પ્રાથમિક માહિતી જાણવા પોલીસે દુકાનમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ તપાસતાં મહિલા હાથચાલાકી કરીને દાગીના સેરવી જતી હોવાનું જોવા મળ્યું હતું
ઘાટકોપરની મોહન જ્વેલર્સમાં દાગીના તફડાવતી મહિલા CCTV કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી.
ઘાટકોપર-વેસ્ટના LBS રોડ પર સંઘાણી એસ્ટેટમાં તારા અપાર્ટમેન્ટમાં આવેલી મોહન જ્વેલર્સમાં રવિવારે સાંજે દાગીના ખરીદવાના બહાને આવેલી એક બુરખાધારી મહિલા ૨,૮૧,૦૦૦ રૂપિયાના દાગીના તફડાવી ગઈ હોવાની ફરિયાદ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં શુક્રવારે નોંધાઈ હતી. પ્રાથમિક માહિતી જાણવા પોલીસે દુકાનમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ તપાસતાં મહિલા હાથચાલાકી કરીને દાગીના સેરવી જતી હોવાનું જોવા મળ્યું હતું. આ પહેલાં પણ ઘાટકોપર, કુર્લા અને વિદ્યાવિહારના જ્વેલર્સની દુકાનમાં બુરખાધારી મહિલાએ ચોરીને અંજામ દીધો હોવાની માહિતી સામે આવ્યા બાદ આ કોઈ ગૅન્ગનું કામ હોવાની શંકાના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મોહન જ્વેલર્સના માલિક રાજેશ સિંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાતે ૮ વાગ્યાની આસપાસ ૬ મહિલાઓ મારી દુકાનમાં દાગીના ખરીદવા આવી હતી. એમાંથી પાંચ મહિલાઓ મારી ઓળખીતી હોવાથી છઠ્ઠી મહિલા પણ તેમની સાથે હશે એવું માનીને મેં તેમને દાગીના દેખાડવાની શરૂઆત કરી હતી. પાંચ મહિલાથી અલગ ઊભેલી તે મહિલાએ સોનાના હાર જોઈને એકથી બે હાર વજન કરાવીને સાઇડમાં મુકાવ્યા હતા અને બીજા હાર દેખાડવાનું કહ્યું હતું. એ અનુસાર તેને બીજા હાર દેખાડવામાં આવી રહ્યા હતા. આશરે અડધો કલાક બાદ અલગ ઊભેલી મહિલા દાગીના ખરીદ્યા વગર દુકાનમાંથી નીકળી ગઈ હતી. દરમ્યાન તાજેતરમાં દુકાનના સ્ટૉકમાં માલ ઓછો મળી આવતાં દુકાનમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ બારીકાઈથી તપાસવામાં આવતાં રવિવારે રાતે આવેલી મહિલા દુકાનમાંથી બહાર જતી વખતે એક હાર અને સોનાની બુટ્ટી એમ ૨,૮૧,૦૦૦ રૂપિયાના દાગીના પોતાની સાથે હાથચાલાકી કરીને લઈ જતી જોવા મળી હતી. અંતે આ ઘટનાની ફરિયાદ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.’
ADVERTISEMENT
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુરખામાં દાગીના ખરીદવા આવીને ચોરી કરવાના આ પહેલાં પણ અનેક બનાવ સામે આવ્યા છે. ઘાટકોપર, વિદ્યાવિહાર અને કુર્લામાં છેલ્લા એક વર્ષમાં આવી અનેક ઘટનાઓ નોંધાઈ છે. અમને શંકા છે કે આ કોઈ એક ગૅન્ગનું કામ છે. આ કેસમાં અમે વધુ તપાસ શરૂ કરી છે.’

