Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકા ૨૦૨૨માં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એવી શક્યતાઓની ચર્ચાથી સોનું ૧૮૦૦ ડૉલરે પહોંચ્યું

અમેરિકા ૨૦૨૨માં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એવી શક્યતાઓની ચર્ચાથી સોનું ૧૮૦૦ ડૉલરે પહોંચ્યું

26 October, 2021 03:25 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ચાઇનીઝ ઇકૉનૉમિક ક્રાઇસિસને ખાળવા પીપલ્સ બૅન્કે વધુ નાણાં માર્કેટમાં ઠાલવતાં સોનાને સપોર્ટ મળ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકન ફેડ નવેમ્બરથી ટેપરિંગ શરૂ કરશે પણ ૨૦૨૨માં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એવા સંકેતોને પગલે વધેલી ચર્ચાને પગલે સોનું ૧૮૦૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. વળી ચાઇનીઝ ઇકૉનૉમિક ક્રાઇસિસ વધે એવા સંકેતોનો પણ સોનાને સપોર્ટ મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૩૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૫૯ રૂપિયા વધી હતી.

વિદેશી પ્રવાહો



અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં ઉતાવળ ન કરવાની સલાહ આપતાં ફેડ ૨૦૨૨માં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે એવી શક્યતાઓની ચર્ચા વધી હતી જેને પગલે સોનું વર્લ્ડ માર્કેટમાં ૧૮૦૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. ક્રૂડ તેલ અને નૅચરલ ગૅસની તેજીનો સપોર્ટ સોનાને મળ્યો હતો. વળી અમેરિકન ડૉલરનું મૂલ્ય ઘટતાં સોનાની સાથે ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમના ભાવ પણ વધ્યા હતા.


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો બજેટ ગૅપ ૨૦૨૧માં વધીને ૨.૭૭૨ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચ્યો હતો જે અત્યાર સુધીના ઇતિહાસનો બીજા ક્રમનો સૌથી વધુ બજેટ ગૅપ હતો. ૨૦૨૦માં બજેટ ગૅપ ૩.૧૩૨ ટ્રિલ્યન ડૉલર હતો. ૨૦૨૧માં અમેરિકન ટ્રેઝરીની ઇન્કમ ૧૮.૩ ટકા વધીને ૪.૦૪૬ ટ્રિલ્યન થઈ હતી એની સામે ખર્ચ માત્ર ૪.૧ ટકા વધીને ૬.૮૧૮ ટ્રિલ્યન ડૉલર થયો હતો. સપ્ટેમ્બર મહિનામાં બજેટ ડેફિસિટ ૬૨ અબજ ડૉલરની રહી હતી જે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ૧૨૫ અબજ ડૉલરની હતી. અમેરિકામાં ઑક્ટોબર મહિનાથી નવું ફાઇનૅન્શિયલ વર્ષ શરૂ થતું હોવાથી ૨૦૨૧ના બજેટ ગૅપના ડેટા ફાઇનલ હતા. જર્મનીનું બિઝનેસ મોરલ ઑક્ટોબરમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૯૭.૭ પૉઇન્ટે પહોંચ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા ૯૭.૯ પૉઇન્ટની હતી, યુરો એરિયાની સૌથી મોટી ઇકૉનૉમી ગણાતા જર્મનીમાં મૅન્યુફૅકચરિંગ, સર્વિસ અને ટ્રેડ સેક્ટરમાં સેન્ટિમેન્ટ નબળું પડ્યું હતું. જોકે કન્સ્ટ્રક્શન્સ સેક્ટરમાં સેન્ટિમેન્ટ બુલિશ હતું. જપાનમાં ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ, એમ્પ્લોયમેન્ટ અને રીટેલ સેલ્સને બતાવતો કોઇન્સિડન્ટ ઇન્ડેક્સ ઑગસ્ટમાં ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ ૯૧.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૯૪.૪ પૉઇન્ટ હતો જ્યારે જપાનના જૉબમાર્કેટ અને કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ બતાવતો લીડિંગ ઇન્ડેક્સ ઑગસ્ટમાં ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ ૧૦૧.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૧૦૪.૧ પૉઇન્ટ હતો. અમેરિકાની બજેટ ગૅપમાં થયેલો ઘટાડો અને જર્મની-જપાનના નબળા ડેટા સોનાની માર્કેટ માટે લૉન્ગ ટર્મ નેગેટિવ હતા.


શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને ફેડના નવેમ્બરના ટેપરિંગ (બૉન્ડ બાઇંગમાં ઘટાડો) શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો, પણ ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે હજી સમય પાક્યો ન હોવાની કમેન્ટ કરતાં ૨૦૨૨માં ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો નહીં કરે એ શક્યતાએ સોનું ગત સપ્તાહે સુધર્યું હતું અને ચાલુ સપ્તાહના આરંભે સોમવારે પણ સુધર્યું હતું. ફેડ ચૅરમૅન જેરોમ પોવેલે નવેમ્બરથી ટેપરિંગ શરૂ કરવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો હોવાથી હવે ટેપરિંગ શરૂ થવાનું નક્કી મનાઈ રહ્યું છે. ચાલુ સપ્તાહે યુરો એરિયા, જપાન, કૅનેડા અને બ્રાઝિલની સેન્ટ્રલ બૅન્કોની પૉલિસી મીટિંગ યોજાશે. યુરો એરિયા, બ્રિટન અને અન્ય કેટલાક દેશોની સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટ ફેડથી વહેલા વધારશે એ ધારણાએ અમેરિકન ડૉલર પણ ઘટ્યો હતો, જે સોનાની તેજીને સપોર્ટ કરનારો હતો. ચાઇનીઝ ઇકૉનૉમિક ક્રાઇસિસ પણ સોના માટે સપોર્ટિંગ છે. ચાઇનીઝ પ્રૉપર્ટી જાયન્ટ એવરગ્રાન્ડ દ્વારા ઇન્ટરેસ્ટ પેમેન્ટ ચૂકવવામાં સતત નિષ્ફળતાથી ચીનમાં ઇકૉનૉમિક ક્રાઇસિસ ઊભી ન થાય એ માટે પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ હવે માર્કેટમાં વધુ નાણાં ઠાલવવાનું ચાલુ કર્યું છે. અત્યાર સુધી રોજના ૧૦૦ અબજ યુઆન ઠાલવનારી પીપલ્સ બૅન્કે સોમવારે માર્કેટમાં ૨૦૦ અબજ યુઆન ઠાલવ્યા હતા. ફંડામેન્ટલ અને ટક્નિકલ ઍનૅલિસ્ટો સોનામાં વધુ તેજીના સંકેતો આપે છે. બુલિયન ઍનૅલિસ્ટોના મતે સોનું ૧૮૦૦ ડૉલર વટાવશે તો વધીને ૧૮૩૦ ડૉલર થશે જ્યારે ટેક્નિકલ ઍનૅલિસ્ટોના મતે ૧૮૧૪ ડૉલરનું રેઝિસ્ટન્સ વટાવશે તો પછીનું લેવલ ૧૮૨૬ ડૉલર જોવા મળશે. આમ, સોનાના શૉર્ટ ટર્મ પ્રોસ્પેક્ટ વધુ ને વધુ તેજીમય બની રહ્યા છે. ફેડના કોઈ મેમ્બર્સ ૨૦૨૨માં ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારાય એવો સંકેત આપશે તો સોનામાં ૫૦થી ૭૦ ડૉલરની ઝડપી તેજી જોવા મળશે.

ભારતીય જેમ્સ-જ્વેલરી એક્સપોર્ટ કોરોના પહેલાંના સ્તરે પહોંચી

ભારતીય જેમ્સ-જ્વેલરીની એક્સપોર્ટ સપ્ટેમ્બરમાં ૩.૪ અબજ ડૉલરે પહોંચી હતી જે કોરોના પહેલાંના સ્તરે પહોંચી હતી. જેમ્સ ઍન્ડ જ્વેલરીની એક્સપોર્ટ ૨૦૨૧-૨૨ના ફાઇનૅન્શિયલ યરના ફર્સ્ટ હાફમાં ૧૧ ટકા વધીને ૧.૪૦ લાખ કરોડ રૂપિયાની થઈ હતી જે ગત વર્ષે ફર્સ્ટ હાફમાં ૧.૨૬ લાખ કરોડ રૂપિયાની હતી જેમાં ગોલ્ડ જ્વેલરી એકસપોર્ટ ગત વર્ષથી ૨૮.૫૨ ટકા અને સિલ્વર જ્વેલરી ગત વર્ષથી ૧૫૩.૧૪ ટકા વધી હતી.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૮,૧૪૨

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૭,૯૪૯

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૫,૬૫૩

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2021 03:25 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK