તામિલનાડુના પિલ્લયારપટ્ટી ગામે બિરાજેલા કરપગા વિનાયકના બે જ હાથ છે. એ તો આ પ્રતિમાની વિશેષતા છે જ, ઉપરાંત તેમની મૂર્તિ ગણપતિની પ્રાચીનતમ મૂર્તિ હોવાનું કહેવાય છે. ગણેશ ઉત્સવના દસ દિવસોમાં અહીં સેંકડો ભાવિકો સ્થિરવાસ કરે છે, ઉપવાસ કરે છે.
પિલ્લેયારપટ્ટી પહાડીઓની એક ગુફામાં અનોખા બાપ્પા બિરાજમાન છે
તામિલનાડુના પિલ્લયારપટ્ટી ગામે બિરાજેલા કરપગા વિનાયકના બે જ હાથ છે. એ તો આ પ્રતિમાની વિશેષતા છે જ, ઉપરાંત તેમની મૂર્તિ ગણપતિની પ્રાચીનતમ મૂર્તિ હોવાનું કહેવાય છે. ગણેશ ઉત્સવના દસ દિવસોમાં અહીં સેંકડો ભાવિકો સ્થિરવાસ કરે છે, ઉપવાસ કરે છે, કુંભજાપનું વિશેષ અનુષ્ઠાન કરે છે. એ ઉપરાંત આ દિવસોમાં રોજ પાર્વતીપુત્રને અલગ-અલગ રથમાં બેસાડીને યાત્રા નીકળે છે.
આપણે પહેલાં પણ તામિલનાડુ રાજ્યનાં એકથી એક ચડિયાતાં મંદિરોની વાતો કરી છે. અહીં સેંકડો દેવળો ભવ્ય હોવા સાથે પ્રાચીન તો છે સાથે દરેક મંદિરની અનૂઠી વિશિષ્ટતાઓ પણ છે. અરે, એ કારણે જ તો વિદેશી ટૂરિસ્ટો આ રાજ્યની ખાસ ટેમ્પલ ટૂર કરવા પોતાના દેશોથી મોટા પ્રમાણમાં અહીં આવે છે. વેલ, આપણેય તીર્થાટનમાં અહીંનાં અનેક મંદિરોની માનસ યાત્રા કરી છે, પરંતુ ગણેશોત્સવના સપરમા દહાડા ચાલી રહ્યા છે ત્યારે તામિલનાડુના શિવગંગાઈ જિલ્લામાં આવેલા પિલ્લયારપટ્ટીના કરપગા વિનયગરની માનસીપૂજા કરના તો બનતા હૈ અન્ના. સો લેટ્સ ગો ટુ મદ્રાસ સ્ટેટ.
તામિલનાડુ એક લાખ ત્રીસ હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલું રાજ્ય છે ને એમાં ૩૮ ડિસ્ટ્રિક્ટ છે. રાજ્યના દક્ષિણ પૂર્વીય દિશામાં આવેલા રામનાથપુરમ (જ્યાં પવિત્ર ધામ રામેશ્વરમ આવેલું છે) જિલ્લાને અડીને શિવગંગઈ નામક જિલ્લો છે એ હિસ્ટોરિકલ અને રિલિજિયસ સાઇટ્સ માટે જાણીતો છે. આ જિલ્લામાં જ પિલ્લેયારપટ્ટી પહાડીઓની એક ગુફામાં અનોખા બાપ્પા બિરાજમાન છે જે વર્લ્ડના વન ઑફ ધ ઓલ્ડેસ્ટ વક્રતુંડની સૂચિમાં તો આવે છે સાથે અહીંના ગજાનન જેવી મૂર્તિ આખા ભારતમાં બીજે ક્યાંય નથી.
ઍક્ચ્યુઅલી અહીંના એકદંત પર્વતની એક વિશાળ ચટ્ટાન કંડારીને બનાવવામાં આવ્યા છે. કહેવાય છે કે આનું નિર્માણ પાંડિયન રાજાઓના રાજ્યકાળ દરમિયાન પેરુપરાનન નામક મૂર્તિકારે કર્યું છે જેનો ઉલ્લેખ આજે પણ આ ગુફા મંદિરના ગર્ભગૃહના એક શિલાલેખમાં છે. અભ્યાસુઓના મતે આ મૂર્તિનું નિર્માણ ચોથી સદીમાં થયું હોઈ શકે કારણ કે શિલાલેખમાં જે લિપિ છે એ લિપિ અહીં બીજીથી પાંચમી સદી દરમિયાન પ્રયોગમાં હતી.
વેલ, આજે ચાલે છે એકવીસમી સદી અને મૂર્તિનો નિર્માણકાળ છે ચોથી સદી. એ ન્યાયે મંદિર રોકડા ૧૬૦૦ વર્ષ પૂર્વેનું તો ખરું જ. જોકે આ ગુફામાં ગણપતિજી સિવાય અન્ય પાષાણની ૧૩ મૂર્તિઓ છે અને તેમના કાર્બન ડેટિંગ અનુસાર એ ઈસવી સનનાં પણ ૫૦૦ વર્ષ પૂર્વેથી લઈ ઈ. સ. ૧૨૮૪ સુધીમાં બની છે. ઑબ્વિયસલી, કરપગા વિનાયક આ ૧૪ મૂર્તિ સમૂહના મુખ્ય દેવતા છે. હવે આ પ્રતિમાની વિશિષ્ટતાની વાત કરીએ તો ૬ ફીટ ઊંચા ને ૫ ફીટ પહોળા બાપ્પા શ્યામ ચટ્ટાનમાં કંડારાયેલા છે.
વિજય કે દેવતા જેવા ઉપનામથી નવાજવામાં આવતા આ બાપ્પાની સૂંઢ જમણી તરફ વળેલી છે અને મહત્ત્વની વાત તો એ કે જનરલી ગણપતિની પ્રતિમા મિનિમમ ચાર હસ્તધારી તો હોય જ, પણ અહીં બાપ્પાને મનુષ્યની જેમ બે જ હાથ છે. હવે બે હાથ કેમ છે એનું તાત્ત્વિક કારણ મંદિરના સંચાલકો પાસે નથી, પણ એ કહીકત છે કે બાપ્પા બે હાથે પણ દરેક ભક્તને ખોબા ભરીને આશીર્વાદ આપે છે.
દક્ષિણ ભારતની વેપારી કોમ નટ્ટુકોટાઈ ચેટ્ટિયાર કમ્યુનિટીનું મુખ્ય મંદિર ગણાતા આ કરપગા વિનાયકનું પેટ પણ અન્ય ગણેશમૂર્તિની જેમ દુંદાળું નથી તેમ જ અહીં તેઓ પદ્માસનમાં બેઠા છે. વળી મૂર્તિનો ચહેરો ધ્યાનથી જોઈએ તો લંબોદરના ડાબી તરફના તૂટેલા દાંતથી તેમના મસ્તકને ફરતી એક કાલ્પનિક અર્ધવર્તુળાકાર રેખા ખેંચવામાં આવે, પછી બેઉ કાનને જોડતી એક લીટી ખેંચાય અને અર્ધ દાંતથી લઈ સૂંઢના મૂળ સુધી હજી એક લાઇન દોરાય તો તામિલ વર્ણમાળાનો ‘ઓ’ અક્ષર બને. પછી તેમના બે હાથમાંથી જમણા હાથમાં રાખેલા શિવલિંગમનો મ્ અક્ષર લઈને એ બેઉ અક્ષર જોડીએ તો પૂર્ણ શબ્દ ‘ઓમ’ બને. જોકે મોટા ભાગના સમયમાં આ પરમેશ્વરનું શરીર ડાયરેક્ટ તો દેખાતું જ નથી કારણ કે આ વિશાળ પ્રતિમા શુદ્ધ સોનાના બીબાથી ઢંકાયેલી રહે છે. ધ્યાનાવસ્થામાં હોવાથી આ પ્રતિમા જ્ઞાનદાયક કહેવાય છે. આથી વેદો તથા આગમોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અહીં પવિત્ર મંત્રોના જાપ કરે છે, પછી એ પવિત્ર ગ્રંથોનો અભ્યાસ શરૂ કરે છે.
આ રૉક કટ મંદિરમાં બાપ્પા ઉપરાંત તેમના બાપુજી (પશુપતીશ્વર)નું પણ સુંદર શિવલિંગ છે. એ ઉપરાંત સપ્તમાતૃકાઓને સમર્પિત અલાયદી જગ્યા છે. કહે છે કે આ સ્થાનનું રક્ષણ નાગરાજ કરે છે એટલે નાગરાજની પણ સુંદર મૂર્તિ છે. દરેક સાઉથ ઇન્ડિયન મંદિરમાં હોય એવું જ રંગબેરંગી ગોપુરમ (પ્રવેશદ્વાર), શિખર તેમ જ મંડપમ્ અહીં પણ છે. મૂળે હાલનું આ મંદિર ત્રણ કાળખંડમાં વિસ્તરણ પામ્યું છે. પહેલા ફેઝમાં ગણેશની મૂર્તિ, શિવલિંગ આદિ મૂર્તિઓ બની. એ પછી ૯થી ૧૨મી સદી દરમિયાન અન્ય મૂર્તિઓ પણ બની અને ગુફા મંદિરની ઉપર નકશી થવા સાથે એનો વિસ્તાર પણ વધારાયો. એ પછીનો ઇતિહાસ બહુ સચવાયો નથી પરંતુ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પૂર્ણ મંદિરના જીર્ણોદ્ધાર થવા સાથે મુખ્ય ગુફાનો રસ્તો પહોળો કરાયો અને એ દરમિયાન ૧૧મી સદીમાં બનેલી કેટલીક પ્રતિમાઓ સાંપડી. સો-સવાસો વર્ષ પૂર્વે મંદિરનું ગોપુરમ, શિખર બનવા સાથે સરોવર પણ બન્યું અને મંદિરમાં રહેલા સ્તંભનું નૂતનીકરણ થયું. આજે વિશાળ એરિયામાં ફેલાયેલું વિનાયક મંદિર પ્રાચીન અને મધ્યકાલીન અને અર્વાચીન મૂર્તિઓ, આર્કિટેક્ચર અને તવારીખ સમાવીને બેઠેલું સનાતન ધર્મનો અણમોલ નગીનો છે. વળી સોનામાં સુંગધ ભળે એવી વાત એ છે કે એ આટલાં વર્ષોથી ભાવિકોની પૂજા-અર્ચના, શુભભાવ, આસ્થા તથા વેદ-આગમના સતત મંત્રોચ્ચારથી આ મંદિર પૉઝિટિવ ઊર્જાનું સ્રોત બની ગયું છે.
શિલાકટ ગણેશની સાથે અહીં અર્ધનારીશ્વર અથવા હરિહર સ્વરૂપની યુગલ મૂર્તિ પણ અદ્ભુત છે. એ ઉપરાંત ટેમ્પલ કૉમ્પ્લેક્સમાં નટરાજ, ચંદેસર, શિવકામી અમ્મન મંદિર પણ પુરાણાં છે. તો સપ્ત માતૃકા, ભૈરવ, સોમસ્કંદ, કાર્તિકેય (તેમનાં પત્ની વલ્લી અને દેવસેના સહિત), પશુપતીશ્વર અને નવગ્રહ મંદિર પણ છે. અહીં આવતા ભક્તોને ગન્નુબાપા સાથે બીજા દેવો પર પણ અસીમ શ્રદ્ધા છે. કેટલાક ભક્તો ધનપ્રાપ્તિ માટે અહીંના પશુપતીશ્વરની આરાધના કરે છે. તો સંતાન માટે દેવસેના અને વિવાહની પૂર્તિ માટે વલ્લીને પૂજે છે. ને મહાકાયને સર્વ ઇચ્છા પૂર્તિ કરનાર કલ્પવૃક્ષ સમાન ગણી હૃદયસ્થ રાખે છે. માંગલિક કુંડળી ધરાવનારી સ્ત્રીઓ અહીંનાં કથ્યયિની અમ્માની પૂજા કરે છે. આ ઉપરાંત અહીં આવતા શ્રદ્ધાળુઓ પરિસરમાં આવેલા મરુદામારમ (સ્ટાર ફ્રૂટ આપતું ટર્મિનલિયા અર્જુન) નામક વૃક્ષનું પણ અર્ચન કરે છે. આ વૃક્ષને કારણે મંદિરના દેવતાને મરુદેશ્વર પણ કહેવાય છે. જોકે અહીં મરુધીસર નામે શિવલિંગ પણ છે.
તામિલ ભાષામાં વિનાયગાનો અર્થ છે અતુલનીય નેતા અને કરપગમ્ મીન્સ કલ્પવૃક્ષ. કુબેરની દિશા (ઉત્તર દિશામાં) મુખ રાખીને બિરાજમાન આ દેવ બુદ્ધિ, બળ, સંપત્તિ, સ્વાસ્થ્ય અને સકારાત્મક કામનાઓની પૂર્તિ કરનારા હોવાથી કાળાંતરે તેઓ કરપગા વિનાયક નામે ઓળખાવા લાગ્યા અને હવે આ નામ જ વધુ પ્રચલિત છે.
હવે મેઇન વાત કરીએ કે અહીં કઈ રીતે જવાય? તો પિલ્લયારપટ્ટી કરાઈકુંડી સ્ટેશનથી ફક્ત ૧૩ કિલોમીટર દૂર છે અને કરાઈકુંડી સ્ટેશન ચેન્નઈથી રામેશ્વર જતી ટ્રેનમાં આવે છે અને દરેક ટ્રેન અહીં હૉલ્ટ પણ કરે છે.
મીનાક્ષી મંદિરનું શહેર મદુરાઈથી પહાડી ગુફામાં આવેલું બાપ્પાનું નિવાસસ્થાન ૭૦ કિલોમીટર છે અને તિરુચિરાપલ્લી (ત્રિચી)થી પિલ્લયાર પટ્ટી ઓન્લી ૯૧ કિલોમીટર. આ દરેક સ્થળેથી પિલ્લયાર પટ્ટી જવા સરકારી અને ખાનગી વાહનો મળે છે. રહેવા માટે મંદિરની સરસ આવાસ સુવિધા છે અને મુખ્ય હાઇવે પર બજેટેડ હોટેલ્સ પણ છે. અન્યથા કરાઈકુંડી ઇઝ બિગ ટાઉન. અહીં અનેક હોટેલ્સ પણ છે, હોમસ્ટે પણ છે ને ચેટ્ટિયાર હોમ્સ ધરાવતી લક્ઝરી વિલાઓ પણ છે. પિલ્લયાર પટ્ટીમાં સાઉથ ઇન્ડિયન સ્નૅક્સ (ગુજરાતીઓ માટે તો જમવાનું જ ગણો ઢોસા, ઇડલી, વડાઈ વગેરે) તથા કાપી (કૉફી) મળી રહે છે ને કરાઈકુંડીમાં બધા જ પ્રકારનું કૉન્ટિનેન્ટલ, ભારતીય ખાણું મળી જાય છે.

