બન્ને સામસામે ૧૨ વન-ડે સિરીઝમાંથી ૬-૬ જીત્યાં છે
વન-ડે સિરીઝની ટ્રોફી સાથે બંગલાદેશી કૅપ્ટન મેહદી હસન મિરાઝ અને કૅરિબિયન કૅપ્ટન શાઈ હોપ.
યજમાન બંગલાદેશ આજથી વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમવા ઊતરશે. ત્રણેય મૅચ ઢાકામાં ભારતીય સમય અનુસાર બપોરે એક વાગ્યે શરૂ થશે. બન્ને વચ્ચે ડિસેમ્બર ૨૦૨૪માં વન-ડે સિરીઝ રમાઈ હતી જેમાં યજમાન કૅરિબિયનોએ ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી. બન્ને વચ્ચે ૪૭ વન-ડે મૅચ રમાઈ છે જેમાંથી વેસ્ટ ઇન્ડીઝ ૨૪ અને બંગલાદેશ ૨૧ મૅચ જીત્યું છે. બે મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
૧૯૯૯થી હમણાં સુધી બન્ને ટીમ વચ્ચે ૧૨ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાં બન્નેએ ૬-૬ સિરીઝ જીતી છે. જોકે કૅરિબિયન ટીમ બંગલાદેશની ધરતી પર ૧૪ વર્ષથી વન-ડે સિરીઝ જીતી શકી નથી. બંગલાદેશમાં ૬ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાંથી વેસ્ટ ઇન્ડીઝે ઑક્ટોબર ૨૦૧૧ સુધીની શરૂઆતની ત્રણ વન-ડે સિરીઝ જીતી હતી. ત્યાર બાદ ૨૦૧૨, ૨૦૧૮ અને ૨૦૨૧ની વન-ડે સિરીઝ યજમાન બંગલાદેશે જીતી હતી.

