ખાધાખોરાકીની ચીજવસ્તુઓના ભાવ પોણાબે ટકા ઘટ્યા હોવાનો દાવો : નફામાં ૯૪ ટકાનું ગાબડું પડતાં પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ બે વર્ષના તળિયે
પ્રતીકાત્મક તસવીર
સરકારી આંકડા પ્રમાણે જુલાઈમાં ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવો ૧.૫૫ ટકાની આઠ વર્ષની નીચી સપાટીએ : ખાધાખોરાકીની ચીજવસ્તુઓના ભાવ પોણાબે ટકા ઘટ્યા હોવાનો દાવો : નફામાં ૯૪ ટકાનું ગાબડું પડતાં પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ બે વર્ષના તળિયે : પરિણામના જોરમાં યાત્રા ઑનલાઇન બૅક-ટુ-બૅક ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ગઈ : બ્લુસ્ટોન જ્વેલરીમાં બીજા દિવસના અંતે ૫૪ ટકા પ્રતિસાદ, પ્રીમિયમ તૂટીને અઢી રૂપિયે : રીગલ રિસોર્સિસનો IPO પ્રથમ દિવસે જ પોણાછ ગણો છલકાયો
દુનિયાઆખીને પાઠ ભણાવવા ઉતાવળા બનેલા ટ્રમ્પ હાલમાં ચાઇનાને નારાજ કરવા તૈયાર નથી. ચાઇના પર ટૅરિફનો નવો બોજ લાદવાને બદલે વર્તમાન સ્થિતિ વધુ ત્રણ મહિના માટે યથાવત્ રાખવાની જાહેરાત કરી છે એ આનો પુરાવો છે. ગઈ કાલે એશિયા ખાતે જૅપનીઝ નિક્કી ૪૨૯૯૯ ઉપર નવું શિખર હાંસલ કરી સવાબે ટકાની મજબૂતીમાં ૪૨૭૬૦ બંધ થયો છે. ઇન્ડોનેશિયન માર્કેટ સવાબે ટકા નજીક, ચાઇના અડધો ટકો, હૉન્ગકૉન્ગ અને તાઇવાન નજીવા પ્લસ હતા. સાઉથ કોરિયા અડધો ટકો અને સિંગાપોર સામાન્ય નરમ હતું. થાઇલૅન્ડ રજામાં હતું. યુરોપ પણ રનિંગમાં સાધારણથી અડધો ટકો ઉપર ચાલતું હતું. બિટકૉઇન અતિ સાંકડી વધ-ઘટે અથડાતો રહી ૧૧૯૦૦૮ દેખાયો છે. બ્રેન્ટ ક્રૂડ ૬૭ ડૉલર નજીક મક્કમ રહ્યું છે. પાકિસ્તાની શૅરબજાર ૧૪૬૯૩૦ના આગલા બંધ સામે મંગળવારે ૧૪૭૯૭૭ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી રનિંગમાં ૧૯૮ પૉઇન્ટ વધીને ૧૪૭૧૨૭ હતું. ૧૪ ઑગસ્ટે પાકિસ્તાન એનો ૭૯મો આઝાદ દિન દોઢ લાખના શૅર આંક સાથે મનાવે છે કે કેમ એ જોવું રહ્યું.
ADVERTISEMENT
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૯૬ પૉઇન્ટ નીચે, ૮૦૫૦૮ ખૂલી ૩૬૮ પૉઇન્ટ ઘટી ૮૦૨૩૫ તથા નિફ્ટી ૯૮ પૉઇન્ટની નરમાઈમાં ૨૪૪૮૭ બંધ થયો છે. દિવસ દરમ્યાન બેચેનીના મૂડમાં બજાર બેતરફી ઉપર-નીચે થતું રહ્યું હતું. શૅરઆંક ઉપરમાં ૮૦૯૯૮ અને નીચામાં ૮૦૧૬૪ થયો હતો. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૪૨૨ શૅર સામે ૧૫૪૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૮૪૦૦૦ કરોડ ઘટીને ૪૪૩.૩૦ લાખ કરોડ થયું છે. બહુમતી સેક્ટોરલ પ્લસ હતા; જેમાંથી ઑઇલ-ગૅસ, ઑટો, નિફ્ટી મીડિયા, નિફ્ટી ફાર્મા ૦.૬થી ૦.૭ ટકા વધ્યા હતા. સામે બૅન્ક નિફ્ટી, ફાઇનૅન્સ, બેન્કેક્સ, કૅપિટલ ગુડ્સ, રિયલ્ટી જેવા બેન્ચમાર્ક પોણા ટકાની આસપાસ ડાઉન હતા.
તાજેતરમાં લિસ્ટેડ થયેલી NSDL પરિણામ પૂર્વે ઉપરમાં ૧૩૫૩ નજીક જઈ સવા ટકો સુધરી ૧૨૮૯ હતી. CDSL દોઢ ટકો ઘટી છે. બલરામપુર ચીનીનો નફો ૨૬ ટકા ઘટીને બાવન કરોડ થયો છે, પણ શૅર અડધો ટકો વધી ૫૫૫ હતો. નાટકો ફાર્માનો નફો ૨૮ ટકા ઘટીને ૪૮૧ કરોડ નોંધાયો છે. શૅર માત્ર સવા ટકાની નરમાઈમાં ૮૮૮ બંધ રહ્યો છે. ૬૩ મૂન્સ પરિણામ પૂર્વે સુધારાની ચાલ આગળ ધપાવતાં ઉપરમાં ૯૬૮ વટાવી પોણો ટકો વધી ૯૪૬ હતી. નાયકા રિઝલ્ટ પૂર્વે અડધો ટકો સુધરી ૨૦૫ હતી. મામા અર્થવાળી હોનાસા કન્ઝ્યુમર પણ પરિણામ પૂર્વે ૧.૪ ટકા સુધરી ૨૭૦ રહી છે. MRFનો નફો ૧૪ ટકા ઘટી ૪૮૪ કરોડ થયો છે. શૅર ૦.૯ ટકા કે ૧૨૨૫ રૂપિયાની નરમાઈમાં ૧૪૦૮૦૦ હતો.
ભારત ડાયનૅમિક્સ પરિણામ પૂર્વે બે ટકા બગડી ૧૪૮૫ બંધ હતો. કંપનીએ ૧૫૪ ટકાના વધારામાં ૧૮ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવ્યો છે. રેલ વિકાસ નિગમે ૪૧ ટકાના ઘટાડે સ્ટૅન્ડઅલોન પ્રૉફિટમાં બનાવતાં શૅર નીચામાં ૩૨૨ થઈ ચાર ટકા ખરડાઈ ૩૨૯ બંધ હતો.
અલ્કેમ લૅબોરેટરીઝ પરિણામ પાછળ ૩૨૪ની તેજીમાં
ઝાયડ્સ લાઇફ દ્વારા આવકમાં ૬ ટકાના વધારા સામે ૩ ટકાના વૃદ્ધિદરમાં ૧૪૬૭ કરોડ ત્રિમાસિક નફો દર્શાવાયો છે. શૅર સાત ગણા કામકાજે ઉપરમાં ૯૬૯ અને નીચામાં ૯૪૮ થઈ ૯૫૬ના લેવલે ફ્લૅટ હતો. નફામાં ૧૦૮ ટકાના વધારા પાછળ આગલા દિવસે ૨૦ ટકા ઊછળેલી યાત્રા ઑનલાઇન ઉપરમાં ૧૩૮ વટાવી ૨૩ ગણા કામકાજે ૧૯.૫ ટકાની આગેકૂચમાં ૧૩૭ થઈ છે. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો નેટ પ્રૉફિટ ૯૪ ટકા ધોવાઈને ૫૩૪ લાખ આવતાં શૅર ૧૫ ગણા વૉલ્યુમે ૪૦૬ની બે વર્ષની બૉટમ બનાવી ૭.૩ ટકા ગગડી ૪૧૩ રહ્યો છે. ૧ જાન્યુઆરીએ શૅર ૮૭૪ના શિખરે હતો.
એસ્ટ્રલ લિમિટેડે ૩૩ ટકાની નબળાઈમાં ૮૧ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. સરવાળે ભાવ ૧૦ ગણા કામકાજે નીચામાં ૧૨૬૩ બતાવી આઠ ટકા કે ૧૧૨ રૂપિયા તૂટી ૧૨૭૦ બંધ થયો છે. મેડી આસિસ્ટ હેલ્થકૅર બ્લૉકડીલ મારફત જંગી વૉલ્યુમ સાથે ઉપરમાં ૫૯૪ વટાવી ૪.૭ ટકા ઊંચકાઈ ૫૫૨ હતી. બે પ્રમોટર્સ એન્ટિટીએ માલ વેચ્યો હોવાની હવા હતી. પેટીએમ ૧૧૩૬ની નવી મલ્ટિયર ટૉપ હાંસલ કરી નહીંવત્ ઘટાડે ૧૧૨૦ હતી. સોનાટા સૉફ્ટવેર ૪૦ ગણા કામકાજમાં ૩૮૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૩ ટકાની તેજીમાં ૩૭૩ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. ૬ સપ્ટેમ્બરે ૬૯૭ની વર્ષની ટોચે રહેલો આ શૅર સિમેન્ટ ૨૯૪ પ્લસની વિક્રમી સપાટી નોંધાવી સાડાનવ ટકાના જમ્પમાં ૨૮૯ રહ્યો છે.
અલ્કેમ લૅબોરેટરીઝે અગાઉના ૩૧૫ કરોડ સામે આ વેળા ૩૫૧ કરોડ જેવી આવક પર ૫૫ કરોડની તુલનામાં ૬૭ કરોડ નજીક નેટ પ્રૉફિટ કરતાં શૅર ૪૮૨૫ની નીચી સપાટીથી ઉપરમાં ૫૨૦૫ બતાવી ૬.૭ ટકા કે ૩૨૪ રૂપિયાના ઉછાળે ૫૧૬૭ થયો છે. ફેસવૅલ્યુ બેની છે. પી. એન. ગાડગીળ જ્વેલર્સે ૩૫૨૭ લાખની સામે ૬૯૨૪ લાખ નેટ નફો કરતાં શૅર ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૬૦૨ થઈ સવા ટકો વધી ૫૮૧ હતી.
હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું દમદાર લિસ્ટિંગ, ૭૫ ટકાનો લિસ્ટિંગ ગેઇન
મંગળવારે મેઇન બોર્ડમાં કલકત્તાની મેઇઝ સ્ટાર્ચ અને મેઇઝ સ્પે. પ્રોડક્ટસ બનાવતી કંપની રીગલ રિસોર્સિસ પાંચના શૅરદીઠ ૧૦૨ની અપરબૅન્ડમાં ૩૦૬ કરોડનો ઇશ્યુ લાવી છે. એ પ્રથમ દિવસે કુલ ૫.૮ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં બાવીસવાળું પ્રીમિયમ વધીને ૨૫ થયું છે. જ્યારે SME સેગમેન્ટમાં મલાડ-વેસ્ટની મહેન્દ્ર રિયલ્ટર્સનો ૧૦ના શૅરદીઠ ૮૫ની અપર બૅન્ડવાળો ૪૯૪૫ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૧૭ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૬ રૂપિયા ચાલે છે. SME કંપની આઇકોડેક્સ પબ્લિશિંગનો ૧૦ના શૅરદીઠ ૧૦૨ની અપરબૅન્ડવાળો ૪૨૦૩ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૮૮ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૧૪ હતું એ હાલમાં ત્યાં જ છે, જ્યારે મેઇન બોર્ડની સતત ખોટ કરતી બ્લુસ્ટોન જ્વેલરીનો એકના શૅરદીઠ ૫૧૭ની અપરબૅન્ડ સાથે ૧૫૪૦ કરોડનો વધુ પડતો મોંઘો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૫૪ ટકા ભરાયો છે. હાલ પ્રીમિયમ તૂટી અઢી રૂપિયા બોલાય છે.
ગઈ કાલે ત્રણ SME IPO પૂરા થયા છે જેમાં રાજકોટની ANB મેટલકાસ્ટનો શૅરદીઠ ૧૫૬ની અપર બૅન્ડવાળો ૪૯૯૨ લાખનો ઇશ્યુ કુલ ૨.૩ ગણો, ગુજરાતના અમદાવાદની મેડીસ્ટેપ હેલ્થકૅરનો શૅરદીઠ ૪૩ના ભાવનો ૧૬૧૦ લાખનો ઇશ્યુ કુલ ૩૮૧ ગણો તથા નવી દિલ્હીની સ્ટાર ઇમેજિંગ ઍન્ડ પૅથલૅબનો શૅરદીઠ ૧૪૨ની અપરબૅન્ડ સાથે ૬૯૪૭ લાખનો ઇશ્યુ કુલ ૫.૭ ગણો ભરાયો છે. મેડીસ્ટેપમાં હાલમાં ૧૩નું પ્રીમિયમ ચાલે છે.
મધ્ય પ્રદેશના ઇન્દોરની હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાંચના શૅરદીઠ ૭૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટ ખાતેના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૧૭ ખૂલી ઉપરમાં ૧૨૩ થઈ ત્યાં જ બંધ રહેતાં એમાં ૭૫.૫ ટકા લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. JSW સિમેન્ટ્સ, ઑલટાઇમ પ્લાસ્ટિક્સ, સાંવલિયા ફૂડ્સ તથા કોન પ્લેક્સ સિનેમાઝનું લિસ્ટિંગ ૧૪મીએ છે. JSWમાં સવાચાર રૂપિયા, કોનપ્લેક્સમાં ૧૩ રૂપિયા અને સાંવલિયામાં ૪ રૂપિયા પ્રીમિયમ છે.
ગોલ્ડમૅન સાક્સનો બુલિશ-વ્યુ હ્યુન્દાઇ મોટરને ફળ્યો
માર્કસન્સ ફાર્માએ ૨૦ કરોડના વધારામાં ૬૨૫ કરોડની આવક કરી છે, પણ નેટ નફો ૮૯ કરોડથી ગગડી ૫૮ કરોડ થયો છે. શૅર નીચામાં ૧૮૦ થઈ ૧૧ ટકાના કડાકામાં ૧૮૭ બંધ આવ્યો છે. બાન્કો પ્રોડક્ટસ ૧૦.૩ ટકા ખરડાઈ ૫૩૯ રહ્યો છે. સીર્મા એસજીએસ ટેક્નૉલૉજી નીચામાં ૬૪૬ બતાવી ૬ ટકાની ખરાબીમાં ૬૭૩ હતી. ૧ ઑગસ્ટે આ શૅરમાં ૭૮૧ની ઑલટાઇમ હાઇ બની હતી. ટૉસ ધ કૉઇન ૩૦૦ના વર્સ્ટ લેવલે જઈ ૨.૮ ટકા બગડી ૩૨૦ રહી છે. આ શૅર ૧૩ જાન્યુઆરીએ ૯૨૭ના શિખરે હતો. કંપની ૨૦૨૪ની ૧૦ ડિસેમ્બરે શૅરદીઠ ૧૮૨ના ભાવથી SME ઇશ્યુ લાવી હતી. લોઢાની નૅશનલ સ્ટાન્ડર્ડ ૧૭૦૦ના નવા તળિયે જઈ બે ટકા ખરડાઈને ૧૭૬૦ હતી.
કે ઍન્ડ આર રેલ એન્જિનિયરિંગ ૧૯ ઑગસ્ટે ૫૦૭ના શિખરે હતી. ત્યાંથી ગગડતી રહી ગઈ કાલે ૪૨નું વર્સ્ટ લેવલ બનાવી અઢી ટકા સુધરી ૪૪.૬૯ થઈ છે. અમદાવાદી રાજેશ પાવર સર્વિસિસ નવેમ્બર ૨૪ની આખરમાં ૧૦ના શૅરદીઠ ૩૩૫ના ભાવે ૧૬૦ કરોડ પ્લસનો BSE SME ઇશ્યુ લાવી હતી. ભાવ ગઈ કાલે ૪ ગણા કામકાજે ૧૬૨૦ના બેસ્ટ લેવલે જઈ સાડાચાર ટકા ઊંચકાઈ ૧૫૪૫ બંધ આવ્યો છે. તિલકનગર ઇન્ડસ્ટ્રીઝનો નફો ૧૨૧ ટકા વધી ૮૮ કરોડને વટાવી જતાં ભાવ ૫૧૧ વટાવી પાંચ ટકાની મજબૂતીમાં ૪૯૫ થયો છે.
ગોલ્ડમૅન સાક્સે ૨૬૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી હ્યુન્દાઇ મોટરમાં બુલિશ વ્યુ આપ્યો છે. શૅર ઉપરમાં ૨૨૪૦ નજીક જઈ અઢી ટકા વધીને ૨૨૦૪ રહ્યો છે. બાટા ઇન્ડિયાનો ત્રિમાસિક નેટ નફો ૭૦ ટકા ગગડીને બાવન કરોડ થતાં શૅર નીચામાં ૧૧૩૦ બતાવી ૪.૬ ટકા ઘટી ૧૧૩૨ હતો. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સની આવક ૧૧ ટકા વધી છે, પણ સ્ટૅન્ડઅલોન પ્રૉફિટ ૪ ટકા ઘટી ૧૪૩૬ કરોડ થયો છે. શૅર ૪૪૮૮ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી એકાદ ટકાની નબળાઈમાં ૪૪૦૬ બંધ રહ્યો છે.
હિન્દાલ્કોના નેટ નફામાં ૩૦ ટકાનો વધારો, શૅર નરમ
ગઈ કાલે HDFC બૅન્ક સવા ટકાની નબળાઈમાં ૧૯૭૦ બંધ આપીને બજારને ૧૬૪ પૉઇન્ટ તથા ICICI બૅન્ક એકાદ ટકાની ખરાબીમાં ૧૪૨૩ બંધ આપી ૮૩ પૉઇન્ટ નડી છે. કોટક બૅન્ક પોણો ટકો કટ થઈ હતી. બજાજ ફાઇનૅન્સ પોણાત્રણ ટકાથી વધુની બૂરાઈમાં ૮૫૩ બંધમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. ટ્રેન્ટ તથા હિન્દુસ્તાન યુનિલીવર ૧.૪ ટકા, નેસ્લે સવા ટકો, તાતા કન્ઝ્યુમર ૧.૨ ટકા, બજાજ ઑટો, એકાદ ટકો, એટર્નલ ૧.૧ ટકા, બજાજ ફિનસર્વ એક ટકા નજીક ડૂલ થઈ હતી. રિલાયન્સ અડધા ટકા નજીકના ઘટાડે ૧૩૮૦ થઈ છે. જિયો ફાઇનૅન્સ નહીંવત્ નરમ હતી.
હિન્દાલ્કોએ ૩૦ ટકાના વધારામાં ૪૦૦૪ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. ભાવ ઉપરમાં ૬૭૭ થઈ પોણો ટકો ઘટી ૬૬૬ બંધ આવ્યો છે. મારુતિ સુઝુકી બે ટકા કે ૨૫૯ રૂપિયાની મજબૂતીમાં ૧૨૮૪૨ વટાવી બન્ને મેઇન બેન્ચમાર્કમાં ટૉપ ગેઇનર બની છે. શૅર કઈ ખુશાલીમાં વધ્યો એની સમજ પડતી નથી. મહિન્દ્ર ૧.૭ ટકા, હીરો મોટોકૉર્પ પોણાબે ટકા, તાતા મોટર્સ નામ પૂરતી પ્લસ હતી. ટેક મહિન્દ્ર બે ટકા નજીક વધી ૧૫૧૦ થઈ છે, પણ ઇન્ફોસિસ અને TCS સાધારણ ઢીલી હતી. વિપ્રો ૨૪૧ના લેવલે ફ્લૅટ હતી. HCL ટેક્નો અડધો ટકો તો લાટિમ એક ટકો અપ હતી. અન્યમાં NTPC ૧.૨ ટકા, તાતા સ્ટીલ પોણા ટકાથી વધુ, સિપ્લા એક ટકાથી વધુ, કોલ ઇન્ડિયા પોણો ટકો વધ્યા હતા. ONGC પરિણામ પૂર્વે પોણા ટકાના સુધારામાં ૨૩૫ ઉપર ગઈ છે.
દરમ્યાન જુલાઈમાં સરકારી આંકડા પ્રમાણે ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવાનો વૃદ્ધિદર ૧.૫૫ ટકા નોંધાયો છે, જે આઠ વર્ષની નીચી સપાટી છે. સૌથી મજાની વાત એ છે કે ફૂડ ઇન્ફ્લેશન કે ખાધા-ખોરાકીની ચીજવસ્તુઓના કિસ્સામાં ફુગાવાનો દર માઇનસ ૧.૭૬ આવ્યો છે. મતલબ કે ભાવ વધવાને બદલે પોણાબે ટકા ઘટ્યા છે. જાન્યુઆરી ૨૦૧૯ પછીની આ પ્રથમ ઘટના છે.

