જયપુરમાં ૧,૧૧,૦૦૦ રૂપિયે કિલો વેચાય છે સ્વર્ણ પ્રસાદમ
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
દિવાળીનો તહેવાર એટલે રોશની, રંગો અને મીઠાશનો ઉત્સવ. ભલે દિવાળીમાં પરંપરાગત મીઠાઈઓનો જ વધુ દબદબો હોય છે, એમ છતાં દર વર્ષે કંદોઈઓ કંઈક નવી મીઠાઈઓ બનાવીને માર્કેટમાં મૂકતા હોય છે. જયપુરમાં એક મીઠાઈ ખૂબ વાઇરલ થઈ છે. એનું નામ છે સ્વર્ણ પ્રસાદમ. એમાં માત્ર સ્વાદ જ નહીં, પરંપરાનો પણ અનોખો સુમેળ છે. આ મીઠાઈ સ્વર્ણ ભસ્મ, કેસર અને ચિલગોઝા એટલે કે પાઇન નટ્સથી બનેલી છે. એનું પ્રેઝન્ટેશન પણ ખૂબ ક્રીએટિવ છે. આ મીઠાઈની કિંમત છે ૧,૧૧,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો. એને જયપુરની સૌથી મોંઘી મીઠાઈ ગણવામાં આવી રહી છે. અલબત્ત, ભારતની સૌથી મોંઘી મીઠાઈ એ નથી. આ મીઠાઈ તૈયાર કરનાર શેફનું નામ છે અંજલિ જૈન. અંજલિ એક પરંપરાગત સ્વાદને લક્ઝરી સાથે જોડવામાં માહેર ડિઝર્ટ શેફ છે.
અંજલિનું કહેવું છે કે મીઠાઈ માત્ર મીઠી હોય એટલું જ પૂરતું નથી, એ સેહત માટે પણ સારી હોવી જોઈએ અને એમાં શાહીપણું એટલે કે રૉયલ ઠાઠ હોવો જોઈએ. મીઠાઈના દરેક ટુકડા પર ગ્લેઝિંગ એટલે કે એક પ્રકારનો ચળકાટ ઝળકે છે. એના પર છાંટવામાં આવેલી સુવર્ણ શુદ્ધ ભસ્મ એને સુનહરા રંગની બનાવે છે. એક મીઠાઈનો ટુકડો ૩૦૦૦ રૂપિયાનો છે. તમે એને ૧, ૪ કે ૬ પીસના જ્વેલરી બૉક્સમાં ખરીદી શકો છો. એનું ગિફ્ટિંગ પૅકેજિંગ પણ એટલું મનમોહક છે કે જાણે તમે કોઈકને ગોલ્ડની ગિફ્ટ આપી રહ્યા હો એવી ફીલ આપે છે. આયુર્વેદમાં સ્વર્ણ ભસ્મને શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા વધારનારી માનવામાં આવે છે. જોકે એ પણ યાદ રાખવું જરૂરી છે કે સ્વર્ણ ભસ્મ અમુક માત્રાથી વધુ લેવાનું હિતાવહ નથી.

