૧૩ લેયરમાં બૅન્કોનાં ૬૨૦૦ જેટલાં અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર થયા : ૭ આરોપીઓની ધરપકડ : આવી જ બીજી બે છેતરપિંડીના કેસનો તાળો મળ્યો : દેશવ્યાપી ટોળકીનો પર્દાફાશ : ૩.૫ કરોડ રૂપિયા અલગ-અલગ અકાઉન્ટમાં ફ્રીઝ કરાયા : ગુજરાતના ચાર આરોપી પણ સામેલ
પ્રતીકાત્મક તસવીર
ડિજિટલ અરેસ્ટના નામે લોકોને ડરાવીને તેમની પાસેથી લાખો અને કરોડો રૂપિયા પડાવનાર ઇન્ટરનૅશનલ, ઇન્ટરસ્ટેટ ગૅન્ગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એમાં ૫૮ કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ, સેન્ટ્રલ મુંબઈનો ૭૦ લાખની છેતરપિંડીનો અને પનવેલનો ૪૦ લાખની છેતરપિંડીનો કેસ પણ સૉલ્વ થઈ ગયો છે. મુંબઈના ઝોન ચારનાં મહિલા ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાગસુધાએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ બધા જ કેસમા સંકળાયેલી સિન્ડિકેટ આખા દેશમાં ઑપરેટ કરી રહી છે અને ૧૮ જેટલાં રાજ્યોમાં તેમની સામે સાઇબર ફ્રૉડની ૩૧ જેટલી ફરિયાદો નોંધાઈ છે. માર્કો ઉર્ફે યુવરાજ નામનો મુખ્ય આરોપી ઇન્ટરનૅશનલ આકાઓ સાથે સંપર્ક ધરાવે છે અને તે અહીંના લોકલ લોકોના સપોર્ટ સાથે આ છેતરપિંડી કરતો હતો. ત્રણ વર્ષ પછી તેની ધરપકડ થઈ છે. તેની ધરપકડ અલગ-અલગ કેસના આરોપીઓની પૂછપરછના આધારે કરવામાં આવી છે.
મુંબઈના ૭૨ વર્ષના સિનિયર સિટિઝન બિઝનેસમૅનને ૫૮ કરોડમાં છેતરનાર સાઇબર ગૅન્ગના ૭ આરોપીઓને મુંબઈ પોલીસે ઝડપી લીધા હતા. આ કેસની તપાસ મહારાષ્ટ્ર સાઇબર પોલીસે કરી હતી જેમાં ગઠિયાઓએ આ રકમ પડાવવા અને એ પછી સગેવગે કરવા શેલ કંપનીઓ ઊભી કરી હોવાનું પણ સામે આવ્યું હતું જેમાં ૧૩ લેયર દ્વારા ૬૫૦૦ જેટલાં બૅન્ક-અકાઉન્ટમાં એ રકમ થોડી-થોડી કરીને ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ છેતરપિંડી ઇન્ટરનૅશનલ લેવલ પર થઈ હોવાની આશંકા પણ પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસે જે સાત જણની ધરપકડ કરી છે એ લોકોએ તેમનાં અકાઉન્ટ શરૂઆતની રકમ જમા કરાવવા માટે કમિશન લઈને આપ્યાં હતાં. એ પછી રકમ અન્ય અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દેવાતી હતી.
આ કેસમાં શેખ શાહિદ અબ્દુલ સલામ , જાફર અકબર સૈયદ, અબ્દુલ નાસિર અબ્દુલ કરીમ ખુલ્લી, અર્જુન ફોડારામ કડવાસરા, જેઠારામ કડવાસરા, ઇમરાન ઇસ્માઇલ શેખ અને મોહમ્મદ નાવેદ શેખને ઝડપી લેવાયા છે જ્યારે કે મુખ્ય સૂત્રધારની શોધ ચાલી રહી છે. આ કેસમાં ૩.૫ કરોડ રૂપિયા અલગ-અલગ અકાઉન્ટમાં ફ્રીઝ કરાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. બૅન્ક-મૅનેજરની પણ આ છેતરપિંડીમાં સંડોવણી છે કે નહીં એની પણ તપાસ ચાલી રહી છે.
પાંચ ગુજરાતીઓ પણ સામેલ
અન્ય એક કેસમાં સેન્ટ્રલ મુંબઈમાં રહેતા એક બિઝનેસમૅનને લૂંટારાઓએ વિનીતા શર્મા, પ્રેમકુમાર ગૌતમ અને સદાનંદ દાતેના નામે ફોન કરીને તેઓ દિલ્હીથી ATS અને NIAના ઑફિસર બોલી રહ્યા છે એવું જણાવ્યું હતું. તેમની પાસેથી સાઇબર ફ્રૉડમાં ૭૦ લાખ પડાવી લીધા હતા. આ કેસની તપાસ દરમ્યાન ૧૫ અકાઉન્ટ ફ્રીઝ કરાયાં હતાં, જેમાં કુલ મળી ૧૦.૫૦ લાખની રકમ હતી. એ કેસના આરોપીઓ ગુજરાતના મહેસાણામાં અને રાજસ્થાનમાં હોવાનું જણાઈ આવ્યું હતું. એથી ત્યાં જઈ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં ૫૧ વર્ષના સુરેશ કુમાર પટેલ, ૩૦ વર્ષના મુસરાન કુંભાર, ૨૯ વર્ષના ચિરાગ ચૌધરી, ૪૦ વર્ષના અંકિતકુમાર દેસાઈ, ૨૭ વર્ષના વાસુદેવ ઉર્ફે વિવાન બારોટ અને ૩૪ વર્ષના યુવરાજ ઉર્ફે માર્કો લક્ષ્મણ સિંહ સિકરવારને ઝડપી લેવામાં આવ્યા હતા.
અકાઉન્ટ વાપરવા માટે ૩ ટકા કમિશન
યુવરાજને છોડીને બાકીના બધા જ છેલ્લા ૬ મહિના કે એક વર્ષના જ ગાળામાં આ ગૅન્ગ સાથે જોડાયા હતા. મોટા ભાગે તેમણે છેતરપિંડીના પૈસા જમા કરાવવા બૅન્ક-અકાઉન્ટ્સ પૂરાં પાડવા માટે કે સિમ-કાર્ડ માટે દસ્તાવેજો આપવા જેવી ભૂમિકા ભજવી હતી. યુવરાજ સાઇબર ફ્રૉડની અન્ય મહત્ત્વની ગતિવિધિઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને એ છેલ્લાં ત્રણ વર્ષથી ચકમો આપી રહ્યો હતો. તે વિદેશમાં પણ કેટલાક લોકો સાથે સંપર્કમાં હતો અને તેને છેતરપિંડીની રકમમાંથી ૩ ટકા કમિશન મળતું હતું. તે અહીંના લોકલ બિઝનેસમૅનને ભોળવીને તેમના અકાઉન્ટમાં છેતરપિંડીના પૈસા જમા કરાવતો હતો અને એ માટે લોકલ બિઝનનેસમેનોને ૩ ટકા સુધી કમિશન પણ ઑફર કરતો હતો.
પનવેલના બિઝનેસમૅનને છેતરી ૪૦ લાખ પડાવ્યા
ઉપરોક્ત કેસના આરોપીઓની તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તેમણે પનવેલના એક બિઝનેસમૅનને છેતરીને તેની પાસેથી ૪૦ લાખ પડાવ્યા હતા. એ કેસમાં તેમણે બિઝનેસમૅને એમ કહ્યું હતું કે પહલગામ હુમલાના આતંકવાદીના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી હતી જેમાં તેનું નામ હતું. એ પછી કૉલ કરનારે તેને એમ કહ્યું હતું કે તે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ઑફિસર બોલે છે. આમ કહી તેની પાસેથી ૨૫ સપ્ટેમ્બરથી લઈને ૬ ઑક્ટોબર દરમ્યાન ૪૦ લાખ રૂપિયા પડાવ્યા હતા.

