અમેરિકન પ્રેસિડન્ટે ધરાર લાદેલી વધારાની તોતિંગ ૨૫ ટકા ટૅરિફ ૨૭ આૅગસ્ટથી અમલમાં આવવાની છે ત્યારે મુંબઈના જુદા-જુદા સેક્ટરના વેપારીઓ પાસેથી મેળવીએ જવાબ
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ૨૭ ઑગસ્ટથી ભારતથી તેમના દેશમાં આવતી વસ્તુઓ પર ૫૦ ટકા ટૅરિફ લગાડવાની આગોતરી જાહેરાત કરી છે. જો આ ટૅરિફ અમલી બનશે તો ભારતીય ચીજો અમેરિકામાં બહુ મોંઘી થઈ જશે. વધારાનો ટૅક્સ એક્સપોર્ટરો ભોગવે એવી માગણીને કારણે ભારતની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ પર માઠી અસર પડી શકે એવા ભણકારા સંભળાય છે ત્યારે મિડ-ડેએ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મુંબઈના અગ્રણીઓને પૂછ્યું કે તેમનું શું માનવું છે. તેમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત છે તેમનાં મંતવ્ય
શૉર્ટ ટર્મ લૉસ ઇઝ અ લૉન્ગ ટર્મ પ્રૉફિટ : નિપુલ કેનિયા, બૉમ્બે મેટ્રિક્સ સપ્લાય ચેઇન લિમિટેડ
ADVERTISEMENT
અમારી ૯૦ ટકા જેટલી એક્સપોર્ટ અમેરિકામાં થાય છે. અમે ઑટોમોબાઇલ પાર્ટ્સનું એટલે કે ઍલ્યુમિનિયમ પાર્ટ્સનું કાસ્ટિંગ કરીએ છીએ. મહિને સરેરાશ ૧૦ જેટલાં કન્ટેનરની અમે એક્સપોર્ટ કરીએ છીએ. લગભગ ૧૦૦થી ૧૨૦ કરોડ રૂપિયાનું કંપનીનું ટર્નઓવર છે. અમેરિકા ૨૭ ઑગસ્ટથી જે બમણો ટૅરિફદર વસૂલ કરવા જઈ રહ્યું છે એનાથી હું લાભ અને ગેરલાભ એમ બન્ને વસ્તુ જોઈ રહ્યો છું. પહેલાં ઍડ્વાન્ટેજની વાત કરું તો ટૅરિફનો માર આજે વિશ્વના અનેક દેશો સહન કરી રહ્યા છે. આજે ચીન પર પણ ખાસ્સીએવી ટૅરિફ નાખવામાં આવી છે. શક્ય છે કે ચીનથી ઘણો બિઝનેસ ભારત તરફ શિફ્ટ થઈ શકે છે જે ભારત માટે તક પણ બની શકે છે. આ હું એટલા માટે કહી રહ્યો છું કેમ કે થોડા સમય પહેલાં જ જ્યારે મિસ્ટર ટ્રમ્પે પ્રથમ ટૅરિફવધારો જાહેર કર્યો હતો ત્યારે ચીનથી ઘણા ઑર્ડર ભારતમાં ડાઇવર્ટ થઈ ગયા હતા. અમારી જ વાત કરું તો અમને જ ઘણા ઑર્ડર મળી ગયા હતા. મારી ટીમને પણ મેં ચીન મોકલી હતી. જો કાલે સિચુએશન ચેન્જ થાય અને ભારતની ટૅરિફ સૌથી હાઇએસ્ટ થાય તો કદાચ પરિસ્થિતિ બદલાઈ શકે છે, પરંતુ અત્યારે કંઈ કહેવાય નહીં. બીજું, ટ્રમ્પના ટૅરિફ-પ્લાનને લીધે અમેરિકાના લોકોમાં જ વિદ્રોહ થઈ રહ્યો છે એટલે નુકસાન થવાના ભયે ત્યાંની કેટલીક કંપનીઓ ભારતમાં ફૅક્ટરી નાખવાનો પણ વિચાર કરી શકે છે. એટલે અમે આ દિશામાં પૉઝિટિવ વસ્તુ પણ જોઈ રહ્યા છીએ. જો ૫૦ ટકા ટૅરિફ લાગશે તો પણ એની અસર એકાદ ક્વૉર્ટર સુધી જ ઇકૉનૉમી પર જોવા મળશે. પછી ફરી ધીરે-ધીરે બધું બરાબર થઈ જશે, કેમ કે ભારત જેવા મોટા અને ઝડપથી આગળ વધી રહેલા અર્થતંત્રની સાથે વેર બાંધવું કોઈ દેશને પરવડશે નહીં. મારા મહત્તમ કસ્ટમરો અમેરિકાના જ છે જેઓ ભારતની સાથે કામ કરવા માગે છે. ભારત પાસે લેબરથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાર્જેસ્ટ પોર્ટ જેવું બધું જ છે એટલે મારી દૃષ્ટિએ ટૅરિફથી ડરવાને બદલે મજબૂત બનીને આગળ વધવું જોઈએ. અમે પણ અમારી રીતે ટૅરિફના બોજને ઘટાડવાનો પ્રયત્નો કરીશું. જેમ કે અમારા માર્જિનને ઘટાડવા તરફ વિચારીશું. થોડું માર્જિન સપ્લાયર કટડાઉન કરશે, થોડું માર્જિન રૉ મટીરિયલ કટડાઉન કરશે તો ટૅરિફનો માર ઘણી હદ સુધી કાબૂમાં આવી જશે. કોવિડ વખતે વિશ્વભરમાં ચિંતા હતી કે આવી મહામારીમાંથી ભારત કેવી રીતે બહાર આવશે? કેવી રીતે કિટથી લઈને સેફ્ટી ઉપકરણો, દવા મૅનેજ કરશે? જોકે ભારતે એ કરી દેખાડ્યું અને આટલી મોટી જનસંખ્યા હોવા છતાં કોવિડમાંથી એ ઝડપથી બહાર આવી ગયું. જો આપણે કોવિડ સાથે લડી શકીએ છીએ તો ટૅરિફ જેવી બાબતથી ડરવું જોઈએ નહીં. કોઈ ને કોઈ રસ્તો નીકળી જશે. આગળ કહ્યું એમ માર્જિન ભલે ઘટાડીશું પણ ગ્રાહકોને નહીં જવા દઈએ. ગમે એમ કરીને બિઝનેસ તો કરીશું જ.
ટૅરિફ આવશે તો પેપરવર્કથી લઈને અમુક કૉમ્પ્લિકેશન્સ પણ વધશે : ધવલ સાવલા, જ્વેલરી એક્સપોર્ટર
અમારાં બે-ત્રણ યુનિટ છે જ્યાંથી અમને આ પ્રૉબ્લેમ અડચણરૂપ થઈ રહ્યો છે. અત્યારે અમે જે ક્ષેત્ર સાથે સંકળાયેલા છીએ એ સંપૂર્ણ અમેરિકા-ડિપેન્ડન્ટ જ છે. સિલ્વર, ગોલ્ડ વગેરે મેટલના રૉ મટીરિયલ પર વધારે યુરોપિયન દેશોની માલિકી છે એટલે આપણે એને ખરીદવું પડે છે. ત્યાર બાદ મુંબઈ, સુરત જેવા મોટા મૅન્યુફૅક્ચરિંગ હબમાં મેટલ પ્રોડક્ટનું મૅન્યુફૅક્ચરિંગ કરવામાં આવે છે જ્યાં ટૅરિફની અસર જોવા મળી શકે છે, પણ અત્યારે સચોટપણે કંઈ કહી શકાય નહીં. એક ઉદાહરણ આપું તો એક વીંટી છે જેની ભારતમાં અત્યારે ૨૫૦ ડૉલરની કૉસ્ટ પડે છે. જો એના પર ૫૦ ટકા ટૅરિફ લાદવામાં આવે તો હવે એની કૉસ્ટમાં ૫૬ ટકાનો વધારો થઈ જશે. એટલે મારા ત્યાંના જે હોલસેલર અથવા તો ખરીદદાર છે તેમના માટે એની કિંમત સીધી ૫૬ ટકા વધી જશે. એટલે અમારા કરતાં અમેરિકાના હોલસેલર અને ખરીદદારોને વધારે અસર થશે. તેમણે હવે વધારે નાણાં ચૂકવવાં પડશે. હવે એમાં અલગ-અલગ રીતે વર્કિંગ કરીને કૉસ્ટિંગ કરીએ. જેમ કે એમાં હીરાની કૉસ્ટ અલગ ગણીએ કે એ ક્યાંથી આવેલા છે એ પ્રમાણે કૉસ્ટિંગ કાઢીએ, પછી મેઇન મેટલ ક્યાંનું છે અને કયા દેશથી આવેલું છે એ મુજબ એની કૉસ્ટ અલગ ગણીએ તો ભાવમાં ફરક પડી શકે. એટલે વીંટીનું કૉસ્ટિંગ અલગ-અલગ કરીને હિસાબ જોડી શકાય. કહેવાનો અર્થ એ કે મૅન્યુફૅક્ચરિંગ પર આની અંદર કોઈ મેજર અસર નહીં પડે, પણ જે વસ્તુ બહારથી મગાવવી પડે છે - જેમ કે ભારતમાં એટલું બધું સોનું નથી એટલે ગોલ્ડ માટે આપણે બીજા દેશ પર આધાર રાખવો પડે છે, હીરા જે છે એ મોટા ભાગે આફ્રિકાથી આવે છે. તો એ અમેરિકામાં ગયા પછી જે ડ્યુટી લાગતી હશે એ પ્રમાણે એનો ભાવ વધશે. દરેક વસ્તુ પર ડ્યુટી અલગ લાગે છે. જેમ કે માત્ર હીરા પરની અલગ ડ્યુટી હોય છે. એ ક્યાંથી આવેલા છે એના આધારે પણ ડ્યુટી નક્કી થતી હોય છે. સોનું આપણું છે કે તેમનું? જો તેમનું જ હોય તો એ પ્રમાણે ડ્યુટી લાગે. એમ બધી વસ્તુઓને ગણતરીમાં લીધા બાદ ઍક્ચ્યુઅલ ભાવ સામે આવશે. જોકે આ બધી બાબતોની અસર અહીં એટલી નહીં પડે. જો કોઈ અસર કદાચ આવી શકે તો એ છે કે અત્યારે સોનાના ભાવ આભે પહોંચી ગયા છે તો એનાથી લોકલમાં ખરીદી સંભવત: ઘટી શકે છે, મતલબ લિમિટેડ થઈ શકે છે. જોકે આ તો માત્ર સંભાવના છે. બાકી ગોલ્ડની ડિમાન્ડ ક્યારેય ઘટી નથી. અમને અત્યારે તો કોઈ અસર થઈ નથી અને નજીકના ભવિષ્યમાં પણ કોઈ અસર દેખાતી નથી. જો ટૅરિફ બાદ ઇમ્પૅક્ટ આવશે તો આખી ઇન્ડસ્ટ્રી પર આવશે. અનેક બદલાવ આવશે એટલે વેચાણકારો માટે પેપરવર્ક વધશે, પ્રોસેસ બદલાશે. એમાં કૉમ્પ્લિકેશન્સ પણ આવી શકે. નાની વસ્તુઓ પર જુદી-જુદી ટૅરિફની ટકાવારી ગણવી પડશે. તો કામ થોડું અઘરું બનશે, પણ આ ટૂંકા ગાળા માટે થોડી તકલીફ ઊભી કરશે.
ત્રણ-ચાર મહિનાની અંદર બધું સ્ટ્રીમલાઇન થઈ જશે. અમેરિકામાં હવે નાતાલ, હૅલોવીન જેવા તહેવારો આવશે. એનું પ્રોડક્શન આપણે ત્યાં ચાલુ થઈ ગયું છે અને ત્યાંના તહેવારોને શરૂ થવામાં પણ હજી કેટલાક મહિનાઓ બાકી છે. હજી સુધી ટૅરિફ પર કોઈ અંતિમ નિર્ણય પણ બન્ને પક્ષેથી લેવાયો નથી એટલે અત્યારે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. કદાચ એવું પણ બને કે ભારત પર દબાણ વધારવા ટૅરિફમાં વધારો પણ કરવામાં આવે. જોકે આ બધી વસ્તુમાં એવું થશે કે અહીં મૅન્યુફૅક્ચરિંગ સ્લો થઈ જશે, કેમ કે જો રૉ મટીરિયલના સોર્સિંગ ચેન્જ થશે તો મટીરિયલ આવવામાં ડિલે થઈ શકે છે. કોઈ વખત મટીરિયલ ન પણ આવે એવું બની શકે. એટલે એની અસર મૅન્યુફૅક્ચરિંગ પ્રોસેસ પર પડી શકે જે અત્યારે સ્પષ્ટપણે દેખાઈ નથી રહી, કેમ કે હજી સુધી વધારાની ટૅરિફ પર કોઈ ડીટેલમાં સ્પષ્ટતા આવી નથી. ઓવરઑલ કામની વાત કરીએ તો અમારો બિઝનેસ સીઝનલ છે. ત્યાં હવે નાતાલ આવશે જેના માટે હજી ત્રણ-ચાર મહિનાની વાર છે એટલે જો વધારાની ટૅરિફ લાગશે તો એ સમયે ત્યાંના ગ્રાહકોએ અમારી વસ્તુ ખરીદવા માટે કેટલી રકમ ચૂકવવી પડી શકે છે એ તેમને પણ ખબર નથી અને અમને પણ નથી. એટલે સંભાવના છે કે તેઓ બીજા દેશની પ્રોડક્ટ તરફ પણ જઈ શકે છે જે સ્પર્ધા વધારી શકે છે. ઘણા તો મૅન્યુફૅક્ચરિંગ યુનિટ જ બીજા દેશોમાં ખસેડી દેતા હોય છે. એટલે પડકારો તો ઘણા છે. આગળ કહ્યું એમ અત્યારે બધું બરાબર ચાલે છે અને કોઈ કામ અટકી નથી રહ્યું, પણ ટૅરિફમાં વધારો થઈ જશે પછી જ ઍક્ચ્યુઅલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે.
ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઑલરેડી અન્ડરપ્રેશર છે, એમાં આ ટૅરિફ કમર તોડી નાખશે : હરેશ પારેખ, ટેક્સટાઇલ અસોસિએશન ઑફ ઇન્ડિયાના મુંબઈ યુનિટના સેક્રેટરી
સાડીથી લઈને દરેક ગાર્મેન્ટની અમેરિકામાં ખૂબ ડિમાન્ડ રહેતી હોય છે. ખાસ કરીને સુરતની સાડીની. આ ટૅરિફ બાદ સાડીની નિકાસ પર વધારે અસર થઈ શકે છે એવું મને લાગે છે. ૫૦ ટકા એટલે બહુ કહેવાય. એક તો આપણે ત્યાં લેબર-કૉસ્ટ બહુ વધારે છે. ચીન વગેરે પાડોશી દેશોમાં લેબર-કૉસ્ટ આપણા કરતાં ઓછી છે જેને લીધે આપણે ઑલરેડી પ્રાઇસ-પ્રેશર હેઠળ કામ કરી રહ્યા છીએ. એમાં આ ટૅરિફ કમર તોડી નાખશે. માત્ર લેબર-કૉસ્ટ જ નહીં; ઇલેક્ટ્રિસિટી ચાર્જ, ફૅક્ટરી એક્સ્પેન્સ વગેરે ગણીએ તો આપણે માર્કેટમાં ઊભા પણ ન રહી શકીએ એવી હાલત થઈ જશે. બીજું ફૅક્ટર છે બંગલાદેશ. બંગલાદેશમાં આપણું ફૅબ્રિક જતું હોય છે અને ત્યાંથી એ ફરી ભારતમાં ગાર્મેન્ટ બનીને આવે છે અને પછી એને એક્સપોર્ટ કરવામાં આવે છે. બંગલાદેશમાં અમુક કામ સસ્તું પડે છે અને અહીં મોંઘું પડે છે એટલે આપણે ત્યાં મોકલીએ છીએ અને પૈસા બચાવીએ છીએ, પણ ટૅરિફ લાગશે પછી આપણે કંઈ બચાવી શકીશું નહીં.
દરેક ફૅક્ટરીના માથે અનેક એક્સ્પેન્સિસ હોય છે. દર મહિને લેબરચાર્જ તો ચૂકવવો જ પડતો હોય છે. ગવર્નમેન્ટના ટૅક્સ પણ ચૂકવ્યા વગર છૂટકો નથી. ઇલેક્ટ્રિસિટીનાં બિલ પણ મોટાં આવે અને જો એ ચૂકવવામાં ન આવે તો માણસો આવીને કાપી જાય છે. કહેવાનો અર્થ એ કે આવી સ્થિતિમાં ટૅરિફનું આગમન ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પાડશે. આગામી ૧૦-૧૫ દિવસમાં ટેક્સટાઇલ અસોસિએશનની મીટિંગ મળવાની છે. એમાં અમે પીયૂષ ગોયલ સમક્ષ પ્રસ્તાવ મૂકવાનું વિચારી રહ્યા છીએ તેમ જ ટેક્સટાઇલ મિનિસ્ટર સાથે પણ આ વિશે વાત કરવાના છીએ. એવી પણ વાત ચાલે છે કે સરકાર કૉટન ઇન્ડસ્ટ્રીને કેટલીક સબસિડી આપવાનું વિચારી રહી છે. એવી વાતો છે, પણ ક્યારે આપશે અને કેટલી આપશે એ વિશે કોઈ હજી સ્પષ્ટતા નથી અને કદાચ સબસિડી મળી પણ જાય તો એમાં મહારાષ્ટ્રના એકમોને વધારે ફાયદો થશે, પણ સુરતમાં તો વધારે આર્ટ સિલ્કવાળા જ છે એટલે ત્યાં મર્યાદિત ફાયદો થશે. ઘણા લોકો કહે છે કે ટૅરિફને લીધે પાડોશી દેશોની ટેક્સટાઇલ માર્કેટને લાભ મળશે અને ભારતના ક્લાયન્ટ્સ એના પાડોશી દેશો તરફ વળી જશે. જોકે આ શક્ય લાગતું નથી, કેમ કે આપણો પાડોશી દેશ ખાસ કરીને બંગલાદેશ માત્ર ગાર્મેન્ટ્સમાં જ એક્સપર્ટ છે; જ્યારે આપણે ફૅબ્રિક, યાર્ન, ગાર્મેન્ટ્સ એમ બધું જ એક્સપોર્ટ કરીએ છીએ. ભારતની યાર્ન માર્કેટ દેશનાં અનેક મોટાં શહેરોમાં છે. જોકે એના પર ટૅરિફની અસરને નકારી શકાતી નથી. આપણો મુખ્ય બિઝનેસ યાર્નનો છે. હવે વીવિંગ ઓછું થઈ ગયું છે અને સ્પિનિંગ વધી ગયું છે. બીજા દેશો પણ સ્પિનિંગ કરે છે અને એક્સપોર્ટ કરે છે. જો બાયરને બીજા દેશમાં સસ્તું પડશે તો તે ત્યાંથી ખરીદી વધારી શકે છે જેને લીધે સ્પિનિંગ યાર્નની એક્સપોર્ટને પણ અસર થઈ શકે છે.

