ધિરાણનીતિ બાદ સેન્સેક્સ નીચલા મથાળેથી ૧૧૬૦ પૉઇન્ટ વધી છેવટે ૭૪૭ પૉઇન્ટની મજબૂતીમાં ૮૨,૧૮૯ બંધ, નિફ્ટી ૨૫૨ પૉઇન્ટના જમ્પમાં ૨૫,૦૦૩ થયો : રેટ સેન્સિટિવ સેક્ટર્સમાં રિયલ્ટી, બૅન્કિંગ, ફાઇનૅન્સ અને ઑટોમાં ઝમક જોવાઈ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- ડિફેન્સ પ્રૉફિટ-બુકિંગમાં આવ્યું, IT માર્કેટ અન્ડરપર્ફોર્મર બન્યું
- આર્થિક ફન્ડામેન્ટલ્સ જોતાં બજારમાં રેટ-કટની તેજીનો ઊભરો ઝડપથી શમી જવાની શક્યતા
- ન્યુલૅન્ડ લૅબમાં ૧૨૮૩ની તેજી, હિટાચી એનર્જીમાં ૧૩૨૦નું ગાબડું
રિઝર્વ બૅન્કની આ વેળાની ધિરાણનીતિનો સંદેશ બહુ સાફ છે. બચત કરવાનું છોડી દો, જ્યાંથી પણ મળે ત્યાંથી નાણાં લઈ ખર્ચ કરો, ઘરનાં ઘરેણાં ગિરવે મૂકો, પણ દિલ ખોલીને જલસા કરો બાપુ. વેપાર-ધંધાની બહુ ચિંતા ના કરશો, બજાર બધું સંભાળી લેશે. સ્ટૉક માર્કેટ ધમધમતું રહેશે તો બધું થઈ રહેશે, ખેલો ઇન્ડિયા ખેલો. રેપો-રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો થવાની ધારણા હતી ત્યાં રિઝર્વ બૅન્કે સીધો અડધા ટકાનો ઘટાડો આપી દીધો છે. રેટ-કટની હૅટ-ટ્રિકમાં વ્યાજદર કુલ મળીને હવે એક ટકા ઘટી ગયો છે. પિન્ક મીડિયા અને ચેનલિયા વિશ્વેષકો કહે છે : બહુ સરસ, આનંદો. તમારી હોમ લોન, વાહન લોન, પર્સનલ લોન સહિતનાં તમામ ધિરાણ હવે સસ્તાં થઈ જશે. EMIનો બોજ ઘટી જશે કેટલો? તો કહે છે કે જો તમે ૫૦ લાખ રૂપિયાની હોમ લોન ૨૦ વર્ષ માટે વાર્ષિક સાડાઆઠ ટકાના દરે લીધી હોય તો મન્થલી EMI ૪૩,૩૯૧ રૂપિયા આવે છે એ રેપો-રેટમાં અડધા ટકાના ઘટાડા બાદ વ્યાજદર આઠ ટકા ગણતાં ઘટીને હવે માસિક ૪૧,૮૨૨ રૂપિયા થઈ જશે. મતલબ કે મહિને ૧૫૬૯ રૂપિયાની રાહત થઈ. અહીં સૌથી મોટો સવાલ એ છે કે બૅન્કો હોમ લોનમાં રેપો-રેટના ઘટાડા જેટલો ઘટાડો કરશે ખરી? અગાઉ બે તબક્કે કુલ મળીને રેપો-રેટમાં જે અડધા ટકાનો ઘટાડો રિઝર્વ બૅન્ક કરી ચૂકી છે એમાંથી બૅન્કોએ ગ્રાહકોને ખરેખર કેટલો લાભ આપ્યો છે?
એની તો વાત કરો બબૂચકો, અડધા ટકાના રેપો-રેટમાં ઘટાડા સામે બૅન્કોએ ધિરાણદરમાં મહત્તમ અડધો જ, ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. સામે થાપણ-દરમાં આનાથી મોટો ઘટાડો કરી નાખ્યો છે. આ જ વાત નવા રેટ-કટમાં લાગુ પડવાની છે. રેટ-કટનો સૌથી વધુ લાભ બૅન્કરો ઘરભેગો કરવાના છે. લોન લેનારાને તો થોડીક જ રાહત મળશે, થાપણદારોનાં ખિસ્સાં રીતસર કપાઈ જશે.
ADVERTISEMENT
શાયલોકનું બીજું નામ બૅન્કર્સ છે એ યાદ રાખજો?
રિઝર્વ બૅન્કે રેપો-રેટમાં ધારણાથી મોટા ઘટાડાની સાથે-સાથે CRR કે કૅશ રિઝર્વ રેશિયોમાં ચાર તબક્કે કુલ મળીને એક ટકાનો ઘટાડો જાહેર કર્યો છે જે સાવ અણધાર્યો છે. આનાથી બૅન્કોની ધિરાણક્ષમતામાં અઢી લાખ કરોડ રૂપિયાનો વધારો થવાની ગણતરી છે. આ ઉપરાંત ગોલ્ડ લોન ઉદાર બનાવી છે. અઢી લાખ રૂપિયા સુધીની ગોલ્ડ લોનના કિસ્સામાં ક્રેડિટ એપ્રિઝલની જોગવાઈ રદ કરાઈ છે અને માર્કેટ વૅલ્યુના ૭૫ ટકાને બદલે ૮૫ ટકા સુધીની લોન આપવાની છૂટ અપાઈ છે. સ્મૉલ બૉરોઅર્સ માટે ધિરાણસુવિધા ઉદાર બનાવવી પડે એનો અર્થ એ થયો કે નાના માણસો, લોઅર-મિડલક્લાસ આર્થિક દૃષ્ટિએ ભારે સંકડામણમાં છે. બૅન્કોનો ધિરાણ વૃદ્ધિનો દર ગયા વર્ષે ગગડીને સાડાનવ ટકા થઈ ગયો છે. ઔદ્યોગિક વિકાસદર ખાડે ગયેલો છે. નવું મૂડીરોકાણ લગભગ ઠપ્પ છે એટલે ઔદ્યોગિક ધિરાણની માગને મોટો ફટકો પડ્યો છે. સામે લોકો પાસે નારાબાજી કરી નાચવા સિવાય બીજો કોઈ કામધંધો નથી. બેકારી વકરતી જાય છે. આવક અને ખર્ચમાં ઉધારપાસું વધુ ને વધુ નમતું જાય છે. એટલે પર્સનલ લોનની ડિમાન્ડમાં જબરો વધારો થયો છે. આ સંજોગોમાં રેટ-કટનું રિઝર્વ બૅન્કનું પગલું આર્થિક વિષમતા અને વિકૃતિને વધુ વકરાવશે, રિયલ ગ્રોથને આનાથી કશો લાભ થવાનો નથી.
બૅન્ક નિફ્ટી અને ફાઇનૅન્સ ઇન્ડેક્સ નવા બેસ્ટ લેવલે ગયા
સેન્સેક્સ શુક્રવારે ફ્લૅટ, આગલા બંધથી ૮ પૉઇન્ટ જેવા ઘટાડે ૮૧,૪૩૪ ખૂલી નીચામાં ૮૧,૧૪૦ થયો હતો. ધિરાણનીતિની જાહેરાત પહેલાં માર્કેટ લગભગ માઇનસ ઝોનમાં જ રહ્યું હતું એ ધિરાણનીતિના જોરમાં ઉપરમાં ૮૨,૩૦૦ નજીક જઈ છેવટે ૭૪૭ પૉઇન્ટ વધી ૮૨,૧૮૯ બંધ થયું છે. નિફ્ટી ઉપરમાં ૨૫,૦૨૯ વટાવી છેલ્લે ૨૫૨ પૉઇન્ટ ઊંચકાઈ ૨૫,૦૦૩ દેખાયો છે. સેન્સેક્સ નિફ્ટીની એકાદ ટકા જેવી આગેકૂચ સામે બ્રૉડર માર્કેટ એક ટકા નજીક, મિડકૅપ પોણા ટકાથી વધુ તથા સ્મૉલ કૅપ ૦.૪ ટકા પ્લસ હતું. નિફ્ટી મીડિયા ૧.૧ ટકા અને કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સાધારણ નરમ હતો. બાકીનાં તમામ સેક્ટરલ વધ્યાં છે. રેટ સેન્સિટિવ સેક્ટર્સમાં રિયલ્ટી ઇન્ડેક્સ સર્વાધિક પોણાપાંચ ટકા ઊછળ્યો છે. એના દસેદસ શૅર વધેલા હતા. બૅન્ક નિફ્ટી ૫૬,૬૯૫ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૨માંથી ૧૧ શૅરની મજબૂતીમાં દોઢ ટકા કે ૮૧૭ પૉઇન્ટના જમ્પમાં ૫૬,૫૭૮ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅરના સુધારે અડધો ટકો અપ હતો. બૅન્કિંગના ૪૧માંથી ૩૨ શૅર વધ્યા છે. ઉજ્જીવન બૅન્ક ૭.૫ ટકા, IDFC ફર્સ્ટ બૅન્ક સાત ટકા, RBL બૅન્ક ૫.૧ ટકા, ડીસીબી બૅન્ક અને એયુબૅન્ક ૪ ટકા મજબૂત હતા. ફાઇનૅન્સ બેન્ચમાર્કે ૧૨,૪૮૦ નજીક નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૧.૮ ટકાની તેજીમાં ૧૨,૭૧૦ બંધ આવ્યો છે. એના ૧૫૭માંથી ૧૨૮ શૅર પ્લસ હતા. ઑટો ઇન્ડેક્સ ૧૮માંથી ૧૫ શૅરના સથવારે દોઢ ટકા કે ૭૮૬ પૉઇન્ટ વધી ૫૩,૦૯૪ રહ્યો છે. FMCG ઇન્ડેક્સ ૦.૨ ટકા જેવો મામૂલી સુધર્યો છે. અન્યમાં મેટલ ઇન્ડેક્સ દોઢ ટકા વધ્યો છે. એના તમામ ૧૨ શૅર વધેલા હતા. પાવર, ઑઇલ-ગૅસ, યુટિલિટીઝ ઇન્ડેક્સ પોણાથી એક ટકો પ્લસ હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક સવા ટકો સુધર્યો છે. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૯ શૅરની મજબૂતીમાં પોણાબે ટકા પ્લસ થયો છે. ડિફેન્સ ઇન્ડેક્સ ૯૧૯૫ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૧૮માંથી ૧૫ શૅરના ઘટાડામાં પોણાબે ટકા બગડી ૮૯૧૯ બંધ થયો છે.
MCXમાં ૩૧૭ની તેજી, ગોલ્ડ લોન કંપનીઓ લાઇમલાઇટમાં
ગોદરેજ ઇન્ડ. ૧૩૯૧ના શિખરે જઈને ૧૭૩ રૂપિયા કે સાડાચૌદ ટકાની તેજીમાં ૧૩૫૯ બંધ આપી એ-ગ્રુપમાં ઝળક્યો છે. ન્યુલૅન્ડ લૅબ ૧૯ ગણા કામકાજે ૧૧ ટકા કે ૧૨૮૩ના ઉછાળે ૧૩,૦૩૭ હતો. આદિત્ય બિરલા રિયલ્ટી સાડાનવ ટકાના જમ્પમાં ૨૦૨ વધી ૨૩૫૯ વટાવી ગયો છે. રામક્રિશ્ના ફોર્જિંગ સવાનવ ટકા અને ચોલા મંડલમ ફાઇનૅન્સ સાડાઆઠ ટકા મજબૂત હતો. હિટાચી એનર્જી પોણાસાત ટકા કે ૧૩૨૦ના કડાકામાં ૧૮,૧૯૦ બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. આઝાદ એન્જિનિયરિંગ ૫.૯ ટકા, અવાન્ટેલ પોણાછ ટકા અને જ્યોતિ સીએનસી સવાપાંચ ટકા બગડ્યો છે. ઝેન ટેક્નૉલૉજી પાંચ ટકાની નીચલી સર્કિટે ૨૦૮૪ રહ્યો છે.
તાતા કૅપિટલના IPOના પડઘમ વાગતાં તાતા ઇન્વેસ્ટમેન્ટ છગણા કામકાજે ૭૧૫૦ની ઇન્ટ્રા-ડે હાઈબાદ ૨.૯ ટકા કે ૧૯૧ વધી ૬૯૨૫ બંધ થયો છે. રિઝર્વ બૅન્કે ગોલ્ડ લોનનાં ધોરણ ઉદાર બનાવતાં મુથૂટ કૅપિટલ સાડાચાર ટકા, મુથૂટ ફાઇનૅન્સ સવાસાત ટકા, મનપ્પુરમ ફાઇનૅન્સ પોણાછ ટકા, IIFL ફાઇનૅન્સ સવાપાંચ ટકા ઊંચકાઈ છે. રોકડામાં ક્રેબ્સ બાયોકૅમ ૨૦ ટકાની તેજીની
સર્કિટમાં ૯૬ રૂપિયા બંધ રહ્યો છે. કેપીટી ઇન્ડ્સ્ટ્રીઝ, અજકોન ગ્લોબલ, ટીવીએસ ઇલેક્ટ્રૉનિક્સમાં પણ ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગેલી હતી.
BSE લિમિટેડ ૨૯૮૫ની નવી ટૉપ બનાવી પોણા ટકાની આગેકૂચમાં ૨૯૩૩ વટાવી ગયો છે. MCX બળુકી તેજીના અણસાર આપતાં ૭૫૩૦ના બેસ્ટ લેવલે જઈને ૩૧૭ રૂપિયા કે સાડાચાર ટકા ઊછળી ૭૪૨૦ નજીક બંધ આવ્યો છે. કોચિન શિપયાર્ડ પોણા બે ટકા વધ્યો છે. ગાર્ડન રિચ પ્રૉફિટ-બુકિંગમાં પોણાપાંચ ટકા કે ૧૬૦ રૂપિયા અને માઝગાવ ડોક પોણો ટકો ઘટી હતી.
સારા બજારમાં થ્રી-બી ફિલ્મ્સનું નબળું લિસ્ટિંગ
ગુજરાતના બરોડાની થ્રી-બી ફિલ્મ્સ ૧૦ના શૅરદીઠ ૫૦ની ઇશ્યુ પ્રાઇસ સામે સારા બજારમાં પણ ડિસ્કાઉન્ટમાં ૪૮.૫૦ ખૂલી પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૪૬ બંધ થતાં અત્રે પોણાઆઠ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. ગુજરાતના શાપર વેરાવળ ખાતેની ગંગા બાથ ફિટિંગ્સનો ૧૦ના શૅરદીઠ ૪૯ની અપર બૅન્ડમાં ૩૨૬૫ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૧.૬ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે.
સોમવારે નવી દિલ્હીની ફ્રૅગ્રન્સ ઍન્ડ ફ્લેવર્સ બિઝનેસમાં પ્રવૃત્ત સાચી રોમ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૦૨ની અપર બૅન્ડમાં ૬૧૬૨ લાખનો NSE SME IPO કરવાની છે. ગ્રેમાર્કેટમાં ૨૧થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં પચીસ રૂપિયા જેવું બોલાય છે. મંગળવારે નવી દિલ્હીની જ જૈનિક પાવર ઍન્ડ કેબલ્સ ૧૦ના શરેદીઠ ૧૧૦ની અપર બૅન્ડમાં ૫૧૩૦ લાખ રૂપિયાનો NSE SME IPO કરવાની છે, ગ્રેમાર્કેટમાં કામકાજ શરૂ થયું નથી.
અન-લિસ્ટેડ માર્કેટમાં તાતા કૅપિટલનો ભાવ વધીને હાલ ૧૦૪૫ બોલાય છે જે ૨૧ મેના રોજ ૯૨૫ હતો, ફેસવૅલ્યુ ૧૦ની છે, હાલના ભાવે માર્કેટકૅપ ૪,૦૪,૩૫૫ કરોડનું બેસે છે. HDB ફાઇનૅન્સનો રેટ ૧૧૯૯ના લેવલે ટકેલો છે, ૨૧ મેના રોજ એ ૯૫૫ હતો. NSEનો શૅર પણ ૨૩૩૩ના લેવલે યથાવત્ છે. મહિના પહેલાં એ ૧૫૯૯ હતો. વિક્રમ સોલરના ૪૪૦ ક્વોટ થઈ રહ્યા છે, ૨૩ મેના રોજ ૩૮૦ ચાલતા હતા.
HDFC બૅન્ક નવી ટોચ સાથે દેશની નંબર-ટૂ મોટી કંપની
પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં ગઈ કાલે NSEમાં વધેલા ૧૬૭૩ શૅરની સામે ૧૨૨૯ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૩.૬૨ લાખ કરોડના ઉમેરામાં ૪૫૧.૧૩ લાખ કરોડ વટાવી ગયું છે. સેન્સેક્સના ૩૦માંથી વધેલા ૨૮ શૅરમાં બજાજ ફાઇનૅન્સ પાંચ ટકાની તેજીમાં ૪૪૭ રૂપિયા ઊછળી ૯૩૮૦ના બંધમાં મોખરે હતો, બજારને ૧૦૦ પૉઇન્ટ ફળ્યો છે. HDFC બૅન્ક ૧૯૯૬ના બેસ્ટ લેવલે જઈને દોઢેક ટકો વધી ૧૯૭૯ના બંધમાં સેન્સેક્સને સર્વાધિક ૧૮૩ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. નિફ્ટી ખાતે ૫૦માંથી વધેલા ૪૫ શૅરમાં શ્રીરામ ફાઇનૅન્સ ૫.૭ ટકાની તેજીમાં ૬૮૮ બંધ આપી મોખરે હતો. મેઇન બેન્ચમાર્ક ખાતે વધેલા અન્ય શૅરમાં ઍક્સિસ બૅન્ક ત્રણ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૨.૪ ટકા, કોટક બૅન્ક ૧.૬ ટકા, સ્ટેટ બૅન્ક પોણો ટકો વધી સેન્સેક્સને કુલ ૧૬૩ પૉઇન્ટ લાભદાયી નીવડી છે. મારુતિ સુઝુકી ૩૨૦ રૂપિયા કે અઢી ટકા, બજાજ ફિનસર્વ સવાબે ટકા, એટર્નલ ૨.૨ ટકા, મહિન્દ્ર તથા તાતા સ્ટીલ બે ટકા, ટાઇટન દોઢ ટકો, JSW સ્ટીલ પોણાચાર ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૪ ટકા, હીરો મોટોકૉર્પ ૨.૧ ટકા, હિન્દાલ્કો બે ટકા, ટ્રેન્ટ પોણાબે ટકા, આઇશર દોઢ ટકો મજબૂત હતો. માર્કેટ લીડર રિલાયન્સ નામ પૂરતો સુધરી ૧૪૪૩ રહ્યો છે. ઇન્ફોસિસ અડધા ટકાથી વધુ તો ટીસીએસ અડધા ટકા નજીક પ્લસ હતો.
ભારતી ઍરટેલ ૦.૪ ટકા ઘટી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બન્યો છે. HDFC લાઇફ પોણા ટકાથી વધુની નરમાઈમાં ૭૫૫ બંધ આપી નિફ્ટીમાં ટૉપલૂઝર બન્યો છે. ભારત ઇલે. પોણા ટકાના ઘટાડે ૩૯૧ નજીક જોવાયો છે. તાતા સ્ટીલ NSEમાં સામાન્ય ઘટાડે ૧૫૭ હતો. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૭૩૮ પૉઇન્ટ કે ૦.૯ ટકા તથા નિફ્ટી ૨૫૨ પૉઇન્ટ કે એક ટકો વધીને બંધ થયો છે. HDFC બૅન્ક હાલ ૧૫.૧૬ લાખ કરોડના માર્કેટકૅપ સાથે રિલાયન્સ પછી ટૉપની બીજા નંબરની વૅલ્યુએબલ કંપની બની ગઈ છે.

