Mumbai Fire: મલાડ વેસ્ટમાં માઇન્ડસ્પેસ નજીક લિંક રોડ પર ફોર ડાયમેન્શન બિલ્ડિંગમાં આજે શુક્રવારે વહેલી સવારે આગ ભભૂકી ઊઠી હતી તેમ જ થાણે જિલ્લામાં ત્રણ દુકાનોમાં આગ લાગી હતી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાંથી આગનો હાદસો (Mumbai Fire) સામે આવ્યો છે. મલાડ વેસ્ટમાં માઇન્ડસ્પેસ નજીક લિંક રોડ પર ફોર ડાયમેન્શન બિલ્ડિંગમાં આજે શુક્રવારે વહેલી સવારે આગ ભભૂકી ઊઠી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)ને શુક્રવારે રાત્રે 12:47 વાગ્યે આ વિશેની માહિતી મળી હતી. ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે લેવલ-2ની આ આગ પાંચમા માળે કોલ સેન્ટર યુનિટમાં લાગી હતી. જે આશરે 15,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી હતી. આ આગમાં વીજ વાયરિંગ અને ઇન્સ્ટોલેશન, લાકડાનું ફર્નિચર, પાર્ટીશનો, છત, કમ્પ્યુટર્સ, એસેસરીઝ અને સર્વર રૂમને નુકસાન થયું હતું.
આગ (Mumbai Fire)ની જાણ થતાં જ સાત ફાયર એન્જિન, એક ક્વિક રિસ્પોન્સ વેન, ચાર જમ્બો ટેન્કર, બે એક્સ્ટ્રા પાણીના ટેન્કર, બે ટર્નટેબલ સીડી, એક એરિયલ લેડર પ્લેટફોર્મ, એક રેસ્ક્યુ વેન અને 108 એમ્બ્યુલન્સ વગેરે ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. ઘટના સ્થળે વરિષ્ઠ અધિકારીઓમાં એક નાયબ ફાયર અધિકારી, બે સહાયક વિભાગીય ફાયર અધિકારી અને ચાર વરિષ્ઠ સ્ટેશન અધિકારીઓ પહોંચી ગયા હતા. આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આશરે સવારે 9:00 વાગ્યે આ આગ સંપૂર્ણપણે ઓલવી દેવામાં આવી હતી. આ હાદસામાં કોઈ ઈજાના અહેવાલ નથી. હાલ અગ્નિશામક દળોએ સલામતીના ભાગરૂપે ઘટનાસ્થળ પર દેખરેખ ચાલુ રાખી છે.
ADVERTISEMENT
થાણેમાં કેટલાક ગાળામાં આગ લાગી
એક અન્ય આગના બનાવ (Mumbai Fire) વિશે વાત કરીએ તો આજે શુક્રવારે વહેલી સવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ત્રણ દુકાનોમાં આગ લાગી હતી, જોકે, ૪૦ મિનિટની અંદર તેને બુઝાવી દેવામાં આવી હતી. અહેવાલો અનુસાર દિવા વિસ્તારના જીવદાની નગરમાં કેટલાક ગાળામાં આ આગ લાગી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીના જણાવ્યા અનુસાર કોઈ ઈજાના અહેવાલ નથી. ફાયર કંટ્રોલ રૂમને વહેલી સવારે 3:07 વાગ્યે આ ઘટના વિશે ફોન આવ્યો હતો. જે ગાળામાં આગ લાગી ત્યાં પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓ સંગ્રહિત કરવામાં આવી હતી. માહિતી મળતાં જ અગ્નિશામકોને તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા અને અગ્નિશામક કામગીરી દરમિયાન કોઈ પણ વિદ્યુત સંકટ ન આવે તે માટે સ્થાનિક વીજળી વિતરકના કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અહેવાલો અનુસાર લગભગ 3:45 વાગ્યે તો આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. તડવીએ ઉમેર્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ પણ તપાસ હેઠળ છે.
તમને જણાવી દઈએ કે પૂણે શહેર અને બાજુના શહેર પિંપરી-ચિંચવાડમાં આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન આગની ઘટનાઓમાં ભયજનક વધારો (Mumbai Fire) જોવા મળ્યો હતો, જોકે સદભાગ્યે, કોઈ ઈજા કે જાનહાનિ નોંધાઈ ન હતી. લક્ષ્મી પૂજન અને દિવાળી પડવાના છેલ્લા બે દિવસમાં પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી)માં આગની ૬૫ ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી)ની હદમાં આગના હાદસાના ૧૭ કેસ નોંધાયા હતા.

