Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > માથે ડેરિવેટિવ્ઝમાં માર્ચ સિરીઝના સેટલમેન્ટ વચ્ચે શૅરબજારમાં નવા-ટૂંકા સપ્તાહની નબળી શરૂઆત

માથે ડેરિવેટિવ્ઝમાં માર્ચ સિરીઝના સેટલમેન્ટ વચ્ચે શૅરબજારમાં નવા-ટૂંકા સપ્તાહની નબળી શરૂઆત

27 March, 2024 09:00 AM IST | Mumbai
Anil Patel

આરંભથી અંત સુધી નેગેટિવ ઝોનમાં રહેલા બજારમાં શૅર આંક ઉપરમાં ૭૨,૭૦૫ અને નીચામાં ૭૨,૩૬૩ થયો હતો.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


નબળાં પરિણામના વરતારા પાછળ આઇટી ફ્રન્ટલાઇન શૅરોમાં ઘસારો જારી : બ્રોકરેજ હાઉસના બુલિશ વ્યુમાં ડૉ. લાલ પૅથલૅબ્સ સવાછ ટકા મજબૂત, મેટ્રોપોલિસમાં સુધારો : ભારતી હેક્સાકોનમાં મોંઘો ઇશ્યુ ૩ એપ્રિલે, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ગગડ્યું : ઇન્ડસ ટાવરમાં નવી મલ્ટિયર ટૉપ જારી, ફિનિક્સ મિલ્સ ડિમાન્ડમાં : હવાલા લિન્કના ઓથારમાં તૂટતી ટૂરિઝમ ફાઇ.ને એક વધુ ફટકો, ક્યુપિડમાં બોનસની રેકૉર્ડ ડેટ પાછળ તેજી બરકરાર : માર્કેટ બ્રેડ્થમાં બૂરાઈ

શૅરબજારે નવા અને ટૂંકા સપ્તાહનો આરંભ નબળાઈથી કર્યો છે. મંગળવારે સેન્સેક્સ ૩૬૨ પૉઇન્ટ અને નિફ્ટી ૯૨ પૉઇન્ટ ઘટીને બંધ થયાં છે. આરંભથી અંત સુધી નેગેટિવ ઝોનમાં રહેલા બજારમાં શૅર આંક ઉપરમાં ૭૨,૭૦૫ અને નીચામાં ૭૨,૩૬૩ થયો હતો. નબળી માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૭૦૭ શૅરની સામે બમણાથી વધુ ૧૫૨૩ જાતો માઇનસ હતી. આ સપ્તાહ માત્ર ત્રણ દિવસના કામકાજનું છે. ગુરુવારે ડેરિવેટિવ્ઝમાં માર્ચ વલણની પતાવટ છે. આ જોતાં માર્કેટમાં વૉલેટિલિટી સાથે ઉછાળો આવે તો નવાઈ નહીં. આગામી સપ્તાહે ૩થી ૫ એપ્રિલ દરમ્યાન રિઝર્વ બૅન્કની પૉલિસી મીટિંગ છે. બહુમતી માને છે કે વ્યાજદર આ વખતે પણ યથાવત્ રખાશે, પરંતુ ઇલેક્શન છે, સરકારની સાથે દાસ પણ રેવડી વહેંચવામાં જોડાઈ શકે છે.
સત્તાધારી પક્ષ ચુનાવમાં ચોક્કો ફટકારવાના (૪૦૦ સીટ જીતવાના) વિશ્વાસમાં છે. બીજેપીના નેજા હેઠળ એનડીએ બહુમતી મેળવશે એમ ૧૦માંથી ૯નું કહેવું છે. આર્થિક વિકાસદર જોરદાર આવ્યો છે (કે દર્શાવાયો છે) અને એને આધાર માની આગામી સમયમાં ભારતના જીડીપી ગ્રોથનું સાર્વત્રિક અપગ્રેડિંગ થવા માંડ્યું છે. હવે પછીનો સમય વ્યાજદર અને ફુગાવામાં ઘટાડાનો રહેવાનો છે. વર્ષના અંતે પ્રથમ ઇન્ડિયા મેડ સેમી કન્ડક્ટર ચિપ્સ વાસ્તવિકતા બની ગઈ હશે, એવો દાવો આઇટી મિનિસ્ટરે કર્યો છે. આટલી બધી સારી-સારી વાતો વચ્ચે પણ શૅરબજાર જોઈએ એવા મૂડમાં નથી. ઉછાળા ઊભરા જેવા નીવડે છે. રોકડામાં વ્યાપક ખરાબી જોવાઈ રહી છે. આટલી બધી નિશ્ચિતતા વચ્ચે બજારની અનિશ્ચિત ચાલ ઘણા બધાને અંદરથી અકળાવી રહી છે. 



ટૉરન્ટ પાવર ૩૬૫૦ કરોડનો પ્રોજેક્ટ મળતાં ૧૨૪ રૂપિયાના ઉછાળે નવી ટોચે 
અદાણી પોર્ટ્સ દ્વારા ગોપાલપુર પોર્ટ્સમાં શાપુરજી પાલનજીનો ૫૬ ટકાનો અને ઓડિશા સરકારનો ૩૯ ટકાનો હિસ્સો કુલ ૩૦૮૦ કરોડની એન્ટરપ્રાઇઝિસ વૅલ્યુ સાથે ખરીદી લેવાની જાહેરાત થતાં શૅર બે ટકા વધી ૧૩૦૬ થયો છે. અદાણી એનર્જી ત્રણેક ટકા અને અદાણી ટોટલ એક ટકા અપ હતા. સામે અદાણી વિલ્મર સવા ટકા, અદાણી પાવર પોણાબે ટકા અને એનડીટીવી ૨.૮ ટકા બગડી છે. સેન્સેક્સ ખાતે મંગળવારે ૧૦ અને નિફ્ટીમાં ૨૦ શૅર પ્લસ થયા હતા, જેમાં બજાજ ફાઇનૅન્સ ૨.૨ ટકા વધી ૬૯૧૦ બંધમાં મોખરે હતી. અન્યમાં લાર્સન ૧.૪ ટકા, એનટીપીસી ૧.૩ ટકા, હિન્દાલ્કો બે ટકા, બ્રિટાનિયા બે ટકા, ભારત પેટ્રો સવા ટકો, કોલ ઇન્ડિયા એક ટકો અપ હતી. એચડીએફસી બૅન્ક એક ટકાથી વધુની નરમાઈમાં ૧૪૨૭ના બંધમાં બજારને સર્વાધિક ૧૦૬ પૉઇન્ટ નડી છે. રિલાયન્સ સરેરાશ કરતાં પાંચેક ગણા કામકાજમાં પોણા ટકા જેવી નબળાઈમાં ૨૮૮૫ રહી છે. પાવર ગ્રિડ બે ટકાથી વધુની ખરાબીમાં ૨૭૦ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર હતી. ભારતી ઍરટેલ બે ટકા, વિપ્રો દોઢ ટકા, કોટક બૅન્ક તથા અલ્ટ્રાટેક એક ટકાથી વધુ, ઇન્ફી એક ટકો, એશિયન પેઇન્ટ્સ એક ટકો, આઇશર દોઢ ટકો, ડિવીઝ લૅબ સવા ટકો, ડૉ.


રેડ્ડીઝ લૅબ એક ટકાથી વધુ નરમ હતી. 
ટૉરન્ટ પાવર ૧૪૪૪ની ટોચે જઈ સાડાનવ ટકા કે ૧૨૪ની તેજીમાં ૧૪૦૮ વટાવી ગઈ છે. સિમેન્સ ૫૧૧૩ની નવી ટૉપ બતાવી સવાબે ટકા વધી ૫૧૦૧ હતી. રિલાયન્સ પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૭.૬૦ નજીક પહોંચી છે. ઑઇલ ઇન્ડિયા પાંચ ટકાના જોરમાં ૬૧૧ થઈ છે. સવિતા ઑઇલ બુલિશ વ્યુમાં વધુ સવાચાર ટકા ઊંચકાઈ ૪૩૦ નજીક સરકી છે. આઇએમઆર એનજી છ ટકા તૂટી ૪૬૪ હતી. ટૉરન્ટ પાવરમાં તેજીનું કારણ ૩૬૫૦ કરોડનો વિન્ડ સોલર પ્રોજેક્ટનો કૉન્ટ્રૅક્ટ બન્યો હતો. જોકે આટલી તેજી ટકવી મુશ્કેલ છે.

બોનસ-શૅર વિભાજનની શક્યતામાં ઑરેકલ ૩૯૧ની તેજીમાં બેસ્ટ લેવલે
ઑરેકલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ આઇટી ક્ષેત્રે એકંદર નબળા વલણ વચ્ચે સામા પ્રવાહે ટકી રહેતાં ગઈ કાલે ૮૮૧૦ની સર્વોચ્ચ સપાટી બનાવી ૪.૭ ટકા કે ૩૯૧ રૂપિયાના જમ્પમાં ૮૭૬૫ બંધ રહી છે. વર્ષમાં આ શૅર આશરે પોણાબસ્સો ટકો વધી ચૂક્યો છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૮૬૧ રૂપિયા આસપાસ છે. છેલ્લે બોનસ જૂન ૨૦૦૩માં આવ્યું હતું. બોનસ સાથે શૅર વિભાજનની પ્રબળ શક્યતા દેખાય છે. અમેરિકન એક્સેન્ચરના નબળા ગાઇડન્સિસ પછી આઇટીમાં માનસ ખરડાયું છે. ફ્રન્ટલાઇન અને ચલણી આઇટી કંપનીઓનાં માર્ચ ક્વૉર્ટરનાં પરિણામ કમજોર રહેવાના વરતારા શરૂ થઈ ગયા છે. ગઈ કાલે ઇન્ફોસિસ ૧.૧ ટકો, ટીસીએસ એક ટકા નજીક, વિપ્રો દોઢ ટકો, ટેક મહિન્દ્ર પોણો ટકો. લાટિમ અડધો ટકો ડાઉન હતા. સાઇડ શૅરમાં ઓરિઅનપ્રો પોણાપાંચ ટકા, કન્ટ્રોલ પ્રિન્ટ ૫.૬ ટકા, કેપીઆઇટી ટેક ત્રણ ટકા નજીક મજબૂત હતી. ઈમુદ્રા આગલા દિવસના ઉછાળાનો અડધો કરી નાખતાં ૧૦ ટકા ગગડી ૭૩૯ રહી છે. ટીવીએસ સિલેક્ટ, ઝગલ, એક્સેલ્યા, સાસ્કેન, ઍક્સિસ કેડ્સ, ૬૩ મૂન્સ, સુબેક્સ અઢીથી સાડાપાંચ ટકા કટ થઈ છે. ટેક્નૉ સ્પેસમાં નેટવર્ક-૧૮, ટીવી-૧૮, જસ્ટ ડાયલ, તેજસ નેટ, તાતા ટેલી, ઝી એન્ટર, તાન્લા પ્લૅટફૉર્મ, એચએફસીએલ દોઢથી ત્રણ ટકા માઇનસ હતા. 


રિયલ્ટીમાં ફિનિક્સ મિલ્સ સવાયા કામકાજે ૬.૪ ટકા કે ૧૬૨ રૂપિયાની તેજીમાં ૨૭૧૦ થઈ છે. પ્રેસ્ટિજ એસ્ટેટ ચાર ટકા, ઑબેરૉય રિયલ્ટી ૩.૨ ટકા, ગોદરેજ પ્રૉપર્ટીઝ સવા ટકો પ્લસ હતી. શોભા તાજેતરના ઉછાળા બાદ ત્રણ ટકા ઘટી ૯૦૬ રહી છે. હેલ્થકૅરમાં બ્રોકરેજ હાઉસનો બુલિશ વ્યુ કામે લાગતાં ડૉ. લાલ પેથલૅબ્સ સવાછ ટકા કે ૧૩૪ રૂપિયા ઊંચકાઈ ૨૨૬૨ થયો છે. મેટ્રોપોલિસ પણ પૉઝિટિવ આઉટલૂકમાં સવાત્રણ ટકા વધી ૧૬૫૫ રહી છે. 

તાતા ઇન્વેસ્ટમેન્ટ ૧૧ દિવસની ખુવારીમાં ૫૦૮૨ રૂપિયા ડૂલ, હજી ઘટાડો જોવાશે
ક્યુપિડ લિમિટેડ દ્વારા શૅરદીઠ એક બોનસ અને ૧૦ના શૅરના એકમાં વિભાજન માટે ૪ એપ્રિલની રેકૉર્ડ ડેટ જાહેર થઈ છે. વધુમાં કંપની તરફથી ટૂરિઝમ ફાઇનૅન્સ કૉર્પો. (ટીએફસીઆઇએલ)માં પ્રેફરન્શિયલ અલોટમેન્ટ મારફત અગાઉ જે ૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના નક્કી કરાઈ હતી એ એકાએક પડતી મુકાઈ છે. આની અસરમાં ક્યુપિડ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટની હૅટ-ટ્રિકમાં ૧૦૭ રૂપિયાની આગેકૂચમાં ૨૨૪૩ વટાવી ત્યાં જ બંધ થયો છે. સામે ટૂરિઝમ ફાઇ. કૉર્પો નરમાઈ આગળ વધારતાં પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૬૪ થયો છે. મહિના પહેલાં ભાવ ૨૬૭ની ઉપર બેસ્ટ લેવલે ગયો હતો. લાગે છે કે આ કાઉન્ટર હજી વધુ ખરાબ થશે. હવાલા ઑપરેટર સાથેની લિન્ક વધુ નડવી બાકી છે. રિઝર્વ બૅન્ક દ્વારા આઇઆઇએફએલ ગ્રુપ અને જેએમ ફાઇનૅન્સનું સ્પેશ્યલ ઑડિટ કરવાનો નિર્ણય લેવાયો છે. એના પગલે આઇઆઇએફએલ ફાઇનૅન્સ બાવીસ મહિનાની બૉટમ, ૩૧૬ની અંદર જઈ દોઢા કામકાજે ૩.૮ ટકા ખરડાઈ ૩૨૧ રહ્યો છે. ગ્રુપ કંપની આઇઆઇએફએલ સિક્યૉ. નીચામાં ૧૧૨ થઈ સવાપાંચ ટકા બગડી ૧૧૨ હતી. જ્યારે જેએમ ફાઇ. ૭૧ની અંદર જઈ દોઢા કામકાજે ત્રણ ટકા ગગડી ૭૨ થઈ છે. તાતા સન્સનો આઇપીઓ લાવવા તાતા ગ્રુપની અનિચ્છાના અહેવાલ પછી તાતા ગ્રુપના શૅરોમાં વન-વે તેજીએ યુ-ટર્ન લીધો છે. કેટલીક જાતો ખાસ્સી મોટી માત્રામાં તૂટી છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ વૉલ્યુમ સાથે એક વધુ નીચલી સર્કિટમાં ૨૯૮ રૂપિયાના કડાકામાં ૫૬૬૨ થઈ બંધ હતો. ૭ માર્ચે અહીં ૯૭૪૪ની સર્વોચ્ચ સપાટી બની હતી. જોકે તાતા કેમિકલ્સ તાજેતરની નબળાઈ બાદ ટેક્નિકલ સુધારામાં ૩.૮ ટકા વધી ૧૦૮૬ થઈ છે. રાલિઝ ઇન્ડિયા ૨.૩ ટકા ઘટી ૨૫૪ હતો. 

ભારતી હેક્સાકોનનો ૪૨૭૫ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ૩ એપ્રિલે ખૂલશે 
ભારતી હેક્સાકોન પાંચના શૅરદીઠ ૫૭૦ની અપરબેન્ડ સાથે ૪૨૭૫ કરોડ રૂપિયાનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ૩ એપ્રિલે કરવાની છે. કંપની સતત ત્રણ વર્ષથી નફાનો રેકૉર્ડ ધરાવતી ન હોવાથી ઇશ્યુમાં રીટેલ પૉર્શન ૧૦ ટકા અને ક્યુઆઇબી પૉર્શન ૭૫ ટકા રખાયો છે. કંપનીમાં હાલ ૭૦ ટકા હોલ્ડિંગ ભારતી ઍરટેલનું છે. ૩૦ ટકા હિસ્સો સરકારની ટીસીઆઇએલ પાસે છે, જેમાંથી એ ૧૫ ટકા હિસ્સો આઇપીઓ મારફત વેચવાની છે, બાકીનો ૧૫ ટકા છએક મહિના પછી વેચશે. મતલબ કે ઇશ્યુની પૂરી ૪૨૭૫ કરોડની રકમ સરકારની ટીસીઆઇએલના ઘરમાં જશે. ભારતીને એક પાઈ નહીં મળે. કંપની રાજસ્થાન અને નૉર્થ ઈસ્ટ ખાતે બ્રૉડબૅન્ડ સર્વિસિસ તથા ફિક્સ્ડ લાઇન ટેલિફોન સેવા પૂરી પાડે છે. પાંચના શૅરના ૫૭૦ રૂપિયા આપવા જેવું કંપનીમાં કશું નથી. ઇશ્યુમાં આકર્ષણ જમાવવાના ખેલમાં ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમના કામકાજ ૬૫-૭૦ રૂપિયાથી શરૂ થયા હતા, પરંતુ રેટ ટકી શક્યો નથી. હાલમાં પ્રીમિયમ ૩૫ જેવું થઈ ગયું છે. પ્રીમિયમ આગળ જતાં ઘસાતું જશે, એમ લાગે છે. ભારતી ઍરટેલનો શૅર હાલ ૮૩ના પી/ઈ પર મળે છે ત્યારે એના કરતાં દરેક વાતે ક્યાંય નાની એવી ભારતી હેક્સાકોનનો ૯૫ પ્લસના પી/ઈવાળો ઇશ્યુ ભરવાનો કોઈ અર્થ ખરો? ગઈ કાલે ભારતી ઍરટેલ બે ટકા ઘટી ૧૨૧૧ તથા એનો પાર્ટપેઇડ ૨.૭ ટકા ઘટીને ૮૦૯ બંધ હતો. ભારતી ઍરટેલની ૪૮ ટકા મૂડી ભાગીદારીવાળી ઇન્ડ્સ ટાવર ૨૮૬ની મલ્ટિયર ટૉપ બનાવી ૪.૮ ટકાની મજબૂતીમાં ૨૮૪ થઈ છે. ટેલિકૉમ સેગમેન્ટમાં ગઈ કાલે વિન્દય ટેલી ઉપરમાં ૨૨૮૫ બતાવી ચાર ટકા કે ૮૫ રૂપિયાની તેજીમાં ૨૨૧૩ બંધ આપી મોખરે હતી. સ્ટરલાઇટ ટેક્નૉ ૪.૩ ટકા, આઇટીઆઇ ૩.૨ ટકા અને ઑનમોબાઇલ ૫.૨ ટકા કટ થયા છે.  

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2024 09:00 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK