Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ડાયમંડ ઇન્ડિયાના ભૂતપૂર્વ CEO નિરાકાર ચંદની BullionXના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક

ડાયમંડ ઇન્ડિયાના ભૂતપૂર્વ CEO નિરાકાર ચંદની BullionXના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક

Published : 09 September, 2026 03:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઇન્ડિયા ગોલ્ડ મેટાવર્સે ડાયમંડ ઇન્ડિયાના પૂર્વ CEO નિરાકાર ચંદને BullionXના MD બનાવ્યા. તેઓ પ્લેટફૉર્મના દેશવ્યાપી વિસ્તરણનું નેતૃત્વ કરશે. બુલિયન માર્કેટમાં ચાર દાયકાનો અનુભવ ધરાવતા નિરાકાર ચંદ BullionXના વિકાસ સાથે ઉદ્યોગ જોડાણ અને વિસ્તરણ સંભાળશે.

બુલિયન માર્કેટના દિગ્ગજ નિરાકાર ચંદને BullionXની કમાન, ચાર દાયકાના અનુભવનો મળશે લાભ

બુલિયન માર્કેટના દિગ્ગજ નિરાકાર ચંદને BullionXની કમાન, ચાર દાયકાના અનુભવનો મળશે લાભ


ઇન્ડિયા ગોલ્ડ મેટાવર્સ (IGM)એ ડાયમંડ ઇન્ડિયા લિમિટેડના ભૂતપૂર્વ CEO નિરાકાર ચંદની પોતાના બુલિયન માર્કેટ વર્ટિકલ BullionXના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે. ટેક્નૉલૉજી આધારિત BullionX સંસ્થાકીય ટ્રેડર્સ, બુલિયન ડીલર્સ અને મોટા જ્વેલર્સ માટે સોનું અને અન્ય કિંમતી ધાતુઓના વેપારને લગતી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. બુલિયન અને ફાઇનાન્શિયલ માર્કેટમાં લગભગ ચાર દાયકાનો અનુભવ ધરાવતા નિરાકાર ચંદ તેમની નવી ભૂમિકામાં BullionXના વિકાસ, ઉદ્યોગ સાથેના જોડાણ અને દેશવ્યાપી માર્કેટ વિસ્તરણની જવાબદારી સંભાળશે.

SBIમાં 22 વર્ષ અને ડાયમંડ ઇન્ડિયામાં 16 વર્ષનો અનુભવ



નિરાકાર ચંદે પોતાની કારકિર્દીનાં 22 વર્ષ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)માં વિતાવ્યાં છે. એમાંથી છ વર્ષ તેમણે બુલિયન ક્ષેત્રમાં અને 16 વર્ષ કૉર્પોરેટ ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ તથા જનરલ મૅનેજમેન્ટમાં કામ કર્યું હતું. ત્યાર બાદ તેઓ 16 વર્ષ સુધી ડાયમંડ ઇન્ડિયા લિમિટેડના CEO રહ્યા હતા. ડાયમંડ ઇન્ડિયા સોના-ચાંદીની આયાત અને વિતરણ માટે અધિકૃત નૉમિનેટેડ એજન્સી તરીકે કાર્ય કરે છે અને દેશભરના 1,200થી વધુ નાના અને મધ્યમ કદના નિકાસકારોને સેવાઓ પૂરી પાડે છે.


BullionXમાં શું જવાબદારી રહેશે?

BullionX દ્વારા રિયલ-ટાઇમ સ્પૉટ અને ફ્યુચર્સ પ્રાઇસિંગ, એક ક્લિકમાં ખરીદ-વેચાણ, ઑર્ડર મૅનેજમેન્ટ અને માર્કેટને લગતી માહિતી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ પ્લેટફૉર્મ મુખ્યત્વે સંસ્થાકીય ટ્રેડર્સ, બુલિયન ડીલર્સ અને મોટા જ્વેલર્સ માટે તૈયાર કરવામાં આવ્યું છે. IGMના ‘વન નેશન, વન માર્કેટ, વન પ્રાઇસ’ના વિચાર હેઠળ BullionX ઑનલાઇન અને ઑફલાઇન બિડ તથા આસ્ક માટે ઓપન APIનો ઉપયોગ કરીને માગ અને પુરવઠાની માહિતી એક જ ડૅશબોર્ડ પર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત તેમાં ‘ગોલ્ડ ટીવી’ અને સર્ટિફિકેશન કોર્સ માટેની અકૅડેમી જેવી સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.


ચાર ટેક્નૉલૉજી પ્લેટફૉર્મ પર IGMનું કામ

  • ઇન્ડિયા ગોલ્ડ મેટાવર્સ બ્લૉકચેઇન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફાઇનાન્શિયલ માર્કેટ ટેક્નૉલૉજીના ઉપયોગ સાથે ચાર મુખ્ય પ્લેટફૉર્મ પર કામ કરે છે.
  • Elanzia: જ્વેલર્સ અને બુલિયન માર્કેટ સાથે જોડાયેલા B2B તથા B2C ગ્રાહકો માટેનું ડિજિટલ મેટાવર્સ પ્લેટફૉર્મ.
  • RamMudra:બ્લૉકચેઇન આધારિત ડિજિટલ ગોલ્ડ, સોનાના સિક્કા અને ગોલ્ડ બૅક્ડ સ્ટેબલ ટોકન માટેનું પ્લેટફૉર્મ.
  • GoldSense:AI આધારિત સોનાની શુદ્ધતા ચકાસતું ડિજિટલ કેરેટોમીટર.
  • BullionX: અસરકારક પ્રાઇસ ડિસ્કવરી, લિક્વિડિટી અને સેટલમેન્ટ માટે તૈયાર કરાયેલું સંસ્થાકીય ટ્રેડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.

‘વિશ્વસનીય અને સર્વસમાવેશક વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ’

પોતાની નિમણૂક અંગે નિરાકાર ચંદે જણાવ્યું હતું કે, “પારદર્શકતા, ડિજિટલ પહોંચ અને મજબૂત સંસ્થાકીય માળખા દ્વારા ગોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવવાનું વિઝન ધરાવતી IGM સાથે જોડાઈને મને આનંદ થાય છે. બુલિયન માર્કેટની ક્ષમતાનો વધુ સારી રીતે ઉપયોગ થઈ શકે અને દરેક હિતધારકને લાભ મળે તેવી વિશ્વસનીય અને સર્વસમાવેશક વ્યવસ્થા ઊભી કરવા માટે હું IGMના મૅનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ સાથે કામ કરવા આતુર છું.” IGMના મેનેજિંગ ડિરેક્ટર અને CEO લેમન રુટને જણાવ્યું હતું કે, “બુલિયન માર્કેટમાં નિરાકાર ચંદનો લાંબો અનુભવ અને ઉદ્યોગ સાથેના તેમના સંબંધો IGMની ટીમ માટે ઉપયોગી બનશે. માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં તેમના વ્યૂહાત્મક નેતૃત્વનો લાભ મળશે.” IGMના જણાવ્યા પ્રમાણે ભારતીય પરિવારો પાસે અંદાજે 25,000 ટન સોનું છે, જેની કિંમત આશરે 2.4 ટ્રિલિયન ડૉલર થાય છે. કંપનીનો ઉદ્દેશ ટેક્નૉલૉજી દ્વારા ગોલ્ડ અને કિંમતી ધાતુઓના અસંગઠિત માર્કેટમાં જોવા મળતી અલગ-અલગ કિંમતો, વિશ્વાસનો અભાવ અને મર્યાદિત ડિજિટલ સ્વીકૃતિ જેવા પડકારોનો ઉકેલ લાવવાનો છે. કંપનીએ તાજેતરમાં પસંદગીના એન્જલ ઇન્વેસ્ટર્સ પાસેથી ભંડોળ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેમાં IGMનું મૂલ્યાંકન ₹2,500 કરોડ કરવામાં આવ્યું હોવાનું કંપનીએ જણાવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK