૅકઆઉટ કર્ટન્સ અથવા શેડ્સનો ઉપયોગ કરો જેથી બહારનો પ્રકાશ અંદર આવતાં રોકી શકાય.
સુગંધ મનને શાંત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સેન્ટેડ કૅન્ડલ્સ, ડીફ્યુઝર અથવા રૂમ સ્પ્રેનો ઉપયોગ કરો. વૅનિલા, ચંદન અને લૅવેન્ડર જેવી સુગંધ મનને શાંતિ આપે એવી છે.
જો બહારનો અવાજ બેડરૂમમાં આવતો હોય તો શાંતિ જાળવવા વાઇટ નૉઇસ મશીન અથવા નેચરના સાઉન્ડ વગાડો. દીવાલ પર ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ અથવા નૅચરલ સીન્સવાળું આર્ટવર્ક તમને શાંતિ આપે છે.


