બજારને વધારનારું મોટું પરિબળ એટલે અમેરિકામાં બિટકૉઇનને વ્યૂહાત્મક અનામત રાખવા માટે અપાયેલી મંજૂરી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શુક્રવારનો દિવસ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં અસાધારણ રહ્યો હતો. સકારાત્મક ઘટનાઓને પગલે બિટકૉઇન ફરી એક વાર એક લાખ ડૉલરનો ભાવ વટાવી ગયો હતો અને સમગ્ર ક્રિપ્ટો માર્કેટનું કૅપિટલાઇઝેશન ત્રણ ટ્રિલ્યન ડૉલર કરતાં વધારે થઈ ગયું હતું.
બજારને વધારનારું મોટું પરિબળ એટલે અમેરિકામાં બિટકૉઇનને વ્યૂહાત્મક અનામત રાખવા માટે અપાયેલી મંજૂરી. દેશનાં બે રાજ્યોમાં બિટકૉઇનની વ્યૂહાત્મક અનામત રાખવા દેવા માટેનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. બીજી બાજુ, બિટકૉઇન ઇટીએફમાં સંસ્થાગત રોકાણ વધ્યું છે અને અમેરિકાની બૅન્કોએ ક્રિપ્ટોકરન્સી ઍસેટ્સમાં ટ્રેડિંગ અને ક્રિપ્ટોની કસ્ટડી માટે મંજૂરી આપી દીધી છે. આ પ્રોત્સાહક ઘટનાઓ ઉપરાંત યુનાઇટેડ કિંગડમ સાથે કરેલો વેપારસંબંધી કરાર પણ બજારને વધારનારું પરિબળ બન્યો છે.
ADVERTISEMENT
આ લખાઈ રહ્યું છે ત્યારે શુક્રવારે સાંજે ક્રિપ્ટો માર્કેટનું કૅપિટલાઇઝેશન ૬.૧૯ ટકા વધીને ૩.૨૮ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું હતું. બિટકૉઇનમાં ૩.૧૩ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૧,૦૨,૯૧૨ ડૉલર થઈ ગયો હતો. ઇથેરિયમમાં ૧૬.૯૬ ટકા વધારો થઈને ૨૩૨૫ ડૉલરનો ભાવ થઈ ગયો હતો. એક્સઆરપીમાં ૬.૩૪, બીએનબીમાં ૨.૯૯, સોલાનામાં ૭.૯૧, ડોઝકૉઇનમાં ૯.૪૨, કાર્ડાનોમાં ૭.૯૭, ટ્રોનમાં ૪.૮૦ અને અવાલાંશમાં ૧૧.૪૮ ટકા વધારો નોંધાયો હતો.

